શૅનૉન (નદી) : બ્રિટિશ ટાપુઓમાં આવેલી નદીઓ પૈકીની લાંબામાં લાંબી નદી. તે આયર્લૅન્ડમાં આવેલી છે અને ત્યાંનો મુખ્ય જળમાર્ગ બની રહેલી છે. આ નદી આયર્લૅન્ડના ક્વિલકાઘ પર્વતોમાંથી નીકળે છે. ત્યાંથી દક્ષિણ તરફ આશરે 370 કિમી. અંતર માટે વહીને ઍટલાંટિકમાં ઠલવાય છે. આ નદીના જળમાર્ગમાં ત્રણ (ઍલન, રી અને દર્ગ) સરોવરો આવેલાં છે. શૅનૉનના મુખથી 110 કિમી. અંતરે ઉપરવાસમાં આવેલા લાઇમરિક શહેર ખાતે તેનો પટ ઘણો પહોળો છે, આ પહોળા પટમાં મહાસાગરની ભરતીનાં જળ પ્રવેશે છે; ત્યાં લાઇમરિક અને ફૉયન્સનાં નદીબંદરો વિકસ્યાં છે. નૌકાસફરના મનોરંજન માટે પણ તે ઉપયોગમાં લેવાય છે.
આ નદી આછા ઢાળવાળા પ્રદેશમાંથી તેમજ છૂટાંછવાયાં પીટથાળાંઓમાંથી પસાર થાય છે. આ પીટસ્થાનો જૂના વખતમાં સડતી વનસ્પતિનાં કળણસ્થાનો હતાં. આ નદીમાં ક્યારેક આવતાં પૂરથી તેની આજુબાજુનો પ્રદેશ જળથી તરબોળ થઈ જાય છે.
આ નદી પર લાઇમરિક અને દર્ગ સરોવર વચ્ચે 1920ના દાયકામાં આયર્લૅન્ડનો મોટામાં મોટો ગણાતો જળવિદ્યુત એકમ બાંધવામાં આવેલો છે. 18મી સદીના અંતિમ ચરણ અને 19મી સદીની શરૂઆત દરમિયાન આયર્લૅન્ડના પૂર્વ કાંઠે આ નદીની ગ્રાન્ડ અને રૉયલ નહેરો તૈયાર કરી છે, તે તેને ડબ્લિન શહેર સાથે જોડી આપે છે.
ગિરીશભાઈ પંડ્યા