શુમાન, ક્લૅરા (Schumann, Clara)
January, 2006
શુમાન, ક્લૅરા (Schumann, Clara) (જ. 13 સપ્ટેમ્બર 1819, લિપઝિગ, જર્મની; અ. 20 મે 1896, ફ્રાન્કફર્ટ આમ મેઇન જર્મની) : પ્રસિદ્ધ જર્મન પિયાનોવાદિકા.
પ્રસિદ્ધ જર્મન પિયાનોવાદક વીકની એ પુત્રી. પાંચ વરસની ઉંમરથી જ પિતા પાસેથી પિયાનોવાદનના પાઠ ગ્રહણ કરવા શરૂ કર્યા. પંદર વરસની વયથી તેણે એક કન્સર્ટ પિયાનિસ્ટ તરીકે આખા યુરોપમાં યાત્રાઓ કરીને જલસા આપેલા. 1838માં ઑસ્ટ્રિયાના રાજદરબારે તેનું સન્માન કરેલું. એ જ વર્ષે ઑસ્ટ્રિયન મ્યૂઝિક લવર્સ સોસાયટીએ તેને સભ્ય તરીકે સામેલ કરી.
પિતા વીકની તીવ્ર અનિચ્છાને અવગણીને ક્લૅરા 1840માં પ્રસિદ્ધ જર્મન સંગીત-નિયોજક રૉબર્ટ શુમાનને વરી. 1854 સુધીમાં તેણે શુમાનનાં આઠ સંતાનોને જન્મ આપ્યો. બાળકોના ઉછેર માટે થઈને તેણે એક પ્રખર પિયાનોવાદિકા તરીકેની કારકિર્દીની આહુતિ આપવી પડી; છતાં લિપઝિગ કૉન્ઝર્વેટરી ખાતે તેણે પિયાનોવાદન શિખવાડવું ચાલુ રાખ્યું.
પતિ રૉબર્ટ શુમાનના અવસાન પછી તેણે પતિના સમગ્ર સર્જનને સંપાદિત કર્યું; જેનું પ્રકાશન 1893માં થયું. ક્લૅરાની મૌલિક કૃતિઓમાં ‘કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’, ગીતો, એકલ (solo) પિયાનોવાદન માટેની કૃતિઓ તથા નાના ચેમ્બર ઑર્કેસ્ટ્રા માટેની રચનાઓનો સમાવેશ થાય છે. જોઆન ચિઝલે (Joan Chissell) ક્લૅરાની જીવનકથા લખીને 1983માં પ્રકાશિત કરી છે.
અમિતાભ મડિયા