શેલિંગ, ફિડરિખ વિલહેલ્મ (જ. 27 જાન્યુઆરી 1775, લિયરેનબર્ગ, જર્મની; અ. 20 ઑગસ્ટ 1854, રોગત્ઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પાશ્ચાત્ય તત્વજ્ઞાની. તેમનો વિદ્યાર્થીકાળ ખૂબ તેજસ્વી હતો. 1790થી 1795 સુધી ટ્યૂબિનગેન યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાન અને ઈશ્વરવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. હેગલ તેનાથી પાંચ વર્ષ આગળ છતાં સમકાલીન હતા. શેલિંગે તેની સત્તર વર્ષની ઉંમરે ‘ધ ફૉલ ઑવ્ મૅન’ શોધપ્રબંધ પ્રસિદ્ધ કરેલો. શરૂઆતના બે ગ્રંથો ફિખ્ટેની અસર હેઠળ તૈયાર કરેલા. 1798માં ટ્યૂટર અને ત્યારબાદ તત્વજ્ઞાનના અધ્યાપક. એ જ પદ પર તેઓ જુદી જુદી યુનિવર્સિટીઓમાં સેવા આપતા રહ્યા. તત્વજ્ઞાનને લગતા જર્નલમાં સંપાદક, અકાદમીના સંશોધક સભ્ય વગેરે કાર્ય સાથે ગ્રંથનિર્માણ તો ચાલતું જ રહ્યું હતું. 1797માં ‘આઇડિયા રિગાર્ડિંગ ફિલૉસૉફી ઑવ્ નેચર’ અને 1800માં ‘ધ સિસ્ટિમ ઑવ્ ટ્રાન્સિડેન્ટલ આઇડિયાલિઝમ’ એ પુસ્તકો બહાર પાડ્યાં. આ ઉપરાંત ‘ઑન ધ વર્લ્ડ સોલ’, ‘લેક્ચર્સ ઑન ધ મેથડ ઑવ્ એકૅડેમિક સ્ટડી’, ‘ફિલૉસૉફિકલ ઇન્ક્વાયરિઝ ઇન ટુ ધ નેચર ઑવ્ હ્યૂમન ફ્રીડમ’ અને 1815માં પ્રસિદ્ધ થયેલું ‘ધી એયજ ઑવ્ ધ વર્લ્ડ’ જાણીતાં છે.
1841માં જ્યારે કારકિર્દીના શિખર પર બિરાજમાન હતા ત્યારે તેમણે ‘ફિલૉસૉફી ઑવ્ માઇથૉલૉજી અને રિવિલેશન’ ઉપર વ્યાખ્યાનો આપેલાં.
શેલિંગના ચિંતનના વિકાસને પાંચ તબક્કામાં વહેંચી શકાય : (1) ફિખ્ટેના શિષ્ય તરીકે, (2) પ્રકૃતિનું તત્વજ્ઞાન અને અનુભવનિરપેક્ષ આદર્શવાદ, (3) સ્પિનોઝાના પ્રભાવ હેઠળ એકતત્વવાદ ને તાદાત્મ્ય પદ્ધતિ, (4) રહસ્યવાદી અસર – નવપ્લેટોવાદના પ્રભાવ હેઠળ અને (5) પુરાણવિદ્યાના તત્વજ્ઞાની તરીકે.
સમગ્ર તત્વચિંતનને ધ્યાનમાં રાખી શેલિંગની બૌદ્ધિક વિકાસયાત્રા નિહાળતાં સ્પષ્ટ થશે કે કાન્ટના તત્વજ્ઞાનને હેગલ સુધી દોરી જવામાં તેમનું ઘણું મહત્વનું પ્રદાન રહ્યું છે.
કાન્ટના અજ્ઞેયવાદ પાસે અટકી નહિ જતાં ફિખ્ટેમાંથી મેળવેલો અહમનો સિદ્ધાંત શેલિંગ પોતાની રીતે આગળ વધારે છે. શેલિંગ તેના The Egoના ખ્યાલમાં અહમ્ અને અનહમ્ વચ્ચેના વિરોધના આધાર તરીકે નિરપેક્ષ અહમની સંકલ્પના ઉમેરે છે અને એમ પ્રતિપાદિત કરવા મથે છે કે જેટલી આત્મલક્ષી સૃદૃષ્ટિ વાસ્તવિક છે એટલી જ વસ્તુનિષ્ઠ સૃદૃષ્ટિ વાસ્તવિક છે.
આ નિરપેક્ષ અહમની સમજ તર્કબુદ્ધિ દ્વારા ન મળી શકે. એ સમજ બૌદ્ધિક અંત:સ્ફુરણા દ્વારા જ મળી શકે તેમ છે.
બીજા તબક્કામાં શેલિંગ પ્રકૃતિનું મહત્વ પ્રસ્થાપિત કરે છે. તેઓ કહે છે કે પ્રકૃતિએ નિરપેક્ષ અહમના આવિષ્કરણનું બીજું પાસું જ છે. પ્રકૃતિ વડે જ આત્મા સ્વયં વિશે સભાન બને છે. જડ તેમજ ચેતન બંને તત્ત્વો મૂળ નિરપેક્ષ તત્વનાં બે પાસાં માત્ર છે. પ્રકૃતિ દૃદૃશ્ય આત્મા છે તો આત્મા અદૃદૃશ્ય પ્રકૃતિ છે. શેલિંગ દ્વૈતવાદનું ખંડન કરે છે.
ત્રીજા તબક્કામાં શેલિંગ ઉપર સ્પિનોઝાનો પ્રભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પરંતુ તે નિરપેક્ષ-તત્વને એકત્વ અને તટસ્થતા આપવા પૂરતો જ કારગત નીવડે છે. આગળ વધતાં શેલિંગમાં બુદ્ધિવાદનું સ્થાન રહસ્યવાદ લઈ લે છે. નવપ્લેટોવાદની માફક તે પ્રાકૃતિક જગત અને તેની વિવિધતા – બધાંને ગૌણ માનવા પ્રેરાય છે, એટલું જ નહિ પણ તે એવો મત વ્યક્ત કરે છે કે સાંસારિક જીવન અને તેની વિહારભૂમિ બનેલું જગત બંધનકર્તા છે. તેમાં આત્મા બુદ્ધિમત્તાના સ્તરેથી પદચ્યુત થઈને ઇન્દ્રિયના સ્તરે પતન પામેલ છે. આત્માએ મુક્તિ માટે ઈશ્વર સાથે પુનર્મિલન સિદ્ધ કરવાનું છે. નિરપેક્ષ એકત્વમાંથી સ્થાનભ્રષ્ટતા એ માનવીનું દુર્ભાગ્ય છે. તેનું મુખ્ય ધ્યેય મૂળ તાદાત્મ્યની પુન:પ્રાપ્તિ કરવી તે છે.
શેલિંગના ચિંતનનો આખરી તબક્કો રહસ્યવાદ તરફ તેને દોરી જાય છે. તેઓ કહે છે કે મૂળભૂત ઐક્યની પ્રાપ્તિ માત્ર રહસ્યવાદ દ્વારા જ શક્ય છે. માણસે પોતાની જાતને પોતાની ભૌતિક મર્યાદાઓથી પર કરવી જોઈએ. ભૌતિક સુખમાં રચ્યા-પચ્યા રહેનાર વ્યક્તિ નિરપેક્ષ તત્વથી દૂર ને દૂર થતા જાય છે. જ્યારે સ્વાર્થીપણાના ભ્રમોથી મુક્ત વ્યક્તિઓનું વાસ્તવિકતા સાથે પુનર્મિલન થાય છે. અહીં તે જ્ઞાનના રહસ્યવાદી સ્વરૂપ ઉપર ભાર મૂકે છે. તેના મતે વિજ્ઞાન નહિ; પરંતુ રહસ્યમય ગૂઢ અંત:સ્ફુરણા માનવીને વાસ્તવિકતાની પ્રત્યક્ષ સમજ આપી શકે.
ખ્રિસ્તી ધર્મના પ્રભાવ હેઠળ શેલિંગ પોતાની અનુભૂતિ ખ્રિસ્તી પરિભાષામાં રજૂ કરવા પ્રેરાય છે; આમ છતાં, તેમાં ભારોભાર તત્વચિંતકની તટસ્થતા અને રહસ્યવાદીની નિરપેક્ષતા પ્રગટતી જોવા મળે છે. તેના મહત્વના નિષ્કર્ષરૂપ શબ્દો છે : ‘‘જ્યારે માનવી તેની પોતાની ઇચ્છાને વ્યાપક ઇચ્છામાં એકાકાર કરી દે છે ત્યારે જ તે પોતાની ખરી જાતને પ્રાપ્ત કરે છે.’’
મુકુન્દ કોટેચા