શુક્લ, સી. પી.
January, 2006
શુક્લ, સી. પી. (જ. 1 નવેમ્બર 1922, ભુજ, કચ્છ) : ગુજરાત રાજ્યમાં ‘ચરક ચતુરાનન’ અને ‘વૈદ્યશિરોમણિ’ તરીકે આયુર્વેદના ખ્યાતનામ પ્રાધ્યાપક તથા આચાર્ય. પૂરું નામ ચંદ્રકાંત પ્રભુદાસ શુક્લ.
તેમનો જન્મ વૈદ્ય શાસ્ત્રી અને કર્મકાંડી પ્રભુશંકર દેવશંકર શુક્લના ઘેર થયેલો. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યા બાદ પાટણની શ્રી ઉજમશી પી. આયુર્વેદ કૉલેજમાં આયુર્વેદનો અભ્યાસ કરી 1943માં તે સમયે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત ગણાતી એલ.એ.એમ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તે પછી તેમણે મહારાષ્ટ્રની તિલક વિદ્યાપીઠની ‘આયુર્વેદ-વિશારદ’ની ડિગ્રી પણ પ્રાપ્ત કરેલી.

સી. પી. શુક્લ
તે પછી તેમનો સંપર્ક જામનગર રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર અને દેશ-વિદેશમાં વિદ્વાન તથા આયુર્વેદ-હિતેચ્છુ તરીકે પંકાયેલા ઍલૉપથિક ડૉક્ટર પ્રાણજીવન મહેતા સાથે થયો. ડૉ. મહેતાએ સી. પી. શુક્લના આયુર્વેદના જ્ઞાનથી પ્રભાવિત થઈ, તેમને જામનગરમાં બોલાવીને ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી માટે ‘ચરકસંહિતા’નું હિન્દી, અંગ્રેજી તથા ગુજરાતી ભાષાંતર તૈયાર કરવાનું ખાસ કાર્ય તેમને સોંપ્યું. શુક્લસાહેબે આ ભગીરથ કાર્ય વી. જે. ઠાકર, તે સમયના આયુર્વેદના ભીષ્મ પિતામહ ગણાતા યાદવજી ત્રિકમજી આચાર્ય, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી તથા શિવજીભાઈ બાવાભાઈ અચલજી જેવા શ્રેષ્ઠ વૈદ્યોના સહકારથી કરી બતાવ્યું. એ રીતે આયુર્વેદચિકિત્સા-જગતને જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા કુલ પાંચ મોટા દળદાર ગ્રંથોમાં ત્રણ ભાષામાં ‘ચરકસંહિતા’ પ્રાપ્ત થઈ. આ તેમનું એક ઐતિહાસિક કાર્ય છે.
તે પછી તેમણે જામનગર ઇરવિન હૉસ્પિટલમાં રહીને આધુનિક પાશ્ચાત્ય વિજ્ઞાનનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. 1946માં જામનગરમાં ગુલાબકુંવરબા આયુર્વેદ કૉલેજ શરૂ થતાં શુક્લ તેમાં શરૂઆતમાં શારીરક્રિયાવિજ્ઞાન અને કાયચિકિત્સાના અધ્યાપક બન્યા; 1954માં તેઓ આ કૉલેજના આચાર્ય બન્યા.
1956માં જામનગર ખાતે ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોસ્ટ ગ્રૅજ્યુએટ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ’ (I.P.G.T.R.) નામે અનુસ્નાતક કેન્દ્ર શરૂ થયું. તેમાં તેમણે શરૂઆતમાં કાયચિકિત્સાના પ્રાધ્યાપક અને પછી તે વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપેલી. અનુસ્નાતક કેન્દ્રના ડૉ. સી. દ્વારકાનાથને તેમના કાયચિકિત્સા વિષય પરના ‘Fundamentals of Chikitsa’ નામના પુસ્તક-લેખનમાં જરૂરી તમામ સંદર્ભો શુક્લે આપી ખૂબ મદદ કરેલી. તેમના જ્ઞાનથી પ્રભાવિત ડૉ. સી. દ્વારકાનાથે સી. પી. શુક્લને ‘Encyclopaedia of Ayurved’ (‘આયુર્વેદના વિશ્વકોશ’) તરીકે નવાજેલા. જામનગરમાં કાયચિકિત્સા વિભાગના વડા તરીકે તેમણે 500થી વધુ આયુર્વેદ એમ.ડી.ના અને પાંચેક જેટલા પીએચ.ડી.ના મહાનિબંધોના માર્ગદર્શક તરીકે સેવા આપી, જે તેમની એક વિશિષ્ટ સિદ્ધિ છે.
સને 1965માં શુક્લને ગુજરાત રાજ્યના ‘આયુર્વેદ નિયામક’ તરીકે નીમવામાં આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રાજપીપળા ખાતે આયુર્વેદ ફાર્મસી કૉલેજ શરૂ કરાઈ. તે પછી તેઓ ફરી આયુર્વેદ-શિક્ષણજગતમાં પાછા ફર્યા; જેથી ગુજરાતને આયુર્વેદના એક મહાન આયુર્વેદવિજ્ઞાનના પંડિતની પુન: ભેટ મળી.
શિક્ષણક્ષેત્ર ઉપરાંત શુક્લ ચિકિત્સાક્ષેત્રમાં પણ દેશ-વિદેશમાં ખ્યાતનામ એવા સફળ ચિકિત્સક બન્યા.
1977ની સાલમાં ભારત સરકારે આયુર્વેદ પાઠ્યક્રમની સમીક્ષા તથા સુધારાવધારા કરવા માટે તેમના પ્રમુખપદે એક સમિતિ રચેલી. તેમાં એમણે મહત્વના સુધારાઓ સૂચવેલા.
1984થી 1985 દરમિયાન તેઓ મહર્ષિ મહેશ યોગી દ્વારા સંચાલિત ‘મહર્ષિ ઇન્ટરનૅશનલ યુનિવર્સિટી’ના નિમંત્રણથી પરદેશ ગયેલા. જ્યાં તેમણે મનિલા, જાપાન, હવાઈ ટાપુ; અમેરિકાના લૉસ ઍન્જલસ, વૉશિંગ્ટન, બોસ્ટન, શિકાગો, ફેરફિલ્ડ, આઇઓવા તેમજ કૅનેડાના મૉન્ટ્રિયલ, ક્યુબેક, ટૉરોન્ટોમાં તથા કૅરેબિયન આઇલૅન્ડ; દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ તથા યુરોપમાં હૉલેન્ડ જેવા અનેક દેશોમાં આયુર્વેદ વિશે ઉત્તમ વ્યાખ્યાનો આપી, પરદેશીઓને આયુર્વેદના જ્ઞાનનો ખ્યાલ આપ્યો.
ભારત સરકારે તેમને ‘ચરકસંહિતા’ના માન્ય ગુરુ તરીકે નીમ્યા છે; જેથી સમગ્ર ભારતમાંથી ચરકસંહિતાનો ઊંડો અભ્યાસ કરવા અનેક શિષ્યો તેમની પાસે આવે છે. તેમના આ વિશિષ્ટ જ્ઞાનનો લાભ તેમણે અમદાવાદના વૈદ્યશ્રી શોભનના આયુતીર્થ (ટીંબા-અમદાવાદ) ખાતે, તેમજ જૂનાગઢ ખાતે અનેક વાર ‘ચરક જ્ઞાનશિબિર’નું આયોજન કરી વૈદ્યો તથા આયુર્વેદના વિદ્યાર્થીઓને આપવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમના આ જ્ઞાનથી અભિભૂત ગુજરાતના વૈદ્યોએ સી. પી. શુક્લને ‘ચરક ચતુરાનન’ નામની માનાર્હ ડિગ્રી તથા તેમને બે લાખ બાવીસ હજાર ઉપરાંતની રકમ ભેટ આપીને, તેમનું જાહેર સન્માન કરેલું. ત્યારે વિદ્યાપ્રેમી આ સારસ્વતે ભેટ મળેલી રકમ, આયુતીર્થને તેની પ્રવૃત્તિઓ કરવા દાનમાં આપી દઈ, પોતાની ‘વિદ્યાગુરુ’ની નામનામાં યશકલગી ઉમેરી દીધી.
‘ચરકસંહિતા’ના ત્રણ ભાષામાં અનુવાદના ભગીરથ કાર્ય ઉપરાંત તેમણે ‘Domestic Medicine and Ayurvedic Remedies’ નામે એક પુસ્તક પણ લખ્યું છે, જે ભારત સરકારની કેન્દ્રીય અનુસંધાન સમિતિએ પ્રગટ કરેલ છે.
ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશનાં પબ્લિક સર્વિસ કમિશનો ઉપરાંત યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તથા બી.એચ.યુ. (બનારસ હિન્દુ યુનિવર્સિટી) સર્વિસ કમિશનના સભ્ય તરીકે તેમજ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ તેમણે સેવા આપી છે.
આયુર્વેદ-જગતમાં ચંદ્રકાંત શુક્લની સંનિષ્ઠ અને દીર્ઘ સેવા બદલ અનેક સંસ્થાઓએ એમનું વિશિષ્ટ સન્માન કર્યું છે; જે આ મુજબ છે : (1) મહર્ષિ ઇન્ટરનૅશનલ યુનિવર્સિટી અમેરિકા તરફથી ‘મહર્ષિ ઍવૉર્ડ’; (2) નિખિલ ભારત આયુર્વેદ મહાસંમેલન (દિલ્હી) દ્વારા ‘આયુર્વેદ માર્તણ્ડ’; (3) રાજસ્થાન ચિકિત્સક સંઘ દ્વારા ‘આયુર્વેદ માર્તણ્ડ’; (4) વડોદરાની ગુજરાત આયુર્વેદ સંશોધન-વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા ‘આયુર્વેદ મહામહોપાધ્યાય’.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા