શેઠના, રતનજી ફરામજી

January, 2006

શેઠના, રતનજી ફરામજી (જ. 1872, ભિવંડી, જિ. થાણા; અ. 1965) : ‘જ્ઞાનચક્ર’કાર, નાટ્યલેખક અને કવિ. તેમનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા ફરામજી પૈસેટકે સંપન્ન હતા. વતન મહારાષ્ટ્રમાં હોવાથી રતનજીને પ્રારંભનું શિક્ષણ મરાઠીમાં મળવા ઉપરાંત ગુજરાતી ભાષા સાથે પણ તેમનો પરિચય થયો અને એ રીતે ગુજરાતી અને મરાઠી  બંનેનો અભ્યાસ તેમણે કર્યો. તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી મૅટ્રિકથી આગળ જઈ શકી નહિ; પણ મુંબઈ આવ્યા પછી તેમને અંગ્રેજીનો અભ્યાસ કરવાની તક મળી. તેમનું લગ્ન 19 વર્ષની વયે થયું અને 23મા વર્ષે 1895માં તેમને મુંબઈની અંજુમને ઇસ્લામ લાઇબ્રેરીના ઑનરરી બુક-કમિશનરની જગ્યા મળી અને બે વર્ષ પછી, 1897માં તેઓ ‘ગુલ અફસાન’ પત્રના અધિપતિ બન્યા.

નાટક પ્રત્યે તેમનો રસ કિશોર વયથી જ હતો. 19મા વર્ષે જ તેમના નાટ્યલેખનના શ્રીગણેશ મંડાયા. બૉમ્બે ક્રિકેટ ક્લબ માટે તેમણે પ્રથમ નાટક ‘રંગમાં ભંગ’ પ્રગટ કર્યું. તેની સફળતાએ તેમને નાટ્યલેખનની દિશા ખોલી આપી. ‘અંજુમને ઇસ્લામ લાઇબ્રેરી’માં તેમને સ્થાન મળ્યા પછી સાહિત્ય પ્રત્યેનો; ખાસ તો નાટક પ્રત્યેનો તેમનો લગાવ વધતો ગયો. તેમણે ‘ગુલ-ખુશરૂ’ જેવાં ફારસો ઉપરાંત ‘ખુદા પર સબર’, ‘પાકજાદ પરીન’, ‘જલતું જીગર’, ‘વાઝે નવાઝ’, ‘ચારદાજ’, ‘ખુશરોશીરીન’, ‘વફાદાર’, ‘રમતાં પંખી’, ‘સહનશીલ પીરોજા’, ‘રોશન ચિરાગ’, ‘ભૂલથાપ’, ‘દીનદાર દીના’, ‘ફૅશનના ગુલામ’ વગેરે અનેક સામાજિક-ઐતિહાસિક નાટકો લખ્યાં છે. ‘સુંદર હેલન’ તેમનો કાવ્યગ્રંથ છે.

શેઠના રતનજીએ સર્જનક્ષેત્રે પ્રમાણમાં ઠીક ઠીક કામ કર્યું હોવા છતાં તેમનો મુખ્ય રસ જ્ઞાનકોશ જેવા સર્વસંગ્રહમાં રહ્યો. અંજુમને ઇસ્લામ લાઇબ્રેરીમાં સર્વસંગ્રહના ગ્રંથોએ તેમનું ધ્યાન આકર્ષ્યું અને તેમને તેમના જીવનનું એક ભગીરથ કાર્ય કરવાનો મોકો મળી ગયો. લાઇબ્રેરીમાં એન્સાઇક્લોપીડિયાના પચીસેક જેટલા ગ્રંથો તેમણે રસપૂર્વક નિહાળ્યા અને તેમાંથી તેમને એ પ્રકારના ગ્રંથો ગુજરાતીમાં રચવાની પ્રેરણા મળી. ગુજરાતીમાં ‘જ્ઞાનચક્ર’ રચવાનો તેમનામાં મનોરથ જાગ્યો, પણ આવા પ્રકારનો બૃહદ ગ્રંથ એકલે હાથે રચવાનું મુશ્કેલ હતું. ભારે પરિશ્રમ ઉપરાંત તે પ્રકાશિત કરવામાં મોટી રકમની જરૂર પડે એવું હતું. વળી પ્રજાનો આશ્રય આવા એન્સાઇક્લોપીડિયા માટે મળે કે કેમ તે શંકાસ્પદ હતું. રતનજી નિરાશ થવામાં હતા તેવામાં જ કોઈ વિદ્યાવિલાસી શેઠ અરદેશર સોરાબજી દસ્તૂર કામદીનની સાથે તેમની મુલાકાત થઈ. તેમની હિંમત અને સહાયથી રતનજીએ ગુજરાતી ભાષામાં ‘જ્ઞાનચક્ર’ના ગ્રંથો રચવાની કામગીરી શરૂ કરી દીધી. ઈ. સ. 1899ના જૂન માસમાં ‘જ્ઞાનચક્ર’ના પહેલા ભાગની પહેલી આવૃત્તિ તેમણે પ્રકાશિત કરી. એ સમયે કેટલાક વિઘ્નસંતોષીઓએ એની સફળતા વિશે શંકા દર્શાવીને તે ‘પ્રજા આશ્રયથી બેનસીબ’ રહેશે એવી ટીકાઓ કરી હતી. આમ અનેક પ્રકારની ટીકાઓ છતાં દોઢેક વર્ષમાં જ આ પ્રથમ ગ્રંથની હજાર જેટલી નકલો ખપી ગઈ અને તેની બીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ !

શેઠના રતનજીનો દાવો છે કે ‘ગુજરાતી ભાષામાં આ રૂઢિનો ગ્રંથ પહેલો ગણીયે તો ખોટું નહિ ગણાય.’ અલબત્ત, ‘જ્ઞાનચક્ર’ના પ્રકાશનપૂર્વે માણેકજી એદલજી વાચ્છા અને અરદેશર ફરામજી સોલાનનો જ્ઞાનકોશ ‘સર્વવિદ્યા’ 1891માં પ્રકાશિત થઈ ચૂક્યો હતો. શેઠના રતનજીએ નમ્રતાપૂર્વક એકરાર પણ કર્યો છે કે એમની અલ્પશક્તિથી જેટલા મળી શક્યા તેટલા વિષય તેમણે દાખલ કર્યા છે. રતનજીએ પછી ભારે ખંત અને ચીવટથી ક્રમે ક્રમે ‘જ્ઞાનચક્ર’ના નવ ખંડો પ્રકાશિત કર્યા. ‘જ્ઞાનચક્ર’માં શેઠના રતનજીએ જુદા જુદા વિદ્યાજ્ઞાન, હુન્નર, કળા અને બીજા જે એમની સૂઝમાં આવ્યા, એમને જે મળી શક્યા તે સઘળા વિષયો સમાવી લેવાની કોશિશ કરી છે. એમણે એકલે હાથે આ કાર્ય પૂરું કરવામાં જીવણજી જમશેદજી મોદી, કવિ નર્મદ, બમનજી બહેરામજી પટેલ, શેઠ પાલનજી બરજોરજી દેસાઈ, શેઠ એદલજી ખોરી, રાવબહાદુર ગોપાળરાવ હરિ દેશમુખ વગેરે હિંદુ તેમજ પારસી લેખકોના ગ્રંથોની સહાય લીધી છે. આ ઉપરાંત બીજી સંખ્યાબંધ અંગ્રેજી, ગુજરાતી, મરાઠી ગ્રંથો, ચોપાનિયાં, વર્તમાનપત્રોમાંથી પણ તેમણે શક્ય તેટલી સામગ્રી ગ્રંથોમાં સંકલિત કરી છે.

‘જ્ઞાનચક્ર’ના પ્રથમ ગ્રંથમાં તેમણે સત્તાવીસ જેટલાં અધિકરણો દાદાભાઈ એદલજી તારાપોરવાલાનાં લખેલાં સમાવિષ્ટ કર્યાં છે. મુંબઈમાં ‘જ્ઞાનપ્રસારક મંડળી’ ઉત્તમ ગ્રંથો માટે ઇનામી સ્પર્ધા યોજતી હતી. તેમાં શેઠના રતનજી ફરામજીના ‘જ્ઞાનચક્ર’નો પ્રથમ ભાગ ઇનામને પાત્ર ઠર્યો હતો. જ્ઞાનપ્રસારક મંડળીના બે પારસી અગ્રણી શેઠ અરદેશરજી રૂસ્તમજી કામાજી અને મંત્રીશ્રી શેઠ નશરવાનજી હીરજીભાઈ પટેલે પણ ‘જ્ઞાનચક્ર’ માટે સૂચનો કર્યાં હતાં. શેઠના રતનજી ફરામજી પારસી સાહિત્યમાં ‘જ્ઞાનચક્ર’ ઉપરાંત તેમની સર્જનસાહિત્યમાંની પ્રશંસનીય પ્રવૃત્તિને કારણે તેમજ સામાન્ય હુન્નર વિશેનાં તથા જીવનોપયોગી વિષયોને લગતાં પુસ્તકોને કારણે સારસ્વતક્ષેત્રે હંમેશાં ઉલ્લેખનીય છે. આ સંદર્ભમાં ‘એશિયાઈ સદગુણી બાનુઓ’ નામનું તેમનું પુસ્તક જાણીતું થયેલું. તેના બે ભાગ છે. તેમણે ‘ચાઇનીઝ ટેઇલ્સ (વાર્તાઓ)’, ‘મેસ્મેરિઝમ’, ‘પોશાકની ફૅશન’, ‘સામાન્ય હુન્નરજ્ઞાન’, ‘જાપાન અને જાપાની’, ‘જાપાનનો ભોમિયો’, ‘કાચકામનો હુન્નર’ જેવાં અન્ય પુસ્તકો પણ આપ્યાં છે. તેમનો ‘આઇને અકબરી’નો અભ્યાસગ્રંથ, ‘સંજ્ઞાદર્શક કોશ’ અથવા ‘સંખ્યાંત શબ્દાવધિ’ પણ ખ્યાતિપ્રાપ્ત પુસ્તકો છે.

મધુસૂદન પારેખ