શુજાતખાન
January, 2006
શુજાતખાન (જ. ?; અ. 1701) : ગુજરાતનો મુઘલ કાલનો સૂબેદાર. તેમણે 1685થી 1701 સુધી ગુજરાતના સૂબા તરીકે કામ કર્યું. ગુજરાતના સૂબા મુખતારખાનનું અવસાન થતાં બાદશાહ ઔરંગઝેબે સૂરતના સૂબા કારતલબખાનને 1685માં ગુજરાતના સૂબા તરીકે નીમ્યો. મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનવાથી ઔરંગઝેબે 1687માં ગુજરાતની સૂબેદારી અને જોધપુરની ફોજદારીને સંયુક્ત કરી અને કારતલબખાનને ‘શુજાતખાન’નો ખિતાબ આપી એ બંને જવાબદારી સોંપી. શુજાતખાન વરસમાં છ માસ ગુજરાતમાં અને છ માસ મારવાડમાં રહેતો. શુજાતખાન તથા દુર્ગાદાસ વચ્ચે આશરે દસ વરસ સુધી લડાઈઓ ચાલતી રહી હતી.
શુજાતખાને ગુજરાતમાં ઇમામશાહી પંથના મોમના તથા મતિયા લોકોના બળવાનો મુકાબલો કરવો પડ્યો હતો. આ વખતે તેમના ઇમામ સૈયદ શાહજી હતા, જેમની પ્રતિષ્ઠા ઘણે દૂરના વિસ્તારો સુધી પ્રસરેલી હોવાથી, તેમના નિવાસસ્થાન પીરાણામાં હજારો લોકો ભેટ ધરવા આવતા. ઔરંગઝેબના હુકમથી શુજાતખાને સૈયદ શાહજીને તેડી લાવવા એક ટુકડી પીરાણા મોકલી. અમદાવાદના માર્ગે આવતાં સૈયદ શાહજીએ આત્મહત્યા કરી. તેથી મતિયા અને મોમના લોકો ઉશ્કેરાયા અને બળવો કર્યો. છેવટે મુઘલ સેનાએ બળવો કચડી નાખ્યો.
શુજાતખાને, ખાચર અને કાઠી લોકોની વારંવાર ધાડો પડતી તેથી મોટા લશ્કર સાથે ઝાલાવાડ પ્રદેશમાં જઈને ખંડણી વસૂલ કરી. તેમણે કાઠીઓના વડા મથક થાનગઢ પર હુમલો કરી જીતી લીધો અને પ્રાચીન સમયનું સૂર્યમંદિર જમીનદોસ્ત કર્યું.
ગુજરાતમાં 1685 અને 1686માં ઓછો વરસાદ તથા દુષ્કાળને કારણે અનાજની તંગી થઈ અને ભાવો ખૂબ વધ્યા. આ દરમિયાન સરકારે અનાજ પરના વેરા માફ કર્યા. 1694-95નાં વર્ષોમાં પણ સૂરત, ભરૂચ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં પૂર, રોગચાળો તથા ગરીબીને કારણે ઘણા લોકો મરણ પામ્યા. અનાજના ભાવો વધી ગયા. શુજાતખાને જુદાં જુદાં પરગણાંઓના મુત્સદ્દીઓને સંગ્રહખોરી અટકાવવા અને અનાજના ઉત્પાદનમાં સરકારનો હિસ્સો અમદાવાદ મોકલવા હુકમ કર્યો. એ અનાજ સરકારના અંકુશ હેઠળ વાજબી ભાવે વેચવાનું હતું.
ઔરંગઝેબે 1694માં સૂબા શુજાતખાનને વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરનો નાશ કરવાનો હુકમ કર્યો. તેનો અમલ કરવા ફોજદાર મુહમ્મદ મુબારિઝ બાબીને મોકલવામાં આવ્યો હતો.
શુજાતખાનનો શાસનકાળ એકંદરે શાંતિ અને સારા વહીવટનો હતો. વહીવટમાં જે ખામીઓ હતી તે સુધારવામાં આવી અને લોકકલ્યાણ તથા કાર્યક્ષમ વહીવટ પર ભાર મૂકવામાં આવ્યો. 1690માં વાત્રક-કાંઠે આઝમાબાદનો ગઢ બંધાયો તથા 1692માં દ્વારકાના કિલ્લાની દીવાલનું સમારકામ થયું. અમદાવાદ શહેરની દીવાલો તથા કાંકરિયા તળાવના બગીચામાં આવેલ મકાનો દુરસ્ત કરવામાં આવ્યાં. પાટણમાં બાબા અહમદે બંધાવેલ જામી મસ્જિદનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો. દાહોદની મસ્જિદ, અમદાવાદમાં મુઆઝમપુરની મસ્જિદ તથા અસાવલ ખાતેના અબુ તુરાબના રોજાનું આ સમયે સમારકામ થયું.
શુજાતખાનના સમયમાં સરકારી કચેરીના ઘણા પટાવાળાઓને પગાર અપાતા નહિ. તેઓ શેરીઓમાં લોકોને રોકીને તેમની પાસેથી પૈસા પડાવતા. તેથી બાદશાહે 1688માં પગાર વિના પટાવાળાઓને નોકરીમાં નહિ લેવાનો અધિકારીઓને હુકમ કર્યો; અને જે પટાવાળા નોકરીમાં હોય તેમણે લોકો પાસેથી નાણાં નહિ ઉઘરાવવાનો હુકમ કર્યો. ઓછા વજનવાળા સિક્કા ચલણમાં હતા તે લેતી વખતે શરાફો ભારે વટાવ લેતા હતા તે પ્રથા બંધ કરવામાં આવી. વડોદરા જિલ્લાના સિનોર પરગણામાં ફોજદાર તથા બીજા અધિકારીઓ બ્રાહ્મણોને ટપાલીનું કામ કરવાની ફરજ પાડતા હતા; એવી બાતમી મળતાં શુજાતખાને અધિકારીઓને તેમ ન કરવા હુકમ કર્યો.
શુજાતખાનના સમયમાં કેટલાંક અગત્યનાં બાંધકામ થયાં. તેમાં ખંભાતમાં 1695માં બંધાયેલો લાલબાગ, અમદાવાદમાં 1699માં બાદશાહતના વડા કાઝી મુહમ્મદ અકરામે બંધાવેલ મદરેસા અને મસ્જિદ તથા પેટલાદમાં 1698-99માં બંધાયેલી વાવ નોંધપાત્ર છે. શુજાતખાને પોતે પણ અમદાવાદમાં મદરેસા બંધાવી શિક્ષણને ઉત્તેજન આપ્યું હતું.
જયકુમાર ર. શુક્લ