શેત્રુંજી : સૌરાષ્ટ્રમાં આવેલી નદી. તે અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી પસાર થઈને ખંભાતના અખાતને મળે છે. લંબાઈમાં તે ભાદર પછીના બીજા ક્રમે આવે છે. તેની લંબાઈ 174 કિમી. જેટલી છે. ગીરમાં બગસરાથી દક્ષિણે સીસવાણ ગામ નજીક આવેલા જંગલમાં મથુરામાળ નામની ડુંગરમાળાના ચાંચ શિખરમાંથી તે નીકળે છે. અમરેલી જિલ્લાના ધારી પાસેના વિસ્તારમાંથી પસાર થાય છે. અહીં 6 મીટરની ઊંચાઈએથી તે ધોધ રૂપે ખાબકે છે. ત્યાંનું દૃશ્ય રમણીય બની રહે છે. મૂળથી 40 કિમી.નું અંતર વટાવ્યા બાદ બાબાપુર પાસે તેને સાતલી મળે છે. ત્યાંથી જમણે વળાંક લઈ અગ્નિકોણમાં વહે છે. માર્ગમાં તેને ઘણાં નાનાં નાનાં નાળાં-ઝરણાં મળે છે. અમરેલીથી થોડે દૂર વડી અને ઠેબી નદીઓ તેને મળે છે. ભૂતપૂર્વ લાઠી રાજ્યના પાદરે થઈને વહેતી ગાગડિયો નદી પણ તેને મળે છે. ત્યારબાદ તે ભેંસણવાડી નજીક ભાવનગર જિલ્લામાં પ્રવેશે છે. ભેંસણવાડીથી પશ્ચિમે 3.22 કિમી.ને અંતરે ગીરમાંથી આશરે 200 મીટરની ઊંચાઈએથી નીકળતી શેલ અને ગાત્રડિયા નદીઓ પણ તેને મળે છે. ખંભાલીજા, ડિટલા, સમઢિયાળા અને કરજાળા થઈને તે 145 મીટરની ઊંચાઈએ વહે છે. કરજાળાની ઉત્તરે લગભગ 1.6 કિમી.ને અંતરે તે ભાવનગરમાં પ્રવેશે છે. પૂર્વ તરફ વહીને તે શેઢાવદર પાસે ભાવનગર-કુંડલા માર્ગ વીંધીને આગળ જાય છે. મિનિયાળાના ડુંગરમાંથી નીકળતી શેલ શેત્રુંજીને મળે છે. લિલિયા અને કુંડલાની વચ્ચેની ખારાપાટવાળી તથા કાંકચ(કાંકરા)ની સુરોખારવાળી જમીનમાંથી પસાર થતી નદીઓ તેને મળવાથી તેનાં પાણી ખારાં બની રહે છે. કાંકરા પાસે તે અગ્નિકોણી વળાંક લે છે. અહીંનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી 66 મીટરની ઊંચાઈવાળું છે. ભાવનગર જિલ્લાની દક્ષિણની ટેકરીઓમાંથી 150થી 270 મીટરની ઊંચાઈએથી નીકળતાં ઘણાં ઝરણાં તેને આવી મળે છે. આંકોલડા છોડ્યા પછી તે 75 મીટર ઊંચાઈએ વહે છે. રામપરાને ફરતો વળાંક લઈ પાલિતાણા નજીકથી સાંકડી બનીને વહે છે. ત્યારપછી તે વિશાળ મેદાની ભાગમાં પ્રવેશે છે. ત્યાંથી તે લાંપળિયા, માખણિયા અને તળાજામાં આવે છે. ગોપનાથની ઉત્તર તરફ લગભગ 7.25 કિમી. તથા 9 કિમી. દૂર બે ફાંટામાં તે ખંભાતના અખાતને મળે છે.
ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના આશરે 93.38 કિમી.ના વહેણ દરમિયાન તેને શેલ નામની માત્ર એક જ નદી મળે છે. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી સાવરકુંડલા, ગારિયાધાર, પાલિતાણા, તળાજા વિસ્તારોમાં થઈને વહે છે.
અહીંના પ્રસિદ્ધ તીર્થધામ શેત્રુંજયને કારણે તે ‘શેત્રુંજી’ નામથી ઓળખાઈ છે.
શેત્રુંજી નદીને કાંઠે કુલ 113 ગામો આવેલાં છે. તે પૈકી હાથસણી, કુંડલા, કરજાળા, બોરલા, ચરખડિયા, પિથલપુર, સેંજળ, કેરાળા, વાંશિયાળી, વીરડી, પીપરડી, કેદારિયા, નવાગામ, વેળાવદર, સમઢિયાળા, વીરપુર, વડાળ, ભંડારિયા, લાખણકા, રાજસ્થળી, દેવળિયા, ઉમરાળા, દેવળી, હાજીપુર, ફૂલસર વગેરે મહત્ત્વનાં છે.
શેત્રુંજી નદી પર પાલિતાણા નજીક રાજસ્થળી ગામે બંધ આવેલો છે. તેનું સ્રાવક્ષેત્ર 3,159 ચોકિમી. જેટલું છે. અન્ય બે યોજનાઓ દાત્રેડ (જળાશય 117.47 ચોકિમી.) અને બવાડી (158.83 ચોકિમી.) હાથ પર લેતાં આ બંધોને કારણે 76,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે એમ છે.
શિવપ્રસાદ રાજગોર