શૅરમૂડી (પરિમાણાત્મક) : લિમિટેડ કંપનીની શૅરમૂડી તેના ધંધા માટે ઇચ્છનીય મૂડી કરતાં વધારે, પર્યાપ્ત (sufficient) અથવા ઓછી છે કે કેમ તે પ્રકારનું વિશ્લેષણ કરીને કંપનીની શૅરમૂડીનું કરવામાં આવતું મૂલ્યાંકન. પ્રત્યેક કંપનીની શૅરમૂડીની જરૂરિયાત (ક) તેના કર્મચારીઓની કાર્યકુશળતા, (ખ) માલનું ઉત્પાદન કરવામાં લાગતો સમય અને (ગ) વેચેલા માલનાં નાણાં મેળવવામાં લાગતો સમય – એમ વિવિધ પરિબળો ઉપર આધારિત છે.
શૅરમૂડીને આંકડામાં દર્શાવવામાં આવે છે. એટલે કે એને પરિમાણાત્મક સ્વરૂપે ઓળખવા માટે રૂપિયા કે ડૉલર જેવા નાણાકીય એકમના માપદંડનો ઉપયોગ થાય છે. કમાણી કરવા માટે શૅરમૂડી અસ્તિત્વમાં આવે છે. શૅર એટલે મૂડીનો ભાગ. આપણા દેશમાં તે મહદંશે દસ રૂપિયાની દાર્શનિક કિંમતનો હોય છે. તે ભાગ એટલે કે શૅર મેળવીને બચતકાર પોતાની બચતનું શૅરમાં રોકાણ કરે છે; જેથી એને ડિવિડન્ડની અને શૅરની બજારકિંમતમાં વધારાના સ્વરૂપે કમાણી થાય. કંપનીને કમાણી થાય તે માટે કંપનીના સ્થાપકો અને/અથવા સંચાલકો રોકાણકારોને શૅર આપીને શૅરમૂડી ભેગી કરે છે. આમ શૅરમૂડી પેદા કરનારા મુખ્ય બે પક્ષકારો કંપનીના સ્થાપકો તથા રોકાણકારો શૅરમૂડીનો આવિષ્કાર કમાણીના હેતુસર કરે છે.
શૅરમૂડીનો સાચો પરિમાણાત્મક ખ્યાલ મેળવવો હોય તો કમાણીના સંદર્ભે તેનું પરિમાણ એટલે કે જથ્થો વધારે છે કે ઓછો તે તપાસવું જોઈએ. આમ કરીને શૅરમૂડીનો પરિમાણાત્મક ખ્યાલ કમાણીના માપદંડે મેળવી શકાય છે. કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્ર કે જે અર્થશાસ્ત્રની પરિભાષામાં ‘ઉદ્યોગ’થી ઓળખાય છે તેની કોઈ એક વર્ષની સરેરાશ કમાણી તે ઉદ્યોગની તે વર્ષની કમાણીનો માપદંડ બને છે; ઉ. ત., 2004માં રસાયણ-ઉદ્યોગની સરેરાશ કમાણી પંદર ટકા હોય તો તે ઉદ્યોગના બધા એકમો માટે કમાણીનો માપદંડ તે વર્ષે પંદર ટકાનો ગણાય. એનો અર્થ એ કે જો ધંધાદારી એકમ વાર્ષિક રૂ. 15ની કમાણી કરે તો તેની પરિમાણાત્મક મૂડી રૂ. 100 ગણાય. બીજી બાજુ, ધંધાકીય એકમના પાકા સરવૈયામાં દર્શાવાતી મૂડી કુલ મિલકતોમાંથી બાદ થતી કુલ જવાબદારી તરીકે દર્શાવાય છે. ધંધાકીય એકમની મૂડીની થતી પરિમાણાત્મક ગણતરી અને પાકા સરવૈયામાં અંકગણિતીય પદ્ધતિએ મૂડીની થતી ગણતરી ભાગ્યે જ સમાન હોય છે. એટલે કે જો રૂ. 15ની કમાણી એ રસાયણ-ઉદ્યોગના કોઈ એક એકમની પરિમાણાત્મક મૂડી રૂ. 100 હોય અને પાકા સરવૈયામાં કુલ મિલકતોમાંથી કુલ જવાબદારી બાદ કરતાં આવતો તફાવત પણ રૂ. 100 જ હોય તો તે એકમની શૅરમૂડી પર્યાપ્ત (sufficient) કહેવાય છે; પરંતુ એવું ભાગ્યે જ બને છે.
બીજી બાજુ, જો એ એકમના પાકા સરવૈયામાં અંકગણિતીય પદ્ધતિએ માનો કે રૂ. 200 નક્કી થાય તો તેનો અર્થ એ થયો કે રૂ. 15ની કમાણી માટે રૂ. 100નું રોકાણ કરવાને બદલે એ એકમે રૂ. 200 રોક્યા છે એટલે કે પરિમાણાત્મક દૃષ્ટિએ જરૂર કરતાં વધારે જથ્થામાં મૂડીનું રોકાણ થયું છે. આવું મૂડીકરણ અતિમૂડીકરણ(over capitalisation)ના નામથી ઓળખાય છે. અતિમૂડીકરણવાળી કંપની ઉપર તેણે લીધેલા ઋણના વ્યાજનો બોજ વધી જાય છે. તેથી તે પર્યાપ્ત કમાણી કરી શકતી નથી અને તેના શૅરહોલ્ડરોને મળતા ડિવિડન્ડમાં તીવ્ર ઘટાડો થાય છે. જો કંપનીનું દક્ષતાપૂર્વક સંચાલન કરીને સંચાલકો લાંબાગાળાનું ઋણ ચૂકવી દે અથવા બજારમાં ફરતા કંપનીના શૅરો ખરીદવાનું શરૂ કરે તો અતિમૂડીકરણમાં ઘટાડો કરી શકાય છે. એનાથી ઊલટું, રૂ. 15ની કમાણી માટે એ એકમે રૂ. 100નં રોકાણ કરવાને બદલે રૂ. 50 રોક્યા હોય તો પરિમાણાત્મક દૃષ્ટિએ જરૂર કરતાં ઓછા જથ્થામાં એનું મૂડીકરણ થયું છે. આવું મૂડીકરણ ન્યૂન મૂડીકરણ(under capitalisation)થી ઓળખાય છે. આમ, જે હેતુ (એટલે કે કમાણીના હેતુ) માટે મૂડીનું રોકાણ થતું હોય તે કમાણીના માપદંડે મૂડીની કરવામાં આવતી ગણતરી મર્યાદિત જવાબદારીવાળી મંડળીની શૅરમૂડીના પરિમાણાત્મક ખ્યાલથી ઓળખાય છે.
સૂર્યકાન્ત શાહ