શેઠ, અમૃતલાલ હરગોવિંદદાસ (જ. 29 ઑગસ્ટ 1889, કુહા, જિ. અમદાવાદ; અ. 11 માર્ચ 1974, અમદાવાદ) : દૂરંદેશી ધરાવનારા ઉદ્યોગપતિ, નીડર મહાજન અને વિદ્યાપ્રેમી દાનવીર.
પિતાનું નામ હરગોવિંદદાસ. માતાનું નામ નાથીબા. તેમણે બી.એ., એલએલ.બી.ની પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી પસાર કરી હતી. 1912માં તેઓ મુંબઈની ભાઈશંકર કાંગાની પ્રખ્યાત સૉલિસિટરની પેઢીમાં જોડાયા હતા. બે વર્ષના અનુભવ પછી વ્યવસાય અનુકૂળ ન લાગતાં અમદાવાદમાં પિતાની શરાફી પેઢીમાં જોડાયા હતા. તેમના કુટુંબની ગુજરાત ઑઇલ મિલ રેલવેની સાબરમતી ઑઇલ મિલને દિવેલી પૂરી પાડતી હતી. તેને ખરીદી લઈને અમૃતલાલભાઈએ તેનો વહીવટ જીવનપર્યંત સંભાળ્યો હતો.
તેમની શરાફી પેઢી મિલોને નાણાંની ધીરધાર કરતી હોવાથી અમૃતલાલભાઈ મિલોના એજન્ટોના સંપર્કમાં આવ્યા ને તેથી મિલ વ્યવસાય પ્રત્યે આકર્ષાયા. 1935માં તેમણે બગીચા મિલ તરીકે ઓળખાતી અમદાવાદ કૉટન મૅન્યુફેક્ચરિંગ કંપની ખરીદી લીધી હતી. 1955માં તેમણે બગીચા મિલ નં. 2 પણ ખરીદી હતી. આ બંને મિલોના સફળ સંચાલન દ્વારા તેમણે ગણનાપાત્ર સંપત્તિ એકત્ર કરી હતી. સરકારની કાપડ-મિલો અંગેની નીતિ સાનુકૂળ ન લાગતાં 1967માં તેમણે બંને મિલો વેચી દીધી હતી અને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું હતું.
તેમના જાહેરજીવનની શરૂઆત 1927માં ગુજરાતમાં અતિવૃદૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી ત્યારથી થઈ હતી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહીને રાહત તેમજ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. તેમણે ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો.
1934માં શરૂ થયેલ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં સક્રિય રસ લઈ ફાળો એકત્ર કરવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. 1936માં હરગોવિંદદાસ લક્ષ્મીચંદ કૉલેજ ઑવ્ કૉમર્સ શરૂ કરવા માટે દાન કર્યું હતું. 1942માં મુંબઈ રાજ્યે ગુજરાત-યુનિવર્સિટીની સ્થાપના કરવાના ઠરાવને અનુસરીને યુનિવર્સિટી ટ્રસ્ટ ફંડ ઊભું કર્યું. તેમાં રૂ. 42 લાખનો ફાળો એકત્ર કરવામાં તેમણે અગ્રભાગ ભજવ્યો હતો. 1940માં આણંદ કૃષિ ગોવિદ્યાભવન શરૂ કરવા માટે તેમણે રૂ. 9 લાખનું દાન કર્યું હતું. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલની ઇચ્છાને માન આપીને બંસીલાલ અમૃતલાલ ઍગ્રિકલ્ચર કૉલેજ માટે દીકરાની સ્મૃતિમાં રૂ. 5 લાખનું દાન કર્યું હતું. અમદાવાદ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશનની સ્થાપના માટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ. 20 લાખનું અનુદાન મેળવવા ઉપરાંત શહેરના ઉદ્યોગપતિઓ પાસેથી રૂ. 50 લાખનો ફાળો ઉઘરાવ્યો હતો. 1963માં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં માતાની સ્મૃતિમાં નાથીબા હરગોવિંદદાસ લક્ષ્મીચંદ મેડિકલ કૉલેજ માટે રૂ. 14 લાખનું દાન કર્યું હતું. તેવી જ રીતે પત્નીની સ્મૃતિમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મણિબહેન આયુર્વેદિક હૉસ્પિટલ શરૂ કરવા આશરે રૂ. 9 લાખની રકમ ફાળવી હતી. પંચમહાલ જિલ્લાના પોપટપુરા ગામમાં આયુર્વેદિક કૉલેજ માટે તેમણે રૂ. 3 લાખનું દાન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અનુસ્નાતક અભ્યાસક્રમ માટેનું મકાન બાંધવા તેમણે રૂ. 5 લાખ આપ્યા હતા. તેવી જ રીતે અચરતલાલ ગિરધરલાલ ટીચર્સ કૉલેજ, એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઈકોનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચની સ્થાપનામાં સક્રિય રસ લઈ ફાળો એકત્ર કરવામાં તેમણે અગ્ર ભાગ લીધો હતો. 1949માં શરૂ કરવામાં આવેલ ગુજરાત ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝના સ્થાપક સભ્ય અને ઉપપ્રમુખ હતા. તેમણે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમના ચૅરમૅન તરીકે પણ સેવા આપી હતી.
1942માં અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીએ સૂચવેલ ભાવવધારો ગેરવાજબી લાગવાથી તેને રદ કરવાની અમૃતલાલભાઈની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 1952માં મુંબઈ સરકારે લાદેલ બહુલક્ષી વેચાણવેરાના વિરોધમાં ગુજરાતના વ્યાપારીઓને દોરવણી આપી હતી; જેને પરિણામે નિમાયેલી સમિતિ દ્વારા તેમાં સુધારો કરી એકલક્ષી વેચાણવેરો શરૂ કરવામાં આવ્યો હતો.
અમૃતલાલભાઈએ ગુજરાતમાં પડેલ દુષ્કાળ, અતિવૃદૃષ્ટિ કે રેલ સંકટના સમયે રાહત તેમજ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય રસ લઈ ગણનાપાત્ર ફાળો આપ્યો હતો. નર્મદા યોજનામાં રસ લઈ તે મૂર્તિમંત થાય તે માટે તેમણે આમરણ અથાગ પ્રયત્નો કર્યા હતા.
બદરીનાથમાં વૈષ્ણવો માટે તેમણે એક ધર્મશાળા પણ બંધાવી છે. ગુજરાતનું હિત અને ગૌરવ જાળવવાના આગ્રહી અમૃતલાલભાઈનું પંચ્યાસીમા વર્ષે અવસાન થયું હતું.
જિગીષ દેરાસરી