શુક્લ, યજ્ઞેશ્વર
January, 2006
શુક્લ, યજ્ઞેશ્વર (જ. 1907, પોરબંદર, ગુજરાત; અ. 1986) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હળવદના બ્રાહ્મણ પરિવારમાં થયેલો. મૅટ્રિક્યુલેશન કર્યા પછી 1929માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં પ્રસિદ્ધ ચિત્રકાર જગન્નાથ અહિવાસી તથા પ્રિન્સિપાલ સોલોમન તેમના કલાગુરુ બનેલા. સહાધ્યાયીઓમાંથી અબ્દુર્રહીમ આલમેલકર, રસિકલાલ પરીખ, માર્કંડ ભટ્ટ, વિનાયક પુરોહિત અને શ્યાવક્ષ ચાવડા પછીથી વિખ્યાત ચિત્રકારો તરીકે નામના કાઢવાના હતા. એ અભ્યાસ 1934માં પૂરો થતાં ડિપ્લોમા સર્ટિફિકેટ લઈને યજ્ઞેશ્વર ઇટાલી ચાલ્યા ગયા. ત્યાં રોમ ખાતેની રૉયલ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થી બન્યા અને ભીંતચિત્રની ઇટાલિયન પદ્ધતિનો – તક્નીકનો અભ્યાસ કર્યો. આ ઇટાલિયન પદ્ધતિ એટલે ભીના – તાજા પ્લાસ્ટરમાં કરવામાં આવતું રંગકામ. – (વૅટિકનના સિસ્ટાઇન ચૅપલની ભીંતો અને છતના તાળવે આ જ પદ્ધતિએ ભીંતચિત્રો ચીતરાયાં છે.) આ ઉપરાંત ધાતુના સપાટ પતરાં અને લાકડાનાં પાટિયાં પર હાથે ખોતરકામ કરીને બ્લૉક બનાવી છાપકામ કરવાની ઇન્ટાલ્યોઍચિન્ગ અને ઍન્ગ્રેવિન્ગની પદ્ધતિ-તક્નીકનો પણ વિશદ અભ્યાસ તેમણે રોમની આ જ કલાશાળામાં કર્યો. ચાર વરસનો આ અભ્યાસ પૂરો કરીને એ ભારત પાછા આવ્યા. પરંતુ કલાના વિષયના કુલ નવ વરસના અભ્યાસથી યજ્ઞેશ્વરના માંહ્યલાને સંતોષ નહોતો. એમનો જિજ્ઞાસુ જીવ તો હજી નવા અનુભવો, અન્ય પ્રકારના કલાઅભ્યાસ માટે તડપતો હતો. ચિત્રકલાની એક સાવ નોખી શિસ્તની તાલીમ લેવા માટે યજ્ઞેશ્વરે હવે છ હજાર વરસની લાંબી કલાપરંપરા ધરાવતા દેશ ચીન પર પસંદગી ઉતારી. ચીનનાં બેજિંગ શહેરમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફાઇન આર્ટ્સ ઑવ્ ચાઇનામાં યજ્ઞેશ્વર કલાના વિદ્યાર્થી બની જોડાઈ ગયા અને 1947થી 1949 સુધી બે વરસ અભ્યાસ કર્યો. ચીનની કલા-પરંપરાએ ભારતીય કલાપરંપરામાંથી કેટલીક લઢણો અને બૌદ્ધ વિષયો ગ્રહણ કર્યા હોવા છતાં તે ભારતીય કલાપરંપરામાંથી સાવ જ જુદી તેમજ યુરોપિયન કલાપરંપરાથી પણ સાવ જુદી પડી જાય છે. આમ યજ્ઞેશ્વરને મુંબઈમાં અને રોમમાં ભારતીય અને યુરોપિયન પરંપરાનો સાક્ષાત્કાર થયો, તો ચીનમાં ચીની કલાપરંપરાનો. તેમનું સમન્વયવાદી વલણ પહેલેથી જ તેમના સ્વભાવ અને તેમની કલાનું એક મુખ્ય લક્ષણ બની રહ્યું.
ચીનથી અભ્યાસ પૂરો કરીને પાછા ફર્યા બાદ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1950થી ચિત્રકલાના પ્રાધ્યાપક તરીકે યજ્ઞેશ્વર જોડાયા. આ પદ ઉપર તે 1960 સુધી ચાલુ રહ્યા. ગુજરાત રાજ્યની સ્થાપના થતાં 1960થી 1964 સુધી ગુજરાત રાજ્ય શૈક્ષણિક બૉર્ડના ડ્રૉઇંગ અને હસ્તકલાવિભાગના નિરીક્ષક તરીકે તેમણે ચાર વરસ કામગીરી બજાવી. 1960થી 1966 સુધી કેન્દ્રીય લલિતકલા અકાદમીના એક્ઝિક્યુટિવ બૉર્ડના તેઓ સભ્ય રહેલા. કલાકારોના હાથે બનાવેલા બ્લૉક વડે છાપીને તૈયાર કરવામાં આવતાં ચિત્રો અંગેની ગ્રાફિક પ્રિન્ટ કૉન્ફરન્સમાં 1960માં ઑસ્ટ્રિયાના વિયેના ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે યજ્ઞેશ્વર ગયેલા. 1968થી 1970 સુધીનાં બે વરસ માટે તેમણે રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠમાં છાપચિત્રોના નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે સેવા આપેલી. 1983થી 1986 સુધી તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ચિત્રકલાના મુલાકાતી પ્રાધ્યાપક હતા.
યજ્ઞેશ્વરે કેટલીક પૌરાણિક વિષયોની ફિલ્મોના સેટ તૈયાર કરેલા. દિલ્હીના પાર્લમેન્ટ હાઉસની એક પૅનલ પરનું ભીંતચિત્ર તેમણે કર્યું છે.
ગુજરાતનાં મંદિરોનાં રતિભાવ પ્રેરક અને કામુક (ઇરોટિક) શિલ્પો તથા ખજૂરાહોનાં મંદિરોનાં શિલ્પો ઉપર સંશોધન કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તેમને ફેલોશિપ આપી હતી. 1939માં તેમણે ઇટાલીમાં રોમ ખાતે તથા 1947માં ચીનમાં બેજિંગ ખાતે પોતાનાં ચિત્રોનાં વ્યક્તિગત પ્રદર્શનો યોજ્યાં હતાં. 1934માં તેમને મેયો મૅડલ મળેલો. 1942માં તેમને મુંબઈ પ્રાંતના ગવર્નરનું ઇનામ મળ્યું હતું. 1958માં ન્યૂ દિલ્હી ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટીનું પ્રથમ ઇનામ મળ્યું હતું. 1959માં કોલકાતા ફાઇન આર્ટ્સ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળ્યો હતો. ન્યૂ દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, કેન્દ્રીય લલિતકલા અકાદમી, મુંબઈનું છત્રપતિ શિવાજી મ્યુઝિયમ (જૂનું નામ – પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ), વડોદરાનું બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી તથા ચંડીગઢનું પંજાબ ગવર્નમેન્ટ મ્યુઝિયમ – આ સર્વમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સંગૃહીત અને પ્રદર્શિત છે. પ્રસિદ્ધ ભારતીય કલાઇતિહાસકાર કાર્લ જે. ખંડાલાવાલાએ યજ્ઞેશ્વરની કલા અંગે લખેલું પુસ્તક ‘પેઇન્ટિન્ગ બાય વાય. કે. શુક્લ’ 1968માં પ્રકાશિત થયેલું. જાણીતા જર્મન કલા-ઇતિહાસકાર ડૉ. હર્માન ગોએત્ઝે પણ યજ્ઞેશ્વર ઉપર પુસ્તક લખ્યું છે જે 1982માં પ્રકાશિત થયેલું : ‘આર્ટ ઑવ્ શુક્લ’.
રાજસ્થાનનાં ભીંતચિત્રો વિશે યજ્ઞેશ્વરે લખેલું પુસ્તક ‘વૉલ પેઇન્ટિન્ગ્ઝ ઑવ્ રાજસ્થાન’ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલોજીએ 1980માં પ્રકાશિત કરેલું. કલાના સમગ્ર ઇતિહાસને આવરી લેતા યજ્ઞેશ્વરે લખેલા પુસ્તક ‘કલાની વાર્તા’ને આર. આર. શેઠની કંપનીએ 1975માં પ્રકાશિત કરેલું. આ ઉપરાંત ઇટાલી અને ચીનના આધુનિક અને પ્રાચીન કલાપ્રવાહો ઉપર યજ્ઞેશ્વરે ભારતીય સામયિકોમાં વખતોવખત લેખો લખ્યા છે. ઇટાલીનાં સામયિકોમાં તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક કલા અંગે લેખો લખ્યા છે.
યજ્ઞેશ્વરે પશ્ચિમ યુરોપના દેશ ઇટાલીની અને પૂર્વના દેશ ચીનની અસરો ઝીલીને તેનો ભારતીય સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. આમ, તેઓ સમન્વયવાદી છે. પરંતુ પ્રયોગ કરવા ખાતર પ્રયોગો કરીને પ્રયોગખોર એ કદી બન્યા નથી. આ લક્ષણ તેમની પ્રૌઢિનું નિર્દેશક છે.
આમ આદમીને જેમાં કોઈ ગતાગમ પડે નહિ તેવાં શિલ્પો અને ચિત્રો 1950 પછી ભારતમાં સર્જાવાં શરૂ થયાં ત્યારે એ ખ્યાલ ખાસ આવે છે કે પશ્ચિમની આધુનિકતાને એથી પણ બે દાયકા અગાઉ સમજી પચાવીને બેઠેલા યજ્ઞેશ્વરની પરિપક્વતા ઘણી ઊંચી હતી. એમણે આમ આદમી સાથેનું અનુસંધાન કદી ગુમાવ્યું નહિ. આજે જ્યારે પશ્ચિમમાં આધુનિકતાનાં વળતાં પાણી થયાં છે, આધુનિકતાવાદને ઘરડો થઈ ગયેલો, વાસી થઈ ગયેલો અને સડી ગયેલો ગણવામાં આવે છે ત્યારે યજ્ઞેશ્વરની દીર્ઘદૃષ્ટિ માટે ખાસ અહોભાવ થાય છે.
યજ્ઞેશ્વરના અવસાન બાદ તેમની યાદમાં ‘વાય. કે. શુક્લ ફાઉન્ડેશન’ની સ્થાપના થઈ છે, જે કલાપ્રવૃત્તિસંવર્ધક કાર્યક્રમો યોજે છે.
અમિતાભ મડિયા