શૈદા, મુહમ્મદ આરિફ (મુલ્લા)

January, 2006

શૈદા, મુહમ્મદ આરિફ (મુલ્લા) (. ? ફતેહપુર સિક્રી, . 1669) : મુઘલ શહેનશાહ જહાંગીરના સમયના કવિ. મુલ્લા મુહમ્મદ આરિફ શૈદાના પિતા ઈરાનના મશહદ નગરથી હિંદ આવીને વસ્યા હતા. તેમનો સંબંધ પ્રખ્યાત તકલૂ કબીલા સાથે હતો. તેઓ શરૂઆતમાં ફતેહપુરમાં એક અમીરની સેવામાં રહ્યા હતા. તેમનું નિવાસસ્થાન કવિઓનું મિલનસ્થાન હતું. જોકે શરૂઆતમાં તેમણે કાવ્યરચનાઓ કરી નહોતી ત્યારે પણ તેઓ કવિ અને કવિતાના ચાહક હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. છંદ આદિ વિવિધ શાસ્ત્રોમાં તેઓ નિપુણ હતા. અમીરે તેને કાવ્યરચના માટે પ્રોત્સાહિત કર્યા અને જહાંગીરના દરબારમાં તેમને પ્રવેશ અપાવ્યો. જહાંગીરે તેમને ઉચ્ચ હોદ્દા સાથે કેટલીક જાગીર પણ આપી.

1617માં દક્ષિણમાં ચડાઈ માટે શાહી સૈન્યે કૂચ આરંભી ત્યારે શૈદાએ ખાનેખાનાનની પ્રશંસામાં એક કસીદાની રચના કરી. ખાનેખાનાન તેનાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે જહાંગીર સમક્ષ શૈદાને પોતાની સેવામાં સોંપવાની વિનંતી કરી. તેની અઢળક નવાજેશથી આકર્ષાઈને તેઓ ખાનેખાનાનની સેવામાં જોડાયા. તે દરમિયાન તેઓ બુરહાનપુરમાં રહ્યા. થોડો સમય સુલતાન શહરયારની સેવામાં રહી છેવટે શાહજહાંના દરબારમાં પ્રવેશ્યા. જીવનનાં અંતિમ વર્ષો તેમણે કાશ્મીરમાં ગાળ્યાં.

મુલ્લા શૈદામાં કવિત્વશક્તિના સંસ્કારો નાનપણથી પડેલા હતા. તેઓ તીક્ષ્ણ બુદ્ધિના અને હાજરજવાબી હતા. તેમની રચનાઓમાં મૌલિકતા છે. તેઓ પ્રાચીન કાવ્યશૈલીના ચાહક અને નવીન શૈલીના ટીકાકાર પણ હતા. નવીન શૈલીમાં વિચારો કરતાં શબ્દાડંબર વિશેષ હોવાનું તેમનું મંતવ્ય હતું. તેમણે પ્રાચીન વિષયોને નવીન શૈલીથી રજૂ કર્યા. તેઓ એક શીઘ્ર કસીદહલેખક પણ હતા. તેઓ વ્યંગ્ય માટે પણ પ્રસિદ્ધ હતા અને તેમની વ્યંગાત્મક વાણીથી કોઈ બચી શકતું નહિ.

શૈદા એક સારા મસ્નવી લેખક પણ હતા. તેમણે નિઝામીના ‘યંજગંજ’ના અનુકરણમાં ‘દવલતે બિદ્શ’ નામે એક મસ્નવીની રચના પણ કરી છે. શૈદાએ ગદ્યમાં પણ પોતાની કલમ ચલાવી છે. તેમનું ગદ્ય સામાન્ય વાચક માટે થોડુંક કઠિન લાગે છે.

ઇસ્માઇલભાઈ કરેડિયા