શેઠ, જગદીશ (ડૉ.) (જ. રંગૂન, મ્યાનમાર (હાલ બર્મા) : સમાજસેવાની પ્રવૃત્તિઓમાં રસ ધરાવનાર અત્યંત પ્રભાવશાળી બહુમખી પ્રતિભા ધરાવનાર.
તેમનું મૂળ વતન કચ્છ-મુદ્રા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે બર્મા વૉર વખતે તેઓના પરિવારે ભારતમાં પરત આવવું પડ્યું. આના આઘાતમાં પિતાજી ડિપ્રેશનનો ભોગ બની ગયા. મોટા ભાઈ ગુલાબચંદભાઈ સાથે જગદીશભાઈએ થોડો સમય મુંબઈ-વડોદરામાં રહી અભ્યાસ કર્યો. પછી તેઓ ચેન્નાઈમાં સ્થિર થયા. 1947ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે જગદીશભાઈ ચેન્નાઈમાં રહી અભ્યાસ કરતા હતા.

(ડૉ.) જગદીશ શેઠ
મદ્રાસમાં તેમણે ગુજરાતી મૅગેઝિન ‘સાહિત્ય સદન’ શરૂ કર્યું. અહીં ગુજરાતી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતા મધુબહેન શેઠના પરિચયમાં આવ્યા. આ પરિચય તેમના લગ્નમાં પરિણમ્યો હતો. રૂઢિચુસ્ત જૈન પરિવારમાં ઊછરેલાં મધુબહેને અભ્યાસ પણ ચેન્નાઈમાં ગર્લ્સ હાઈસ્કૂલમાં કરેલો.
જગદીશભાઈ ઑનર્સ પ્રોગ્રામમાં ઇન્કમટૅક્સ અને પોપર્ટી રાઇટ્સનો અભ્યાસ કરી ગોલ્ડ મેડલ સાથે ગ્રૅજ્યુએટ થયા. આ સમય દરમિયાન તેમના હિતેચ્છુએ અમેરિકા જઈ એમ.બી.એ. કરવાની સલાહ આપી. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગમાં જગદીશભાઈએ એડમિશન લીધું. અહીં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાનમાં રસ જાગ્યો અને ‘સર્વાઇવલ નીડ્સ’ના વિષયમાં ગહન અભ્યાસ કર્યો. તેમણે રજૂ કરેલ રિસર્ચ પેપર ખૂબ જ નૉલેજેબલ હોવાના કારણે ખુદ યુનિવર્સિટીએ પોલિટિકલ સાયન્સમાં આગળ વધવા ભલામણ કરી. ત્યારબાદ પીએચ.ડી. પ્રોગ્રામમાં અભ્યાસ કરી પ્રાઇમરી સાઇકોલૉજી સાથે માર્કેટિંગ ઍપ્લાઇડમાં પણ નવી દિશાઓને જન્મ આપ્યો.
જીવનમાં સફળતાના એક પછી એક મુકામ સર કરી રહેલા જગદીશભાઈને લગ્ન કરવા ભારત આવવાનો પણ સમય ન હતો. ભારતમાં (ચેન્નાઈ) મધુબહેને પણ જગદીશભાઈના ફોટા સાથે લગ્નવિધિ કરી લીધી અને થોડા સમય બાદ એકલાં જ અમેરિકા પહોંચી ગયાં. અમેરિકામાં જગદીશભાઈનો પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ હોઈ માત્ર સ્ટાઇપેન્ડની નાની રકમમાં પણ મધુબહેને ઘર અને જગદીશભાઈને સાચવ્યા.
અમેરિકામાં પ્રો. જ્હોન હાવર્ડની સાથે બ્રાન્ડ લોયેટી થિયરીમાં કામ શરૂ કરી કોલંબિયા યુનિવર્સિટીમાં બે વર્ષ રિસર્ચ કર્યું. આના ફળસ્વરૂપે તેમનું પ્રથમ પુસ્તક ‘ધી થિયરી ઑફ બાયર બિહેવિયર’ ઈ. સ. 1969માં પ્રકાશિત થયું અને ખૂબ જ પ્રશંસા પામ્યું. આ પુસ્તકનો મૅનેજમેન્ટ જેવી સંસ્થાઓએ અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો. શ્રી જગદીશભાઈ થોડા સમય માટે આઈ.આઈ.એમ. કૉલકાતા સાથે સંલગ્ન હતા.
શ્રી જગદીશભાઈ ઈ. સ. 1991માં એટલાન્ટા આવ્યા. મધુબહેને જગદીશભાઈના જીવનને ઝળહળતું બનાવવા પોતાનાં અરમાનોની આહુતિ આપી. આજે પણ ડૉ. જગદીશભાઈ શેઠનો આખો પરિવાર જૈન છે અને શુદ્ધ શાકાહારી છે તે મધુબહેનને કારણે છે.
ડૉ. જગદીશભાઈ શેઠ અને તેમનાં ધર્મપત્ની વિવિધ પ્રકારની સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ આગળ છે. તેઓ બે ફાઉન્ડેશન ચલાવી રહ્યાં છે. તેમાં પહેલું છે ‘શેઠ એજ્યુકેશન ફાઉન્ડેશન’ અને બીજું છે ‘ફૅમિલી ફાઉન્ડેશન’. ભારતમાં પણ ‘જગદીશ શેઠ મૅનેજમેન્ટ કૉલેજ’ બૅંગાલુરુ અને મુંબઈમાં કાર્યરત છે. એટલાન્ટામાં આ જૈન પરિવારે દેરાસરના નિર્માણમાં જમીનનું મોટું દાન આપેલ છે. તે ઉપરાંત જૈન સોસાયટી ઑફ ગ્રેટર એટલાન્ટા(JSGA)માં ચૅરપર્સન તરીકે મોટી જવાબદારી વહન કરી રહ્યા છે.
JITO એટલાન્ટાની શરૂઆત પણ શેઠ ફૅમિલીથી જ થયેલી છે. JITO ની ‘વુમન્સ વિંગ’માં મધુબહેન શેઠ વાઇસ ચૅરપર્સન છે. ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી સન્માનિત કર્યાં છે. આ ફૅંમિલીએ કે જેમણે પરદેશમાં પણ ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવી છે. સદગુણોની સુવાસ પ્રસરાવતું આ કુટુંબ સાચા અર્થમાં ગુજરાતનું ગૌરવ છે.
કનુભાઈ શાહ