શેખ, મુહમ્મદ ઇબ્રાહિમ (જ. 1900; અ. 1982) : સિંધી કવિ અને ગદ્યલેખક. તેઓ ‘ખલિલ’ તખલ્લુસથી ઓળખાતા હતા. તેમણે એન. એચ. અકાદમી, હૈદરાબાદ ખાતે માધ્યમિક શિક્ષણ લીધું અને મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. તેઓ માનસિક અને ચામડીના રોગોની સારવારના વિશેષજ્ઞ બન્યા. હૈદરાબાદ (સિંધ) ખાતે 1925માં તબીબી વ્યવસાય શરૂ કર્યો. 1938માં સરકારી સેવામાં જોડાયા. હૈદરાબાદની મેન્ટલ હૉસ્પિટલમાં મુખ્ય તબીબી અધિકારી તરીકે સળંગ 15 વર્ષ સેવાઓ આપી. 1955માં મદદનીશ આરોગ્યનિયામક પદેથી સેવાનિવૃત્ત થયા.
જેમ તબીબી વ્યવસાયમાં તેમ સાહિત્યકલામાં પણ તેઓ નિપુણ હતા. 15 વર્ષની વયે કાવ્યરચનાનો પ્રારંભ કરેલો ત્યારે ‘ગાફિલ’ તખલ્લુસ રાખેલું. તેને પાછળથી ‘ખલિલ’માં ફેરવ્યું. તેઓ ‘જમિયત-અલ-શુરા-એ-સિંધ’ સિંધની કવિસભાના 10 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા. તદુપરાંત તેઓ ઘણી સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે ‘બઝ્મ-એ-ખલિલ’ નામક કવિસભાની સ્થાપના કરી, જે યુવા સિંધી કવિઓ માટે ખૂબ જ પ્રેરણારૂપ પુરવાર થઈ. તે તેમના અવસાન બાદ પણ અસ્તિત્વમાં રહેલી.
તેમના ઉલ્લેખનીય ગ્રંથો આ પ્રમાણે છે : ‘રહનુમા-એ-શાયરી’ (કાવ્યરચનાની માર્ગદર્શિકા, 4 ભાગમાં, 1935); ‘અદબ-એ-તન્કિલ’ (સાહિત્ય અને વિવેચન, 1949); ‘બુલબુલ-એ-સિંધ’ (1951) જે સમ્સુદ્દીન બુલબુલનાં કાવ્યો અને અન્ય સાહિત્યિક ગ્રંથોનો વિવેચનાત્મક અભ્યાસગ્રંથ છે; ‘ઇબ્રાત-કદહ’ (સરપ્રાઇઝિઝ ગ્રંથ 1, 1961; ગ્રંથ 2, 1962 અને ગ્રંથ 3, 1971) તથા મેન્ટલ હૉસ્પિટલમાં ગાંડા માણસોની સારવાર કરતાં મળેલા અનુભવો પરથી રચાયેલ વાર્તાસંગ્રહો તથા ‘મઝમીન-એ-ખલિલ’ (1983) તેમનો નિબંધસંગ્રહ. તેઓ કવિ, ફારસી પિંગળના તજ્જ્ઞ અને ઉચ્ચ કોટિના વિવેચક તરીકે સાહિત્યિક ક્ષેત્રે સારી એવી ખ્યાતિ પામ્યા. એ જ રીતે ઉર્દૂ કાવ્ય અને વિવેચનક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
બળદેવભાઈ કનીજિયા