શેવડે, અનંત ગોપાળ (જ. 1911, સૌસર, જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1979, કોલકાતા) : સ્વાતંત્ર્યસેનાની. વિચક્ષણ સાહિત્યકાર, પત્રકાર. પ્રાથમિક શિક્ષણ વતનમાં. નાગપુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.. 1942ની ભારતની આઝાદીના આંદોલનમાં જોડાયા અને 3 વર્ષનો કારાવાસ ભોગવ્યો. ગાંધીજીના કાર્યક્રમથી ખૂબ આકર્ષાયા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના સૂચનથી માતૃભાષા મરાઠી હોવા છતાં હિંદી ભાષાની સેવાનું કાર્ય સ્વીકાર્યું.
એમને મન પત્રકારત્વ એક સામાજિક સાધનારૂપ હતું. તેને લોકસેવાના માધ્યમ તરીકે સ્વીકારીને 1935માં કેટલાકના સહયોગમાં ‘ઇન્ડિપેન્ડન્ટ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. 1944માં તેને ‘નાગપુર ટાઇમ્સ’માં સમાવિષ્ટ કર્યું. ‘નાગપુર ટાઇમ્સ’ને સ્વતંત્ર, નિષ્પક્ષ, નિર્ભીક અને આદર્શસેવી ધોરણ પર મૂકવામાં તેમને અનેક સંઘર્ષો અને સંકટોમાંથી પસાર થવું પડ્યું. અદાલતના અનેક ખટલાઓ સામે તેઓ અડગપણે ઝૂઝ્યા અને વિજયી બન્યા. તેના ફળસ્વરૂપ તેમણે ‘ડસ્ક બિફોર ડૉન’ (ઉષા પહેલાંનું અંધારું) નામક નવલકથાની રચના કરી. તેમના સંનિષ્ઠ અને સત્યનિષ્ઠ નેતૃત્વ હેઠળ ‘નાગપુર ટાઇમ્સે’ મધ્યપ્રદેશના એક નમૂનેદાર અંગ્રેજી દૈનિક તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી.
1951માં ‘નાગપુર ટાઇમ્સે’ પોતાનું સ્વતંત્ર અને નિષ્પક્ષ ધોરણ જાહેર કરતાં મધ્યપ્રદેશ સરકાર નારાજ થઈ અને જાહેરાતો આપવાનું બંધ કર્યું. તેમ છતાં તેઓ વિચલિત ન થયા. પોતાના પગારમાં કાપ મૂક્યો અને 450 કર્મચારીઓએ સ્વેચ્છાએ આપેલા ભોગ દ્વારા પત્ર-પ્રતિષ્ઠા જાળવવામાં આવી. તેમની સાદાઈ, નિયમિતતા અને નિષ્ઠાથી તેઓ સૌના આદરને પાત્ર બન્યા. કેટલાંક વર્ષો સુધી તે પત્ર તેમનું જીવન બની ગયું હતું. તેમણે તેમના પત્રમાં સમાજમાંનાં વિધાયક કાર્યોનું ગૌરવ કર્યું અને વિઘાતક વૃત્તિનો નિર્ભીકપણે નિષેધ કર્યો. તેમણે આશાસ્પદ નવોદિત કલાકાર, મૂર્તિકાર, સંગીતકાર, કાવ્યકારને તેમના પત્ર દ્વારા ગુણગ્રાહકવૃત્તિથી પ્રોત્સાહન પૂરું પાડ્યું. એક મુસ્લિમ બિરાદરના મહાભારતના ઉર્દૂ ભાષાંતરનું અવલોકન ઉત્તમ રીતે તેમના પત્રમાં પ્રસિદ્ધ કર્યું.
1978માં ‘નાગપુર ટાઇમ્સ’ના આદર્શ પ્રમાણે મરાઠી દૈનિક ‘નાગપુર પત્રિકા’ શરૂ કરીને રાષ્ટ્રનો અવાજ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, અને ટૂંક સમયમાં તેણે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેના દ્વારા તેમણે પ્રજાના સાંસ્કૃતિક જીવનની ઝાંખી કરાવતા સાચા અને પ્રબોધક સમાચારો અને પ્રેરક વિચારો પ્રગટ કરવાનો આગ્રહ રાખ્યો.
પ્રશિષ્ટ સાહિત્યકાર તરીકે લલિત વાઙ્મય ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે હિંદીમાં 10 નવલકથાઓ, 2 નવલિકાસંગ્રહો, 2 નિબંધસંગ્રહો આપ્યા છે. ‘જ્વાલામુખી’ 1942ના ‘ભારત છોડો’ આંદોલન પર રચાયેલી એક ઉત્તમ નવલકથા છે. તેનું ગુજરાતી ભાષાંતર ગુજરાત યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે વર્ષો સુધી સ્થાન પામ્યું. તેનું અંગ્રેજી ભાષાંતર 1966માં અમેરિકામાં પ્રસિદ્ધ થયું. તેનો રુમાનિયન અનુવાદ 1974માં બુખારેસ્ટમાં પ્રગટ થયો. નૅશનલ બુક ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા, નવી દિલ્હી દ્વારા ‘જ્વાલામુખી’નું ભારતની 14 ભાષાઓમાં ભાષાંતર કરાવવામાં આવ્યું. તેમની 3 નવલકથાઓની ભારત સરકાર દ્વારા બ્રેઇલ લિપિ માટે પસંદગી કરવામાં આવી. અંગ્રેજી નવલકથા ‘સાઇલેન્ટ સાગ’ પરિપક્વ રચના છે; ‘ધ ગ્રેટ સ્મૉલ વર્લ્ડ’ તેમનાં પ્રવાસનાં સંસ્મરણો છે.
એમની સાહિત્યિક સેવાઓ બદલ તેમને મહાત્મા ગાંધી પુરસ્કાર અને ‘પદ્મશ્રી’નો ઇલકાબ આપવામાં આવ્યાં. 1969માં ભારત સરકારે રાષ્ટ્રના સંસ્કાર-પ્રતિનિધિ તરીકે તેમને યુરોપ અને અમેરિકાના દેશોમાં વ્યાખ્યાનયાત્રા માટે મોકલ્યા અને તેમણે સંતર્પક અને પ્રબોધક વ્યાખ્યાનો આપ્યાં. 1978માં સ્ટૉકહોમ ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય લેખક પરિષદમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે જોડાયા હતા અને સાહિત્ય-સ્રષ્ટાઓના દાયિત્વ વિશે સુંદર ઉદ્બોધન કર્યું હતું. આમ તેઓ શબ્દ્બ્રહ્મના સંનિષ્ઠ પૂજારી હતા.
તેમનાં પત્ની યમુનાબાઈ પણ મરાઠી સાહિત્યનાં એક પ્રતિષ્ઠિત લેખિકા અને સંગીતવિદ્યાનાં ઉપાસિકા તરીકે જાણીતાં છે.
બળદેવભાઈ કનીજિયા