શુમાન, રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann, Robert (Alexander)]
January, 2006
શુમાન, રૉબર્ટ (ઍલેક્ઝાન્ડર) [Schumann, Robert (Alexander)] (જ. જૂન 1810, ઝ્વિકાઉ, સેક્સોની, જર્મની; અ. 29 જુલાઈ 1856, બોન નજીક, જર્મની) : જર્મન રંગદર્શી સંગીતકાર અને સ્વરનિયોજક. ગીતો (Lieder), પિયાનો માટેની અને ઑર્કેસ્ટ્રા માટેની રચનાઓ માટે તે જાણીતા છે. તેમનું સંગીત દર્દની વિશિષ્ટ સંવેદનાથી ધબકે છે.
શુમાનના પિતા પુસ્તક-પ્રકાશક અને પુસ્તકોની એક દુકાનના માલિક હતા. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી 1820માં શુમાન ઝ્વિકાઉ ખાતેની હાઈસ્કૂલમાં દાખલ થયા. અહીં એ આઠ વરસ સુધી ભણ્યા. એ છ વરસના હતા ત્યારથી તેમનું સંગીતનું શિક્ષણ ચાલુ થઈ ગયેલું. 1822માં તેમણે પોતાની પ્રથમ મૌલિક રચના કરેલી. એ હતી સામ નં. 150નું સ્વરાંકન. સાથે સાથે સાહિત્યિક શક્તિઓનો વિકાસ થવો પણ શરૂ થયો. એમણે ત્રણ નાટકો (તેમાંથી એક કૉમેડી) અને થોડાં કાવ્યો લખ્યાં. 1827માં એ મહાન સંગીત-નિયોજક ફ્રાન્ઝ શુબર્ટ અને જર્મન કવિ જ્યાં પૉલ રિખ્તર(Richter)ના પ્રભાવ હેઠળ આવ્યા. એ બંને સાથે લાંબા ગાળાની ગાઢ મૈત્રી સાંપડી. એ જ વર્ષે તેમણે કેટલાંક ગીતોને સ્વરબદ્ધ કર્યાં.
1828માં શુમાનનો શાલેય અભ્યાસ પૂરો થયો. માતા અને પાલક પિતા(સાચા પિતા મૃત્યુ પામેલા હતા.)ના દબાણ હેઠળ એ લિપઝિગ યુનિવર્સિટીમાં કાયદાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા; પણ એ તો ત્યાં પણ કાયદો ભણવાને બદલે ગીતોને જ સ્વરબદ્ધ કરતા રહેતા, પિયાનો વગાડતા અને આત્મકથાત્મક નવલકથાઓ લખતા રહેતા. પ્રસિદ્ધ પિયાનોવાદક ફ્રિડ્રિખ વીક(Friedrich Wiek)ના એ શિષ્ય બન્યા અને પિયાનોવાદનનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. વીકની નવ વર્ષની પુત્રી ક્લૅરા સાથે તેની ઓળખાણ થઈ. એ વખતે ક્લૅરા નિપુણ પિયાનોવાદિકા હતી અને જલસા આપવાની કારકિર્દીની શરૂઆત કરી રહી હતી.
1829માં પોતાના કાયદાના એક પ્રાધ્યાપક ફ્રિડ્રિખ જુસ્ટસ થિબોટ સાથે શુમાન હાઇડલબર્ગ ગયા. થિબોટ સંગીતકલાનો રસજ્ઞ વિદ્વાન હતો. એની પાસે શુબાર્ટે વૃંદગાન સંગીત(choral music)નો અભ્યાસ કર્યો. થોડાં વૉલ્ટ લખ્યાં. 1832માં તેમણે કાયદાનો અભ્યાસ છોડી દઈ પિયાનોવાદક બનવાનું નક્કી કર્યું. આ માટે તે પિયાનોવાદનનો રિયાજ કરતા. આ માટે શુમાન અજમાયશી ધોરણે પિયાનો શીખવા માટે વીક પાસે ગયા. તે બાબતે તેમની માતા પણ રાજી હતી. શુમાનની પ્રતિભા માટે વીકને અહોભાવ હતો પણ વીકને સાથે સાથે શંકા પણ હતી કે શુમાન મક્કમ મનોબળથી સખત પરિશ્રમ કરશે કે નહિ.
1832માં જ અકસ્માતમાં શુમાનના જમણા હાથની એક આંગળીને ઈજા થઈ. પિયાનોવાદક તરીકે જલસા આપવાની ભવ્ય કારકિર્દીનું શુમાનનું સપનું રોળાઈ ગયું. હવે શુમાને સંગીતનિયોજન તરફ ઢળવું પડ્યું. હવે પિયાનો માટે એમણે એક પછી એક ઉત્તમ કૃતિઓ લખવી શરૂ કરી. તેમાં ‘સાઇકલ કાર્નાવલ’ (1835) અને ‘સિમ્ફનિક સ્ટડિઝ’ (1834) મુખ્ય છે. પહેલાં તો એ વીકની એક શિષ્યા અને પોતાની સહાધ્યાયી પિયાનોવાદિકા અર્નેસ્ટાઇન ફૉન ફ્રિકેનના પ્રેમમાં પડ્યા, પણ એક જ વરસ પછી એ વીકની સોળ વરસની નિપુણ પિયાનોવાદિકા પુત્રી ક્લૅરાના પ્રેમમાં પડ્યા. ક્લૅરાએ એમને પ્રેમ કર્યો તો ખરો પણ પિતાના હુકમનું પાલન કરીને શુમાનને ઠુકરાવી દીધો. શુમાને આપઘાત કરવાના ત્રણ નિષ્ફળ પ્રયત્નો કર્યા. નિરાશા, નિર્વેદ અને વિષાદની ગર્તામાં ડૂબી ગયેલા શુમાને પિયાનો માટે વિષાદગ્રસ્ત કૃતિ ‘ફૅન્ટસી ઇન સી મેજર’ લખી. એ દારૂને રવાડે ચઢી ગયા; બીજી છોકરીઓ જોડે રખડવું શરૂ કર્યું. 1834માં એમણે સંગીત અંગેનું સામયિક ‘નૂઆ ઝીશ્રીફટ ફૂર મુસિક’ (Neue Zeitschrift Musik) (‘ન્યૂ જર્નલ ફૉર મ્યૂઝિક’) શરૂ કરેલું. આ સામયિકમાં તેમણે 1837માં ક્લૅરા ઉપર આકરા પ્રહાર કરતો લેખ લખ્યો. આ વાંચીને ક્લૅરાએ શુમાન સાથે સમાધાન કર્યું. શુમાને વીક પાસે ક્લૅરાનો હાથ માગ્યો, વીકે ના પાડવાને બદલે આ દરખાસ્તની અવગણના કરી. નાણાકીય સુરક્ષાની બાંયધરી વિના પરણવાની ક્લૅરાએ ના પાડી. શુમાન દારૂડિયો છે એવો આક્ષેપ વીકે કોર્ટમાં જઈને કર્યો. કોર્ટે વીકને હુકમ કર્યો કે તે શુમાન દારૂડિયો છે તે સિદ્ધ કરતા પુરાવા રજૂ કરે. વીક આ મુજબ કરી શક્યો નહિ. આખરે નાછૂટકે તેણે 1840ના સપ્ટેમ્બરની બારમીએ ક્લૅરાને શુમાન સાથે પરણાવી દેવી પડી.
લગ્ન પછી શુમાને ગીતોને સંગીતમાં ઢાળવાનું શરૂ કર્યું. છેલ્લાં બાર વરસથી આ કામ છોડી દીધું હતું અને પછીના માત્ર અગિયાર જ મહિનામાં તેમણે તેનાં ગીતો ઢાળ્યાં (ફેબ્રુઆરીથી ડિસેમ્બર, 1840). આ માટે તેમણે જર્મન કવિઓ હીન્રિખ હીન (Heinrich Heine) તથા જોસેફ આઇકૅન્ડૉર્ફ(Eichendorff)નાં ગીતો પસંદ કર્યાં. શુમાન ઑર્કેસ્ટ્રા માટે સંગીત લખે તે અંગે ક્લૅરા દબાણ કરતી રહી. ઑર્કેસ્ટ્રા માટે સંગીત લખવાના છ નિષ્ફળ પ્રયત્નો શુમાન અગાઉ કરી ચૂક્યો હતો, પણ હવે એ સફળ થયો. ઑર્કેસ્ટ્રા માટેની એની પહેલી સફળ રચના સિમ્ફની નં. 1 ‘ઇન બી ફ્લૅટ મેજર’ છે. તેનું જર્મન સંગીતનિયોજક અને ઑર્કેસ્ટ્રા-કન્ડક્ટર ફૅલિક્સ મેન્ડલ્સોને (Mendelssohn) લિપઝિગમાં સૂત્રસંચાલન કર્યું. એ પછી તેમણે ઑર્કેસ્ટ્રા માટે બીજી એક સિમ્ફની ‘ઇન ડી માઇનોર’, ‘એક ઓવર્ચર’, ‘એક શેર્ઝો’ (Scherzo) તથા એક પિયાનો સાથેનો સંવાદ ‘કન્ચર્ટો’ લખ્યાં.
1842-43માં શુમાને ચેમ્બર (નાના) ઑર્કેસ્ટ્રા માટે કેટલીક રચનાઓ લખી. થૉમસ મૂર(Moore)ની સાહિત્યિક રચના ‘લલ્લા રૂખ’ (Lalla Rookh) ઉપરથી ‘ડાસ પારાડીઝ ઉન્ડ ડી પેરી’ (‘Paradise and the Peri’) નામે એમણે એક બિનધાર્મિક ઑરેટોરિયો લખ્યો, જેને પછી ઑપેરામાં ફેરવવામાં આવ્યો.
1844માં લિપઝિગ ખાતે સંગીતશાળા શરૂ કરવામાં આવી. મૅન્ડેલ્સોન એનો નિયામક (director) નિમાયો અને શુમાન એમાં પિયાનોવાદન અને કમ્પોઝિશન(સંગીતનિયોજક)ના પ્રોફેસર નિયુક્ત થયા. એ જ વર્ષે ક્લૅરા સાથે તેમણે રશિયામાં પિયાનોવાદનના જલસા માટે પ્રવાસ કર્યો; પરંતુ ત્યાં પિયાનોવાદનમાં ક્લૅરા એમના કરતાં વધુ ઝળકી ઊઠતાં તે વિષાદગ્રસ્ત બન્યા. લિપઝિગ પાછા ફરીને તેમણે ‘નૂઆ ઝીશ્રીફ્ટ ફૂર મુસિક’ સામયિકના સંપાદકપદેથી રાજીનામું આપ્યું. હવે તેમણે ગેટેના ‘ફાઉસ્ટ’ પરથી ઑપેરા લખવા શરૂ કર્યા, પણ એમની હાલત વધુ વિષાદગ્રસ્ત બનતાં આ કામ અટકી ગયું. હવાફેર માટે 1844ના ડિસેમ્બરમાં ક્લૅરા તેમને ડ્રેસ્ડન લઈ ગઈ અને ત્યાં તેમની તબિયત સુધરી, તેમનો મિજાજ પ્રફુલ્લિત બન્યો. બંને જણાં 1850ના સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહ્યાં. આ દરમિયાન લિપઝિગ અને વિયેના ખાતેના ઑર્કેસ્ટ્રામાં અને સંગીતશાળાઓમાં પદ હાંસલ કરવાના તેમના પ્રયત્નો વ્યર્થ સાબિત થયા. આખરે ડુસેલ્ડૉર્ફ (Düsseldorf) ખાતે મ્યુનિસિપલ ઑર્કેસ્ટ્રાના અને કોયરના નિયામકનું પદ તેમણે ગ્રહણ કર્યું. આ વર્ષોમાં તેમણે ઘણી પરિપક્વ રચનાઓ લખી : (1) સિમ્ફની નં. 2 ‘ઇન સી મેજર’, (2) સિમ્ફની નં. 3 ‘ઇન ઈ ફ્લૅટ મેજર’, (3) ‘ચેલો કન્ચર્ટો ઇન એ મેજર’, તથા (4) અગાઉ લખેલી સિમ્ફની નં. 1 ‘ઇન D માઇનોર’ને મૂળભૂત ફેરફારો સાથે ફરી લખી.
ડુસેલ્ડૉર્ફમાં સંગીતના આઠ જલસાઓનું શુમાને સૂત્રસંચાલન કર્યું; પણ સૂત્રસંચાલનની કલામાં તેમની ત્રુટિઓ છતી થઈ. ગાયકો અને વાદકો સાથે એ સતત ઝઘડતા. આ પદેથી રાજીનામું આપવા એ સંગીતકારોએ તેમના પર દબાણ કર્યું. 1853માં એ મેન્ડેલ્સોનની એક રચનાના રિહર્સલ્સ કરાવી રહ્યા હતા ત્યારે ગાયકવૃંદે ગાવાનો ધરાર ઇનકાર કરતાં એમણે નાછૂટકે રાજીનામું આપવું પડ્યું.
1854ના ફેબ્રુઆરીની દસમીએ શુમાનને કાનમાં જોરદાર સણકા ઊપડ્યા. એ પછી શ્રાવ્ય ભ્રમ થવા માંડ્યા. એ કહેતા કે દેવદૂતો કાનમાં સંગીતની નવી રચનાઓ ગણગણી જાય છે. હકીકતમાં એમણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું. ફેબ્રુઆરીની છવ્વીસમીએ એમને માનસિક બીમારોની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજે જ દિવસે તળાવમાં ડૂબકી મારીને આપઘાત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. એમને અસ્થિર દિમાગ ધરાવતા દર્દીઓની એક બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ હૉસ્પિટલ બોન નજીક ઍૅન્ડેનિખ ખાતે હતી. અહીં તે અઢી વરસ રહ્યા; અને ક્લૅરા તથા અન્ય મિત્રો સાથે પત્રવ્યવહાર કરતા રહ્યા. પ્રસિદ્ધ સંગીતનિયોજક (Brahms) અને વાયોલિનિસ્ટ જોસેફ જોઆકીમ તેમને અહીં મળવા આવતા; પરંતુ એમની મુલાકાતોથી એ વધુ ઉત્તેજિત થઈ અને ઉશ્કેરાઈ જતા. ક્લૅરાને તેમની સાથે મળવાની પરવાનગી મળતી નહોતી. જ્યારે એમ લાગ્યું કે અંત નજીક છે ત્યારે જ છેક 1856ના જુલાઈની સત્તાવીસમીએ એની શુમાન સાથે મુલાકાત ગોઠવાઈ. શુમાન એને ઓળખી તો શક્યા પણ એ વિહ્વળતાને પરિણામે અવાક્ થઈ ગયેલા હતા. બે દિવસ પછી તે મૃત્યુ પામ્યા.
ચેમ્બર (નાનકડા) ઑર્કેસ્ટ્રા માટે શુમાને લખેલું સંગીત પણ ઘણું અગત્યનું છે. તેમાં સમાવેશ પામે છે : (1) ત્રણ સ્ટ્રિન્ગ-ક્વાર્ટેટ, (2) ત્રણ પિયાનો-ટ્રાયો, (3) ત્રણ વાયોલિન-સૉનાટા, (4) પિયાના-ક્વિન્ટેટ ઇન ઈ ફ્લેટ મેજર (ઓપસ 44, 1842), (5) પિયાનો ક્વાર્ટેટ ઇન ઈ ફ્લેટ મેજર (ઓપસ 47, 1841-43), (6) ફેન્ટસી ફૉર પિયાનો ઇન સી મેજર, (ઓપસ 17, 1836), અને (7) ત્રણ પિયાનો-સૉનાટા.
અમિતાભ મડિયા