શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ)

July, 2025

શેખા શૈખા અલી જબર અલ-સબા (મહામહિમ) (. 8 નવેમ્બર 1976, કુવૈત) : વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ મેળવનાર પ્રથમ કુવૈતી નાગરિક. આરોગ્ય સંવર્ધનમાં વિશિષ્ટ સેવા માટે આ પુરસ્કાર એનાયત થયો. યોગનું શિક્ષણ આપવા માટે કુવૈતનો પ્રથમ માન્યતાપ્રાપ્ત લાઇસન્સ ધરાવતો યોગ સ્ટુડિયો ‘દરાત્મા’નાં સ્થાપક. માનવસેવાનો મંત્ર અપનાવીને પોતાનું જીવન પરિવાર, સમુદાય અને દુનિયાની સેવા માટે સમર્પિત કર્યું. વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતરૂપ બનીને લોકોને એકતાંતણે જોડવાનું મિશન. આજીવન ધ્યાની અને યોગઅભ્યાસી.

પિતા મિશાલ અલ-અહમદ અલ-જબર અલ સબા, જેઓ કુવૈતના અમીર છે અને વર્ષ 2023થી શાસક. 83 વર્ષની વયે અમીર બનેલા દુનિયાના સૌથી વયોવૃદ્ધ રાજકુમાર. માતા નુરિયા સબા અલ-સાલેમ અલ-સબા, પ્રસિદ્ધ સમાજસેવિકા. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચશિક્ષણ કુવૈતમાં. બાળપણમાં પિતા અને નાના શેખ જબર અલ-મુબારક અલ-સબા પાસેથી યોગ શીખ્યાં. વર્ષ 2001માં યોગવિદ્યામાં પોતાની સફર શરૂ કરી. એ વર્ષ શેખા માતા બન્યાં. પછી તેમને લાગ્યું કે તેમના શરીર અને મન વચ્ચે સુસંગતતા રહી નથી. આ કારણસર તેમણે પિતા અને નાના પાસેથી શીખેલી યોગવિદ્યાની સફર ફરી શરૂ કરી.

વર્ષ 2014માં કુવૈતનો પ્રથમ લાઇસન્સપ્રાપ્ત યોગ સ્ટુડિયો ‘દરાત્મા’ની સ્થાપના કરી. આ વેલનેસ સ્ટુડિયોનું નામ અરબી શબ્દ દર (ઘર) અને સંસ્કૃત શબ્દ ‘આત્મા, જે અમર છે’ને જોડીને આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે – આત્માનું ઘર. આ સ્ટુડિયો કુવૈત અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સેતુનું પ્રતીક બની ગયો છે. કુવૈતના યુવાન પુરુષો અને સ્ત્રીઓમાં યોગને લોકપ્રિય બનાવવામાં શબા અને તેમના સ્ટુડિયોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. સ્ટુડિયોએ ખાડીના દેશોમાં ભારતીય યોગ પરંપરાઓ વિશે જાગૃતિ ફેલાવવા સામુદાયિક કેન્દ્રો, રાજદૂતાવાસો અને વેલનેસ મંચો સાથે જોડાણ કર્યું છે.

આરોગ્યશિક્ષણનાં અગ્રણી સ્વરૂપે તેમના પ્રયાસોની નોંધ લઈને કુવૈતના વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રાલયે સત્તાવાર રીતે યોગનું શિક્ષણ આપવા સ્ટુડિયો શરૂ કરવાની મંજૂરી આપી. આ એક નીતિગત પરિવર્તન હતું, જેણે કુવૈતમાં આરોગ્યલક્ષી શિક્ષણમાં ભારતીય યોગવિદ્યાને ઔપચારિક સ્વરૂપથી માન્યતા આપી હતી. પરિણામે કુવૈતના સ્વાસ્થ્યલક્ષી શૈક્ષણિક અને વ્યાવસાયિક નિયમનોનો સમન્વય થયો. ત્યાર બાદ અન્ય ડૉક્ટર્સ અને શિક્ષકો માટે કાયદેસર રીતે માન્યતાપ્રાપ્ત સ્ટુડિયો શરૂ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો, જેનાં પરિણામે કુવૈતમાં આરોગ્યઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન મળ્યું.

સ્ટુડિયો શિક્ષણ ઉપરાંત શેખાએ યુવા પેઢીના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. વર્ષ 2001માં અફઘાનિસ્તાનના કાબુલમાં મહિલા અને બાળકેન્દ્ર સ્થાપિત કર્યું, જેનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોમાં શિક્ષણનો પ્રચારપ્રસાર કરવાનો છે. વર્ષ 2008થી 2011 સુધી કુવૈતમાં અલ-વતન ટીવી પર કેનનિઝ ટીવી શોના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. વર્ષ 2011માં અમેરિકામાં મનરો ઇન્સ્ટિટ્યૂટમાં કોન્સિયશનેસ તાલીમનું આયોજન કર્યું. વર્ષ 2008થી 2014 સુધી કુવૈતમાં રેઇકી જિન કેઈ ડૂ (સમજણ અને કરુણાની રીત) માસ્ટર ટ્રેનિંગનું આયોજન કર્યું. વર્ષ 2015માં યુએઇમાં 10 દિવસની વિપાસના તાલીમનું આયોજન કર્યું. વર્ષ 2015માં તેમણે શેમ્સ યૂથ યોગ કાર્યક્રમની સહસ્થાપના કરી, જેનાથી 14 વર્ષની વય સુધીનાં બાળકોને એકાગ્રતા વધારવા અને સ્વજાગૃતિ કેળવવાનું શીખવા માટે અભ્યાસક્રમ વિકસાવવામાં મદદ મળી.

પોતાની માતાના નકશેકદમ પર ચાલીને શેખાએ અનેક માનવતાવાદી પહેલો પણ હાથ ધરી. કોવિડ મહામારી દરમિયાન વર્ષ 2020માં કુવૈતમાં વંચિત અને જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક રમકડાં અને પુરવઠો પ્રદાન કરવા સ્થાનિક રાહત પ્રયાસોનું નેતૃત્વ કર્યું, જેનાથી વિદ્યાર્થીઓને શાળાશિક્ષણમાં વિક્ષેપ વચ્ચે પણ શિક્ષણ મેળવવાનું જાળવી રાખવામાં મદદ મળી. વર્ષ 2021માં યેમેનના શરણાર્થીઓ અને વિસ્થાપિત લોકોની મદદ કરવા ફંડ ઊભું કરવા યોમનાક લિલ યમનની શરૂઆત કરી.

ખાડી દેશોમાં આરોગ્ય સંવર્ધનમાં અગ્રણી સ્વરૂપે કાર્ય કરનાર શેખા સંપૂર્ણ સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે તથા ભારત અને કુવૈત વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે જાણીતાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર, 2024માં કુવૈતના પ્રવાસ દરમિયાન વ્યક્તિગત રીતે તેમની મુલાકાત લીધી હતી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શેખાના પ્રયાસોને પગલે ખાડીના દેશોએ તાજેતરમાં યોગ સમિતિઓની રચના કરી છે તથા 28 એપ્રિલ, 2025ના રોજ કુવૈત તેમાં સામેલ થયું. કુવૈત ઑલિમ્પિક સમિતિએ પણ ‘ધ કુવૈત યોગ સમિતિ’ની સત્તાવાર રચનાની જાહેરાત કરી છે.

કેયૂર કોટક