શુક્લ વિનોદ કુમાર
May, 2023
શુક્લ વિનોદ કુમાર( જ. 1 જાન્યુઆરી 1937 રાજનાંદગાંવ, મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ) – ) : સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત પહેલા ભારતીય અને એશિયાઈ લેખક.
જન્મ મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારમાં થયો હતો. એમની માતાનું નામ રુક્મિણી દેવી હતું. રુક્મિણી દેવીનું બાળપણ બાંગ્લાદેશના જમાલપુરમાં વીત્યું હતું. કોમી રમખાણોમાં પિતાની હત્યા થવાથી એમનો પરિવાર કાનપુર આવ્યો. વિનોદ કુમારના પિતાનું નામ શિવગોપાલ હતું. તે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના જગતપુરના રહેવાસી હતા. શિવગોપાલ રોજીની શોધમાં મધ્યપ્રદેશના રાજનાંદગાંવમાં આવીને વસ્યા હતા.
વિનોદ કુમાર, શિવગોપાલના પાંચ સંતાનો પૈકી ત્રીજું સંતાન હતા. તેઓ બાળક હતા ત્યારે તેમના પિતા શિવગોપાલ શુક્લનું 38વર્ષની વયે અવસાન થતાં માતાએ પિતાનો પ્રેમ આપ્યો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી એમનું બાળપણ અનેક અભાવોમાં વીત્યું. સંયુક્ત પરિવાર હોવાથી પિતાના મૃત્યુ પછી ઘરની સઘળી જવાબદારી કાકા પંડિત કિશોરીલાલ શુક્લ પર આવી પડી. તેઓ મિલ મેનેજર હતા. પાછળથી તેઓ રાજનીતિમાં ગયા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.
વિનોદ કુમારને બાળપણમાં માતા ક્રાંતિકારીઓની વાર્તા સંભળાવતાં હતાં તેની વિનોદ કુમારના મન પર ખૂબ ઊંડી અસર પડી હતી. તેઓ ક્રાંતિકારીઓ વિશેનાં પુસ્તકો ફૂટપાથ ઉપરથી ખરીદતા અને વાંચતા હતા. ઘરમાં આવતાં સામયિકોના વાચનથી વિનોદકુમારને સાહિત્ય પ્રત્યે રુચિ જાગી. વિનોદ કુમારને સાહિત્યની પ્રેરણા ઘરમાંથી મળી અને પછી મુક્તિબોધ અને હરિશંકર પરસાઈ દ્વારા વધુ મજબૂત બની.
વિનોદ કુમારે મેટ્રિક સુધીનું શિક્ષણ રાજનાંદગાંવની હાઈસ્કૂલમાં લીધું. એમણે લગભગ 18વર્ષની ઉંમરે ઈ. સ. 1954-55માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આધુનિક યુગની સમજને વિસ્તારવા માટે એમણે વિજ્ઞાનને અભ્યાસનો વિષય બનાવ્યો. 1957માં જબલપુર કૃષિ મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવીને એમ.એસસી.ની પરીક્ષા કૃષિ વિષય સાથે પ્રથમ વર્ગમાં 1962માં પાસ કરી.
વિનોદ કુમાર શુક્લ મધ્યપ્રદેશ સરકારમાં કૃષિ વિસ્તાર અધિકારી બન્યા પણ પછી એમણે નોકરી છોડી દીધી. ત્યાર બાદ તેઓ ગ્વાલિયરના કૃષિ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક બન્યા.ઈ. સ. 1967માં એમની બદલી રાયપુરના ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે થઈ અને ત્યાંથી 1996માં નિવૃત્ત થયા. 1994થી 1996સુધી નિરાલા સૃજનપીઠ, ભોપાલમાં અતિથિ સાહિત્યકાર રહ્યા.
એમની પહેલી વાર્તા ‘નવાબહુજુર’ કૃષિ મહાવિદ્યાલયની પત્રિકામાં છપાઈ હતી. એ વખતે તેઓ વિદ્યાર્થીઓ હતા. મધ્યપ્રદેશ સરકારે ‘મુક્તિબોધ ફેલોશિપ’ શરૂ કરી ત્યારે પહેલી ફેલોશિપ 1976માં વિનોદ કુમારને મળી હતી. વિનોદ કુમાર શુક્લે આ ફેલોશિપ દરમિયાન અશોક બાજપાઈની પ્રેરણાથી નવલકથા લેખનમાં પોતાના અનુભવોને વાચા આપી. વિનોદ કુમારના અનેક પુસ્તકો પ્રગટ થયા છે જેમાં કવિતા સંગ્રહ – લગભગ જય હિન્દ(1971), વહ આદમી ચલા ગયા નયા ગરમકોટ પહિનકર વિચાર કી તરહ(1981),સબ કુછ હોના બચા રહેગા(1992), અતિરિક્ત નહીં (2000),કવિતા સે લંબી કવિતા(2001);વાર્તાસંગ્રહ -પેડ પર કમરા (1988), મહાવિદ્યાલય(1996); નવલકથા –નૌકરકી કમીજ(1979), ખીલેગા તો દેખેંગે(1996), દીવાર મેં એક ખિડકી રહતી થી(1997)વગેરે છે. તેમની રચનાઓ મરાઠી, ઓડિયા, ઉર્દૂ, મલયાલમ, અંગ્રેજી, ઇટાલિયન, જર્મન વગેરે ભાષાઓમાં અનૂદિત થઈ છે.
મણિકૌલ દ્વારા ઈ. સ. 1999માં એમની નવલકથા ‘નૌકરકી કમીજ’ તથા ‘બોસ’ વાર્તા પરથી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમની નવલકથાઓનું નાટ્ય રૂપાંતર પણ કરવામાં આવ્યું છે .‘દીવાર મેં એક ખિડકી રહતી થી’ નવલકથાનું શ્રી મોહન મહર્ષિ દ્વારા 2001માં રાષ્ટ્રીય વિદ્યાલય માટે રૂપાંતર કરવામાં આવ્યું હતું.
વિનોદ કુમારને અનેક પુરસ્કાર તથા પારિતોષિકથી સન્માનવામાં આવ્યા છે. 1975-76માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગજાનન માધવબોધ ફેલોશિપ,1979-80માં ‘નૌકરકી કમીજ’ નવલકથાને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો વીરસિંહ દેવ પુરસ્કાર,1981માં ‘વહઆદમી ચલા ગયા નયા ગરમકોટ પહિનકર વિચાર કી તરહ’ કાવ્યસંગ્રહ માટે મધ્યપ્રદેશ કલા પરિષદનો રજા પુરસ્કાર, 1992માં ઑડિશાની વર્ણમાલા સંસ્થા દ્વારા સૃજન ભારતી સન્માન, 1992માં ‘સબ કુછ હોના બચા રહેગા’ કાવ્યસંગ્રહને રઘુવીર સહાય સ્મૃતિ પુરસ્કાર અને ભવાની પ્રસાદ મિશ્ર પુરસ્કાર,1994માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા શિખર સન્માન અને 1995માં મૈથિલીશરણ ગુપ્ત સન્માન,1997માં દયાવતી મોદી કવિ શેખર સન્માન,1999માં દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા ‘દીવાર મેં એક ખિડકી રહતી થી’ નવલકથાને પારિતોષિક આપવામાં આવ્યું હતું. 1 નવેમ્બર 2001માં છત્તીસગઢ રાજ્યનું સુંદરલાલ શર્મા સન્માન તેમને આપવામાં આવ્યું હતું. તાજેતરમાં એમને સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ આ સન્માન મેળવનાર પહેલા ભારતીય અને એશિયાઈ લેખક છે.
છેલ્લા બે દાયકાથી વિનોદ કુમાર શુક્લએ હિન્દી વાર્તા, નવલકથા અને કવિતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.સાહિત્યજગતમાંએમનીઅલગ ઓળખાણ બની છે.
અનિલ રાવલ