શુક્લ, શિવકુમાર
January, 2006
શુક્લ, શિવકુમાર (જ. 12 જુલાઈ 1918, ગોંડલ, સૌરાષ્ટ્ર, ગુજરાત; અ. ?, વડોદરા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રથમ પંક્તિના ગાયક. માતાપિતાના સંગીતપ્રેમથી પ્રેરાઈને તેઓ આ કલાપ્રકાર તરફ વળ્યા. તેમની કલાસૂઝ અને ઉત્કંઠા પારખીને તેમના પિતાએ તેમને સંગીતના વધુ અભ્યાસાર્થે મુંબઈ મોકલ્યા. 1932માં તેઓએ મુંબઈના મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલયમાં જોડાઈને બાબુરાવ ગોખલે પાસે સંગીતની પ્રારંભિક તાલીમ લીધી. 1934માં ગોંડલના મહારાજા ભગવતસિંહજીની સુવર્ણજયંતી પ્રસંગે તેમણે તેમની ગાયનકલા રજૂ કરી. તેમની ગીતનિપુણતાના પુરસ્કાર રૂપે તેઓ ગોંડલ રાજ્યના દરબારી ગાયક નિમાયા.
1935માં તેઓ પંડિત ઓમકારનાથજીના શિષ્ય બન્યા. એક વર્ષના કઠોર પરિશ્રમ બાદ 1936માં તેઓ પંડિતજી દ્વારા ‘સંગીત-રસરાજ’નો માનવંતો ખિતાબ પામ્યા. ત્યારબાદ મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલય, મુંબઈની પદવી તેમણે મેળવી. પંડિતજી પાસે 34 વર્ષની તાલીમ બાદ 1941માં તેઓ પુણેના ખ્યાતનામ ઉસ્તાદ ખાંસાહેબ અમાન અલીખાંના શિષ્ય બન્યા. વર્ષો સુધી આકરી સંગીતસાધના કરીને તેમની પાસેથી તેઓએ ભીંડી બજાર ઘરાનાની ગાયકી હાંસલ કરી. તેઓ ખૂબ જ સુરીલા અને નમનીય કંઠે તે ઘરાનાનું સંગીત રજૂ કરતા. તેઓ ભારતભરમાં અસંખ્ય સંગીત સમારંભોમાં પોતાની ગાયકી- છટા દર્શાવીને પોતાની મૌલિકતા અને વૈયક્તિકતા દ્વારા રસજ્ઞોની ઉષ્માભરી પ્રશંસા પામ્યા હતા.
1951થી તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાની ફૅકલ્ટી ઑવ્ પર્ફૉર્મિંગ આર્ટ્સમાં રીડર તરીકે જોડાયા. 1968થી 1974 સુધી તેઓ આ જ ફૅકલ્ટીના આચાર્યપદે રહ્યા અને 1978માં સેવાનિવૃત્ત થયા, ત્યારબાદ તેમણે વર્ષો સુધી વડોદરામાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને સંગીતનું માર્ગદર્શન પૂરું પાડ્યું.
તેઓ ગુજરાત રાજ્ય સંગીત નૃત્યનાટ્ય અકાદમીના સ્થાપનાકાળથી તેના સભ્યપદે રહ્યા. છેક 1935થી તેઓ આકાશવાણી પરથી તેમના કાર્યક્રમો આપતા રહ્યા અને તેમની સદાબહાર ગાયકીની પ્રતીતિ કરાવી. તેઓએ આકાશવાણી કંઠપરીક્ષા સમિતિના, ગુજરાત રાજ્યની જુદી જુદી સંગીતવિષયક પેટાસમિતિઓના અને બનારસ હિંદુ યુનિવર્સિટીની સંગીતની પરીક્ષાઓની પરીક્ષક સમિતિના સભ્ય રહ્યા હતા. તેમજ ભારતભરની સંગીતપરિષદો અને સંમેલનોનાં અધ્યક્ષ તરીકેનાં પદો પણ તેમણે શોભાવ્યાં હતાં. અખિલ ભારતીય સંગીત કાર્યક્રમોમાં તાત્ત્વિક કલામીમાંસક પણ રહેલા. અખિલ ભારતીય સંસ્થાએ તેમનું પ્રથમ પંક્તિના ગાયક કલાકાર તરીકે બહુમાન કર્યું. આમ, તેઓ ભારતીય સંગીતની પ્રશિષ્ટ પરંપરાના એક ઉત્તમ કલાકાર લેખાયા.
1930માં તેમને મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલ તરફથી એમ.એલ.સી. સુવર્ણપદક, 1934માં રાજ્ય ગાયકનું બહુમાન; 1939માં મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલય તરફથી ‘સંગીતપ્રવીણ’ સુવર્ણપદક, 1951માં રાષ્ટ્રપતિ ઍવૉર્ડ, 1971માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્યનાટ્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ, 1980માં કોલકાતા આઇ.ટી.સી. સંગીત અકાદમી દ્વારા સન્માન તથા ઍવૉર્ડ; 1980માં બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ દ્વારા બહુમાન તથા રંગમંચલક્ષી કલા માટેનો 1988-89ના વર્ષનો પંડિત ઓમકારનાથ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયેલા.
બળદેવભાઈ કનીજિયા