શેલત, જે. એમ. (. 1908, ઉમરેઠ, જિ. ખેડાગુજરાત; . 1 નવેમ્બર 1985, મુંબઈ) : ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓના વરીયતા-ક્રમનો અનાદર કરીને એ. એન. રાયની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થયેલી નિમણૂકના વિરોધમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

મુંબઈમાં વિદ્યાભ્યાસ કર્યા પછી તેમણે લંડન યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. ઑગસ્ટ 1933માં મુંબઈ વડી અદાલતમાં વિખ્યાત ઍડવોકેટ અને સાહિત્યકાર ક. મા. મુનશીના માર્ગદર્શન હેઠળ વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં એ મુંબઈની સિટી સિવિલ અને સેશન્સ કૉર્ટમાં ન્યાયાધીશ તરીકે અને પછીથી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયા. જાન્યુઆરી 1957માં મુંબઈ વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિમાયા. દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થતાં ગુજરાત રાજ્યની રચના થઈ અને ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેઓ નિમાયા. મે 1963માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ નિમાયા. ત્યારબાદ ફેબ્રુઆરી 1966માં એ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે બઢતી પામ્યા. કડક અને સિદ્ધાંતનિષ્ઠ ન્યાયાધીશ તરીકે તેઓ જાણીતા હતા.

ન્યાયમૂર્તિ શેલત સ્વ. મુનશીએ સ્થાપેલી જાણીતી વિદ્યાકીય સંસ્થા ભારતીય વિદ્યાભવન સાથે સતત સંકળાયેલા રહ્યા હતા. એમણે સમ્રાટ અકબર વિશે એક પુસ્તક લખેલું અને જાણીતા કાયદાશાસ્ત્રી મુલ્લાએ સિવિલ પ્રોસીજર કોડ પર ત્રણ ભાગમાં લખેલા પુસ્તકનું સંપાદન કર્યું હતું.

સમગ્ર દેશમાં ચકચાર જગાડનાર આહુજા ખૂન કેસમાં નૌકા દળના કમાન્ડર નાણાવટી સામે ચાલેલો કેસ મુંબઈની જે સેશન્સ અદાલતમાં ચલાવવામાં આવ્યો હતો તે અદાલતમાં જે. એમ. શેલત ન્યાયાધીશ હતા અને જ્યુરીએ નાણાવટીને આઠ વિરુદ્ધ એકની બહુમતીથી નિર્દોષ જાહેર કર્યા પછી જ્યુરીનો ચુકાદો વિકૃત પ્રકારનો (perverted) છે એવી જાહેરાત કરનાર ન્યાયમૂર્તિ શેલતે તે કેસ મુંબઈની વડી અદાલતને સોંપવાનું સાહસ કર્યું હતું.

તેવી જ રીતે ગુજરાતની કૉલેજોમાં ફરજિયાત ગુજરાતી માધ્યમ લાદવા વિરુદ્ધનો કેસ ગુજરાતની વડી અદાલતમાં ચલાવવામાં આવેલો ત્યારે તેની સુનાવણી પણ ન્યાયમૂર્તિ શેલત સમક્ષ થઈ હતી અને તે અંગેનો તેમનો ચુકાદો પણ શકવર્તી ગણાયો હતો.

ચિન્મય જાની