શેખ, અલી ખતીબ : અમદાવાદના પ્રખ્યાત સંત કુતુબે આલમસાહેબના સુપાત્ર શિષ્ય. ભક્તિ-સાધનામાં તેઓ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હતા. તેઓ ઘણુંખરું પરમહંસ અવસ્થામાં જ રહેતા હતા. તેઓ જ્યારે અલ્લાહની ઇબાદતમાં મસ્ત બનતા અને ખુદા સાથે એકાત્મભાવ અનુભવતા ત્યારે અંતરના આનંદથી નાચી ઊઠતા, ચીસો પાડતા અને હર્ષાશ્રુઓ સહિત રડવા માંડતા. ‘મિરાતે અહમદી’માં નોંધ કર્યા પ્રમાણે તેમનો રોજો આશાવલમાં કુંદનપુરમાં હતો. આશાવલની ઓળખ અને ઐતિહાસિકતા માટે પણ આ સંદર્ભ ઘણો મહત્ત્વનો છે. કુંદનપુરમાં આસનખાનકાહ ધરાવતા શેખ અલી ખતીબ પ્રામાણિક, સ્વચ્છ અને પ્રભુપરાયણ જીવન જીવતા હતા.
ઈશ્વરલાલ ઓઝા