શેલિંગ, ટૉમસ સી. (જ. 1921) : વર્ષ 2005ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. 2005ના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા છે જેરૂસલેમ ખાતેની હિબ્રૂ યુનિવર્સિટીના ગણિત વિભાગના વડા રૉબર્ટ જે. ઑમન. શેલિંગને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ત્યારે તેઓ અમેરિકાની મૅરિલૅન્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં સન્માનનીય પ્રોફેસર(Professor Emiritus)નું પદ તથા અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ ઇકૉનોમીના લુશિયસ એન. લિટૉર સન્માનનીય પ્રોફેસરનું પદ ધરાવતા હતા. તેમણે 1944માં કૅલિફૉર્નિયા રાજ્યની બર્કલે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી ઉચ્ચ ગુણવત્તા સાથે હાંસલ કરી હતી અને ત્યારબાદ 1951માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. 1945-46માં તેઓ અમેરિકાની સરકારના અંદાજપત્રક તૈયાર કરતા વિભાગમાં (U. S. Bureau of the Budget), 1948-50ના ગાળામાં કૉપનહેગન અને પૅરિસ ખાતેના માર્શલ પ્લાન કાર્યાન્વય કાર્યાલયમાં તથા 1951-53ના ગાળામાં અમેરિકાના પ્રમુખના કાર્યાલય વ્હાઇટ હાઉસમાં ઉચ્ચ વહીવટી પદ પર કાર્યરત હતા. 1953-58માં તેમણે યેલ યુનિવર્સિટીમાં શરૂઆતમાં એસોસિયેટ પ્રોફેસર અને ત્યારબાદ પ્રોફેસરના પદ પર કામ કર્યું હતું. 1958-59માં અમેરિકાની રૅન્ડ કૉર્પોરેશનમાં વરિષ્ઠ પદ પર, 1958-90ના ગાળામાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરના પદ પર તથા 1969-90 દરમિયાન તે જ યુનિવર્સિટીની જૉન ઍફ. કૅનડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટમાં સેવાઓ આપી હતી. સાથોસાથ 1984-90ના ગાળા દરમિયાન ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સ્ટડી ઑવ્ સ્મોકિંગ બિહેવ્યર’ ખાતે, નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના તથા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનના સભ્યપદે, અમેરિકન અકાદમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝના ફેલોપદ પર કામ કર્યું હતું. 1991માં તેઓ અમેરિકન ઈકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે તથા 1995માં ધ ઈસ્ટર્ન ઈકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે ચૂંટાયા હતા.
રમતના સિદ્ધાંત પર નવા પરિપ્રેક્ષ્યથી શેલિંગે કરેલ સંશોધન માટે તેમને વર્ષ 2005નું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે.
તેમને અત્યાર સુધી બે ગણમાન્ય ઍવૉર્ડોથી નવાજવામાં આવ્યા છે; જેમાં ડિસ્ટિંગ્વિશ્ડ ફેલો ઑવ્ ધી અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશન તથા 1993માં ન્યૂક્લિયર સંઘર્ષ અટકાવવા માટેનું વર્તનલક્ષી સંશોધન કરવા માટે નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સિઝના ઍવૉર્ડનો સમાવેશ થાય છે.
તેમને અત્યાર સુધી(2005)માં બે અગ્રણી સંસ્થાઓએ ડૉક્ટરેટની માનાર્હ ઉપાધિ એનાયત કરી છે, જેમાં રૅન્ડ ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ પૉલિસી એનાલિસિસ તથા રોટરડૅમ ખાતેની ઇરાસ્મસ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી (2005) તેમના જે સંશોધનલેખો પ્રકાશિત થયા છે તે વિવિધ વિષયોને આવરી લે છે. લશ્કરની વ્યૂહરચના અને શસ્ત્રનિયંત્રણ, ઊર્જા તથા વાતાવરણીય પરિસ્થિતિ અંગેની નીતિ, આબોહવામાં પરિવર્તનો, ન્યૂક્લિયર શક્તિનો પ્રસાર, આતંકવાદ, સંગઠિત ગુનેગારી, વિદેશી સહાય અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સંઘર્ષ અને સોદાબાજી અંગેના સિદ્ધાંતો, જાતીય ધોરણે કરવામાં આવતી અલગતા (racial segregation) તથા એકીકરણ, લશ્કરમાં ભરતી, સ્વાસ્થ્ય અંગેની નીતિઓ, તમાકુ તેમજ અન્ય માદક પદાર્થો અંગેની નીતિ તથા વ્યાપારમાં અને જાહેરનીતિઓ સાથે સંબંધિત નૈતિક બાબતો – આવા બધા વિષયોનો તેમના સંશોધનમાં સમાવેશ થાય છે.
તેમણે વિપુલ ગ્રંથસર્જન કર્યું છે, જેમાં ‘નૅશનલ ઇન્કમ બિહેવ્યર’ (1951), ‘ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક્સ’ (1958), ‘ધ સ્ટ્રૅટેજી ઑવ્ કૉન્ફ્લિક્ટ’ (1960), ‘સ્ટ્રૅટેજી ઍન્ડ આર્મ્સ કંટ્રોલ’ (મૉર્ટન હૅલ્પરિન સાથે) (1961), ‘ધ ટ્વેન્ટિએથ સેન્ચુરી ફંડ’ (1961), ‘આર્મ્સ ઍન્ડ ઇન્ફ્લ્યુઅન્સ’ (1966), ‘માઇક્રોમોટિવ્ઝ ઍન્ડ મેક્રોબિહેવ્યર’ (1978), ‘થિંકિંગ થ્રૂ ધ એનર્જી પ્રૉબ્લેમ’ (1979) તથા ‘ચૉઇસ ઍન્ડ કૉન્સિક્વન્સીઝ’(1984)નો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે