શેળકે, શાંતા (જ. 12 ઑક્ટોબર 1922, ઈંદાપુર, મહારાષ્ટ્ર; અ. 6 જૂન 2002, મુંબઈ) : મરાઠીનાં વિખ્યાત કવયિત્રી, પત્રકાર, વાર્તાકાર, અનુવાદક અને બાલસાહિત્યકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં તથા એમ.એ. સુધીનું ઉચ્ચશિક્ષણ પુણે ખાતે. મરાઠી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક-અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી અને એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યાં જે માટે તેમને ન. ચિ. કેળકર પારિતોષિક તથા વિષ્ણુશાસ્ત્રી ચિપળુણકર પારિતોષિક એનાયત કરવામાં આવ્યાં હતાં. ‘હિંદ છોડો’ ચળવળ(1942)ના સમય દરમિયાન ‘સમીક્ષક’ સામયિકનું સંપાદન કર્યું અને ત્યારબાદ મરાઠીના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર આચાર્ય પ્રહ્લાદ કેશળ અત્રેના ‘નવયુગ’ સાપ્તાહિકમાં સહસંપાદક તરીકે જોડાયાં. ત્યારબાદ ક્રમશ: નાગપુર ખાતેના હિસ્લાપ કૉલેજમાં તથા મુંબઈની રામનારાયણ રુઇયા કૉલેજમાં મરાઠીનાં પ્રાધ્યાપિકા તરીકે કામગીરી કરી. મુંબઈના વસવાટ દરમિયાન તેમણે ફિલ્મ સેન્સર બોર્ડ, નાટ્ય પરીક્ષણ મંડળ તથા રાજ્ય પુસ્તક પુરસ્કાર સમિતિઓમાં સભ્ય તરીકે સેવાઓ આપી.
1950માં નિર્મિત ‘રામ રામ પાવ્હણ’ – આ મરાઠી ચિત્રપટ માટે ગીતલેખન કર્યું અને ત્યારથી અવસાન સુધીના પાંચ દશકોમાં 200 જેટલાં મરાઠી ચિત્રપટો માટે ગીતરચનાઓ કરી. તેમણે લખેલાં ચિત્રપટ-ગીતો પણ મરાઠી સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂના છે અને ચિત્રપટ-ગીતોની સાહિત્યિક ગુણવત્તા માટે વિખ્યાત મરાઠી કવિ ગ. દિ. મા. (ગજાનન દિનકર માડગુળકર) પછી શાંતાબાઈ શેળકેનું જ સ્થાન ઊંચું છે. તેમનાં ચિત્રપટ-ગીતો વૈવિધ્યસભર હતાં, જેમાં સાહિત્યનાં વિવિધ અંગોનાં સુભગ દર્શન થાય છે. તેમની કાવ્યરચનામાં ભક્તિગીતો, ભાવગીતો, લાવણી, નાટ્યગીતો, હાઇકુ વગેરેનો સમાવેશ થાય છે. મરાઠી સાહિત્યમાં જાપાનનો હાઇકુ સાહિત્યપ્રકાર દાખલ કરવાનો જશ તેમને ફાળે જાય છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘તોચ ચંદ્રમા’, ‘પૂર્વસંધ્યા’, ‘કિનારે મનાચે’, ‘પાણ્યાવરચ્યા પાકળ્યા’, ‘કળ્યાંચે દિવસ’, ‘વર્ષા’, ‘જન્મ જાહ્નવી’ તથા ‘રુપસ ગોંદેણ અનોળખ’; લલિત સાહિત્યમાં ‘પાવસા આધીચા પાઉસ’, ‘માગાવેસે વાટતે’, ‘મ્હણૂન સંસ્મરણે’, ‘જાણતા’, ‘અજાણતા’, ‘એકપાત્રી’ અને ‘રંગરેખા’ વગેરેનો સમાવેશ થાય છે.
સાહિત્યસર્જન માટે તેમને ઘણા પુરસ્કારો એનાયત થયા છે; દા.ત., ‘ચિમણચારા’, ‘કવિતા કરણારા કાવળા’, ‘ગોંદણ’ આ તેમના ગ્રંથોને મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર; એકંદર સાહિત્યસર્જન માટે ફાય ફાઉન્ડેશન પુરસ્કાર; સુ. મ. ગદ્રે શાસકીય પુરસ્કાર; ‘ભુજંગ’ નામના મરાઠી ચલચિત્રનાં ગીતો માટે વાર્ષિક ચલચિત્ર-ગીત-લેખન પુરસ્કાર; કાવ્યરચનાઓ માટે ‘ગ.દિ.મા.’ પુરસ્કાર; ‘કાકાસાહેબ ગાડગીળ પુરસ્કાર’; મંગેશકર પ્રતિષ્ઠાન દ્વારા ‘વાગ્વિલાસિની’ પુરસ્કાર તથા વર્ષ 2001-02 માટે મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.
1996માં મહારાષ્ટ્રના આળંદી ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.
મરાઠીનાં આદર્શ પ્રાધ્યાપિકા તરીકે વિદ્યાર્થીવર્ગમાં તેઓ અત્યંત પ્રિય હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે