શુક્લ, શ્રીલાલ (. 31 ડિસેમ્બર 1925, આતરોલી, જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે શિક્ષણ લખનૌ, કાનપુર અને અલ્લાહાબાદમાં મેળવ્યું. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1950માં તેઓ રાજ્ય મુલકી સેવામાં જોડાયા. છેલ્લે કાનપુર ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકે સેવાનિવૃત્ત થયા.

તેમને તેમની શ્રેષ્ઠ અદ્યતન નવલકથા ‘રાગ દરબારી’ (1968) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. તેમણે નવલકથા ઉપરાંત વાર્તાસંગ્રહો અને સંખ્યાબંધ વ્યંગ્યાત્મક નિબંધો આપ્યા છે. તેમાં ‘અંગદ કા પાંવ’ (1958); ‘સૂની ઘાટી કા સૂરજ’ (1957), ‘અજ્ઞાતવાસ’ (1961), ‘યહૉ સે વહૉ’ (1969), ‘સીમાયેં તૂટતી હૈં’ (1973), ‘આદમી કા ઝહર’ (1974), ‘અર્પિત મેરી ભાવના’ (1974) અને ‘મકાન’ (1976) ઉલ્લેખનીય છે.

તેમની નવલકથા અને નિબંધોમાં એક સરકારી અધિકારી તરીકે તેમણે સરકારી તંત્રના લોકો તરફના તોછડા વ્યવહાર અને ભારતીય ગ્રામજીવનનું આબેહૂબ ચિત્રાંકન કર્યું છે. તેમના નિબંધો, ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં તેમની ભાષા, તીખી તમતમતી અને રોજની વાતચીતની ભાષાની સમૃદ્ધિ આસ્વાદ્ય છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘રાગ દરબારી’ વેધક અને વિનોદી નવલકથા છે. તેમાં રમ્ય અને પ્રસન્ન શાંતિભર્યા જીવનનો ચિતાર આપતા નિષ્કપટ અને ધર્મનિષ્ઠ જનભૂમિ તરીકે ભારતીય ગામોની ભાવનાપ્રધાન કલ્પનામૂર્તિનું લેખકે ખંડન કર્યું છે. તેમાં ઉત્તરપ્રદેશના ગ્રામીણ વિસ્તારમાંના રોજિંદા જીવનની અધમતા અને ક્ષુદ્રતાને ખુલ્લી પાડવામાં આવી છે અને આપણા સામાજિક જીવનમાં વણાયેલ લોભ, સ્વાર્થીપણું અને રુશવતખોરી પર નિર્ભીક ટીકા કરવામાં આવી છે. આ કૃૃતિનું તેની તીક્ષ્ણ શૈલી અને વાસ્તવદર્શી પાત્રાલેખનને કારણે હિંદી સાહિત્યમાં અનન્ય મહત્વ છે.

બળદેવભાઈ કનીજિયા