શુમાન-હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine)
January, 2006
શુમાન–હીન્ક, અર્નેસ્ટાઇન (Schumann-Heink, Ernestine) (જ. 15 જૂન 1861, લિબેન, ચૅક રિપબ્લિક; અ. 17 નવેમ્બર 1936, હોલિવૂડ, અમેરિકા) : ઑસ્ટ્રિયન કૉન્ટ્રાલ્ટો ગાયિકા. રિચાર્ડ વાગ્નર અને રિચાર્ડ સ્ટ્રૉસના ઑપેરાઓમાં તેણે પોતાની અભિવ્યક્તિપૂર્ણ ગાયકી મારફતે ચેતન પ્રદાન કર્યું છે.
1878માં ડ્રૅસ્ડન ખાતે વર્દીના ઑપેરા ‘ઇલ ત્રોવાતોરે’માં આઝુચેના પાત્ર તરીકે ગાઈને તેણે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1896 અને 1906 સુધી તેણે બેરુથ ખાતે વાગ્નરના ઑપેરાઓમાં ગાયેલું. 1909માં સ્ટ્રૉસના ઑપેરા ‘ઇલેક્ટ્રા’માં તેણે ક્લિટેનેસ્ટ્રાના પાત્ર તરીકે ગાયેલું. 1899 અને 1904 સુધી તેણે ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન ઑપેરા હાઉસમાં ગાયેલું. જીવનભરની કારકિર્દીમાં તેણે કુલે 150થી પણ વધુ પાત્રો માટે ગાયેલું. તેણે વિશેષે તો વાગ્નરનાં સ્ત્રીપાત્રો તરીકે ગાઈને ગાયિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. વાગ્નરના ઑપેરા ‘સીગ્ફ્રીડ’માં એર્ડાના પાત્રમાં તેની ગાયકી શ્રેષ્ઠ ગણાઈ હતી. વળી બાઇઝે(Bizet)ના ઑપેરા ‘કાર્મેન’ મેયર્બિયરના ઑપેરા ‘લ પ્રોફેત’, જોહાન સ્ટ્રૉસના ઑપેરા ‘ડી ફ્લેડર્મોસ’ની તેની ગાયકીઓ પણ લોકપ્રિય બની હતી. પોતાના બંને પતિઓ અર્ન્સ્ટ હીન્ક અને પૉલ શુમાનની અટકો તેણે અપનાવી હતી.
અમિતાભ મડિયા