શુમ્પિટર, જૉસેફ . (. 1883, ટ્રિશ, ઑસ્ટ્રિયા; . 8 જાન્યુઆરી 1950) : અર્થશાસ્ત્રની વિવિધ શાખાઓ પર નિપુણતા ધરાવતા ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રી. તેમના પિતા વણકર હતા. વિયેનાની શાળાઓમાં તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ વિચક્ષણ યાદશક્તિ ધરાવતા હતા. 1901માં કાયદાશાસ્ત્રના અધ્યયન માટે તેઓ વિયેના યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1906માં તે વિદ્યાશાખામાં ડૉક્ટરેટની પદવી મેળવી. તે જમાનામાં કાયદાશાસ્ત્રીના અભ્યાસમાં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રનું અધ્યયન પણ આવરી લેવામાં આવતું હતું. શિક્ષણ પૂરું કર્યા પછી તેમણે વકીલાત શરૂ કરી અને વર્ષો સુધી તે વ્યવસાયમાં રહ્યા પછી કાયદાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર – આ બે ભિન્ન ભિન્ન વિદ્યાશાખાઓ છે અને તેમના વચ્ચે હકીકતમાં કોઈ મેળ નથી એવું તેમને પ્રતીત થયું. તેથી તેઓ અર્થશાસ્ત્રના અધ્યયન તરફ વળ્યા અને પ્રોફેસર ફ્રેડરિક વૉન વાઇઝર (1851-1926), ફિલિપોવિચ તથા એજન વૉન બોહમ બેવર્ક(1851-1914)ના શિષ્ય બન્યા. તેઓ અર્થશાસ્ત્રની પરિષદો અને પરિસંવાદોમાં સક્રિય ભાગ લેતા અને પોતાના મૌલિક વિચારો પર આધારિત સંશોધનલેખોનું વાચન કરતા. તે દરમિયાન તેઓ લુડવિક વૉન માઇઝેસ (1881-1973), સોમરી, બ્યૂઅર અને હિલફેરડિંગ જેવા અર્થશાસ્ત્રીઓના સંપર્કમાં આવ્યા. માકર્સવાદી વિચારસરણીનું ઊંડું જ્ઞાન તેમણે પ્રાપ્ત કર્યું તથા સમાજવાદી ચળવળ તરફ આકર્ષાયા. તેમનાથી પ્રભાવિત થયેલા બોહેમ બેવર્કની ભલામણથી તેમને વિયેના યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાનું પદ મળ્યું. ત્યારબાદ તેમણે ઑસ્ટ્રિયાની ઝેનોવિઝ તથા ગ્રાઝ યુનિવર્સિટીઓમાં અને અમેરિકાની કોલંબિયા તથા હાર્વર્ડ યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રનું અધ્યાપન કર્યું.

જૉસેફ એ. શુમ્પિટર

અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્ર ઉપરાંત તેમને રાજ્યશાસ્ત્ર તથા વાણિજ્ય અને વ્યાપારમાં રુચિ હતી. તેઓ યુદ્ધના વિરોધી અને શાંતિના પ્રખર હિમાયતી હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી ઑસ્ટ્રિયા અને મિત્રરાષ્ટ્રો વચ્ચે શાંતિ પ્રસ્થાપિત કરવાની ઝુંબેશ તેમણે ઉપાડી હતી. માર્ચ, 1919થી ઑક્ટોબર, 1919 સુધી તેઓ ઑસ્ટ્રિયાના નાણામંત્ર્યાલય હસ્તકના નૅશનલાઇઝેશન કમિશનના સભ્ય હતા. યુદ્ધોતર કાળમાં ઑસ્ટ્રિયામાં ફુગાવો વકર્યો હતો, જેના પર કાબૂ મેળવવા માટે શુમ્પિટરે પોતાના દેશમાં નાણાસંકોચનની નીતિ અખત્યાર કરવા માટેની યોજના ઘડી કાઢી, પરંતુ સંસદ સમક્ષ તે રજૂ થાય તે પહેલાં જ તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ એક બૅંકના પ્રમુખપદે તેમની વરણી થઈ, પરંતુ ફુગાવાના ભારે દબાણ હેઠળ તે બૅંક પણ ફડચામાં ગઈ. ત્યારબાદ તેમની બૉન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરપદે નિમણૂક થઈ. 1937-41ના ગાળા દરમિયાન તેઓ ઇકૉનૉમેટ્રિક સોસાયટીના પ્રમુખ હતા. 1949માં અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી.

વ્યાપારચક્રના અભ્યાસ માટે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો તેમણે ઉપયોગ કર્યો પણ સમય જતાં આ પદ્ધતિની મર્યાદાઓ પ્રત્યે તેઓ સભાન થયા. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે તેમણે પોતાની સ્વતંત્ર અને મૌલિક પદ્ધતિ વિકસાવી. જોકે લિયૉન વાલરા (1834-1910) તથા વિલ્ફ્રેડો પૅરેટો(1848-1928)એ વિકસાવેલી સર્વસામાન્ય આર્થિક સમતુલા(general equilibrium)ની પદ્ધતિનો તેમણે સહારો લીધો હતો. અર્થતંત્રમાં નવીનીકરણ (innovation) દ્વારા નવી તકનીકો દાખલ થાય છે ત્યારે તેના ઉત્પાદનના ક્ષેત્રમાં કયાં પરિણામો સર્જાય છે એ અંગેનું શુમ્પિટરનું વિશ્લેષણ તેમનું મહત્વનું પ્રદાન ગણવામાં આવે છે. વ્યાપારચક્રો માટે તેઓ નવીનીકરણને જ જવાબદાર ગણે છે. મૂડીવાદ એ પોતાનો વિનાશ નોતરે છે. આ અંગેના કાર્લ માર્ક્સ(1818-1883)ના વિશ્લેષણ સાથે શુમ્પિટર સંમત થતા હતા. વિશ્લેષણાત્મક અને તર્કસંગત રજૂઆતોને કારણે તેમણે માકર્સવાદનું સમર્થન કર્યું હતું. માર્ક્સવાદને તેમણે ધર્મ ગણ્યો હતો. શુમ્પિટરે કોઈ સ્વતંત્ર વિચારસરણી (school of thought) વિકસાવી નથી. તેમના કોઈ અનુયાયીઓ પણ ન હતા; છતાં અર્થશાસ્ત્રનાં વિવિધ પાસાંઓ પર તેમણે જે પ્રભુત્વ મેળવ્યું હતું તેને કારણે અર્થશાસ્ત્રમાં તેમણે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

તેમણે કરેલા વિપુલ ગ્રંથસર્જનમાં જે મહત્વના ગ્રંથો ગણાય છે તે છે : ‘ધ થિયરી ઑવ્ ઇકૉનૉમિક ડેવલપમેન્ટ’ (1912), ‘બિઝનેસ સાઇકલ્સ’ (1939  બે ખંડોમાં પ્રકાશિત), ‘કૅપિટાલિઝમ, સોશિયાલિઝમ ઍન્ડ ડેમૉક્રસી’ (1942), ‘ટેન ગ્રેટ ઇકૉનૉમિસ્ટ્સ’ (1951), ‘એસેઝ’ (1951), ‘ઇમ્પીરિયાલિઝમ ઍન્ડ સોશિયલ ક્લાસિસ’ (1951), ‘હિસ્ટરી ઑવ્ ઇકૉનૉમિક ઍનાલિસિસ’ (જેનું સંપાદન શુમ્પિટરનાં પત્નીએ કર્યું હતું) (1954) તથા ‘ઇકૉનૉમિક ડૉક્ટ્રિન ઍન્ડ મેથડ’ (1957).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે