શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં 26મો પ્રકાશ આખો અને 25મા પ્રકાશનો મોટો ભાગ મળતા નથી. 36 પ્રકાશોમાં વિભાજિત આ ગ્રંથ અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં સૌથી વિશાળ કદ ધરાવે છે.
પ્રથમ પ્રકાશમાં કાવ્યવ્યાખ્યા અને કાવ્યનાં પ્રમુખ ઘટક તત્ત્વો શબ્દ અને અર્થની મીમાંસા રજૂ થઈ છે. બીજા પ્રકાશમાં પ્રાતિપદિકના ભેદોપભેદો, ત્રીજા પ્રકાશમાં પદ અને વાક્યના પ્રકારોની છણાવટ, ચોથામાં ક્રિયા વગેરે અર્થના પ્રકારો, પાંચમામાં ઉપાધિ અને તેના પ્રકારો, છઠ્ઠામાં વિભક્ત્ય એટલે કારકો વગેરે, સાતમામાં અભિધા શબ્દશક્તિ અને આઠમામાં લક્ષણા શબ્દશક્તિનું નિરૂપણ થયું છે. આ સાથે ભોજદેવનો શબ્દાર્થવિચાર સમાપ્ત થાય છે. એ પછી ભોજદેવનો કાવ્યવિચાર આરંભાય છે.
9મા પ્રકાશમાં કાવ્યના દોષ અને ગુણ; 10મામાં કાવ્યના અલંકારો; 11મામાં રસ; 12મા પ્રકાશમાં કાવ્યના નાટક, મહાકાવ્ય વગેરે પ્રકારો; 13મામાં રતિ, શૃંગાર, વૃત્તિ, રીતિ વગેરે; 14મામાં હર્ષ વગેરે ભાવો; 15મામાં રતિના આલંબન વિભાવો; 16મામાં રતિના ઉદ્દીપન વિભાવો; 17મામાં અનુભાવો; 18મામાં ધર્મશૃંગાર; 19મામાં અર્થશૃંગાર; 20મામાં કામશૃંગાર; 21મામાં મોક્ષશૃંગાર; 22મામાં અનુરાગ; 23મામાં સંયોગ શૃંગાર અને 24મામાં વિપ્રલંભ શૃંગાર વગેરેનું નિરૂપણ થયું છે. 25મામાં પૂર્વાનુરાગ વિશે થોડીક પંક્તિઓ મળે છે બાકીનો ભાગ લુપ્ત થયો છે, જ્યારે 26મો પ્રકાશ તો આખો જ લુપ્ત થયો છે.
27મા પ્રકાશમાં અભિયોગ-વિધિ, 28મામાં દૂતી અને દૂતકર્મ, 29મામાં દૂતપ્રેષણ અને સંદેશદાન, 30મામાં માન વિપ્રલંભ, અર્થાત્ રિસામણાં, 31મામાં પ્રવાસ વિપ્રલંભ, 32મા પ્રકાશમાં કરુણ રસ, 33મામાં સંભોગનું સ્વરૂપ, 34મામાં પ્રથમાનુરાગ પછી સંભોગ, 35મામાં માન પછી સંભોગ અને 36મા પ્રકાશમાં સંભોગની ચાર પ્રકારની અવસ્થાઓ વિશે વિસ્તૃત વિવેચન છે.
આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રના લગભગ બધા જ મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. ફક્ત ભોજદેવ ધ્વનિવિરોધક આચાર્ય હોવાથી ધ્વનિની ચર્ચા તેમાં નથી. વળી શૃંગારને જ એકમાત્ર મુખ્ય રસ છે એવું તેઓ માનતા હોવાથી અન્ય રસોને તેમાં સમાવ્યા છે એ ભોજદેવની ઘણી વિલક્ષણ વાત છે. ભોજદેવે પોતે જ અલંકારશાસ્ત્ર વિશે ‘સરસ્વતીકંઠાભરણ’ નામનો ગ્રંથ લખ્યો છે, પણ તે ‘શૃંગારપ્રકાશ’ કરતાં ઓછો વ્યાપક છે. એ જ ‘સરસ્વતીકંઠાભરણ’ નામનું વ્યાકરણ પણ તેમણે લખ્યું છે કે જે ‘ભોજવ્યાકરણ’ તરીકે જાણીતું છે. વળી ‘શાલિકથા’ અને ‘શૃંગારમંજરી’ નામનાં ગદ્યકાવ્યો, ‘વિશ્રાન્તવિદ્યાવિનોદ’ જેવાં કાવ્યો, ‘અમરકોશ’ની ‘અમરવ્યાખ્યા’ ટીકા, ‘નામમાલિકા’ નામનો શબ્દકોશ, ‘રાજમાર્તંડ’, ‘યુક્તિકલ્પતરુ’ અને ‘વ્યવહારસમુચ્ચય’ જેવા ધર્મશાસ્ત્રના ગ્રંથો, ‘રાજમૃગાંક’, ‘પ્રશ્ર્નચિંતામણિ’, ‘વિદ્વજ્જનવલ્લભ’ અને ‘ભુજબલનિબંધ’ જેવા જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો, ‘યોગસૂત્રવૃત્તિ’ નામનો યોગશાસ્ત્રનો ગ્રંથ, ‘રાજમૃગાંક’, ‘ચારુચર્યા’ અને ‘આયુર્વેદસર્વસ્વ’ જેવા વૈદ્યકશાસ્ત્રના ગ્રંથો, ‘શાલિહોત્રોન્નય’ એ અશ્વશાસ્ત્રનો ગ્રંથ, ‘સમરાંગણસૂત્રધાર’ જેવો શિલ્પશાસ્ત્રનો ગ્રંથ, ‘તત્ત્વપ્રકાશ’ જેવો શૈવાગમનો ગ્રંથ, ‘ગીતપ્રકાશ’ નામનો સંગીતશાસ્ત્રનો ગ્રંથ અને ‘કોદંડમંડન’ એ ધનુર્વેદનો ગ્રંથ વગેરે ગ્રંથો ભોજદેવના અનેક શાસ્ત્રના વિશાળ પાંડિત્યના પરિચાયક ગ્રંથો છે. રાજા તરીકે અનેક યુદ્ધો લડવાં છતાં તેમની સંખ્યાબંધ ગ્રંથરચનાઓ તેમનો અજોડ વિદ્યાપ્રેમ બતાવે છે. જ્યારે તે બધા ગ્રંથોમાં શિરમોર સમો ‘શૃંગારપ્રકાશ’ તેમને મહત્ત્વના આલંકારિક આચાર્ય તરીકે સ્થાપે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી