શેઠ, હીરાબહેન કેશવલાલ (જ. 15 ડિસેમ્બર 1915, પાટણવાવ, જિ. રાજકોટ) : સ્ત્રીઓ અને બાળકો માટેનાં સમાજસેવિકા. સાધનસંપન્ન સેવાભાવી કુટુંબમાં જન્મ. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીનાં સ્નાતિકા. આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ. 1930-32ની સવિનય કાનૂનભંગની ચળવળ વખતે દારૂ તેમજ વિદેશી કાપડ વેચતી દુકાનો ઉપર પિકેટિંગમાં ભાગ લીધો હતો. રાજકોટ સત્યાગ્રહ વખતે સભા-સરઘસ અને પિકેટિંગના કાર્યક્રમોમાં જોડાયેલાં અને 6 મહિના જેલ ભોગવેલી. સમાજમાં થતા સ્ત્રીઓના આપઘાતો, માથાભારે તત્ત્વો દ્વારા થતો લોહીનો વેપાર, ગામડાંમાં પ્રવર્તતી અજ્ઞાનતા, કુરિવાજો, વહેમો આદિ અનિષ્ટોને ડામવા પુષ્પાબહેન મહેતા, ઢેબરભાઈ વગેરેનાં માર્ગદર્શન અને પ્રેરણાથી તેઓ સમાજસેવા-ક્ષેત્રમાં જોડાયાં. 1945માં રાજકોટ મુકામે સ્ત્રીઓ તથા બાળકો માટેનું પ્રથમ વિકાસગૃહ સ્થાપ્યું. તેને ‘શ્રી કાંતા સ્ત્રી વિકાસગૃહ’ નામ આપ્યું. હીરાબહેને જીવનનું ધ્યેય દુભાયેલ, તરછોડાયેલ, મુશ્કેલીમાં મુકાયેલ વિધવા તથા અનાથ સ્ત્રીઓને, બાળકોને ભણાવી, રોજગારલક્ષી તાલીમ આપી સમાજમાં પુનર્વસવાટ કરાવવાનું રાખ્યું હતું. આ સંસ્થા મારફતે હજારો મહિલાઓ પગભર થઈને કુટુંબજીવનમાં સુખશાંતિ પામી છે.
1950થી 1955 સુધી હીરાબહેને રાજકોટ જિલ્લાનાં ગામોમાં ફરી મહિલાઓની જાગૃતિની ઝુંબેશ ઉપાડી ઠેકઠેકાણે બાળકલ્યાણ અને સ્ત્રીઉત્કર્ષની પ્રવૃત્તિ કરી હતી. 30 જેટલાં સ્થળોએ સમાજકલ્યાણ-કેન્દ્રો સ્થાપ્યાં અને ભારત સરકારની યોજના અનુસાર મહિલાઓ તથા બાળકોની વિકાસયોજનાઓ મારફતે સમાજસુધારણાનું કાર્ય કર્યું.
સમાજસુધારણાની આ પ્રવૃત્તિના પરિણામે તેઓ 1957માં વાંકાનેર વિસ્તારની વિધાનસભાની બેઠક ઉપર મોટી બહુમતીથી ચૂંટાયાં અને સ્ત્રીઓ તથા બાળકો માટે કલ્યાણકારી કાયદા ઘડવામાં ઉપયોગી થયાં. 1964થી 1971 સુધી બાળ અદાલતમાં માનાર્હ મૅજિસ્ટ્રેટ તરીકે તેમણે સેવાઓ આપેલી.
મુંબઈના દ્વિભાષી રાજ્યમાં તેઓ સમાજકલ્યાણ બોર્ડના સભ્યપદે અને ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં 1966થી 1976 સુધી ગુજરાત રાજ્ય સમાજકલ્યાણ બોર્ડના સભ્યપદે રહ્યાં અને સમાજ-સુરક્ષાના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી. આ ઉપરાંત હરિજનસેવા, નિરક્ષરતાનિવારણ, પ્રૌઢશિક્ષણ, સ્ત્રીઓ માટેનું રોજગારલક્ષી શિક્ષણ તથા તાલીમ વગેરે સેવાઓની કદર કરીને તેમને 1984માં સમાજકલ્યાણ-ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય માટેનું રાજ્યપારિતોષિક તથા 1991માં ભારત સરકાર તરફથી બાળકલ્યાણ-ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટેનો રાષ્ટ્રીય ઍવૉર્ડ અર્પણ થયો હતો. તેમના વિચારો સ્પષ્ટ હતા, જીવન સ્વચ્છ અને નિર્ભીક હતું તથા સરળતા અને સાદાઈને તેઓ વરેલાં હતાં. તેઓ સૌનાં ભીડભંજક હતાં. ઢેબરભાઈની સ્મૃતિમાં મહિલાશિક્ષણ અને જાગૃતિનું કામ કરવા માટેના પારિતોષિક માટે તેમની પસંદગી થઈ હતી. તેમને 1991ના ‘નારી-સમાજસેવા સન્માન’ અંગે ચંપાબહેન ગોંધિયા ઍવૉર્ડ એનાયત થયો હતો. નારીસમાજની તેમની સેવાનું ફલક વિસ્તૃત અને ઊંડું હતું.
જયકુમાર ર. શુક્લ