શુક્લ, યજ્ઞેશ હરિહર (. 13 માર્ચ 1909, વલસાડ; . 13 ડિસેમ્બર 1981, મુંબઈ) : પીઢ પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા વિજયાબહેને ઉછેર્યા. 1925-26માં મૅટ્રિકમાં બે વાર નિષ્ફળ ગયા પછી મુંબઈમાં પિતરાઈ મોટાભાઈ જયકૃષ્ણ પાસે રહી દાવર્સ કૉલેજ ઑવ્ કૉમર્સમાં જોડાયા. અધવચ્ચે અભ્યાસ છોડી દઈ સામયિકોમાં લેખો-વાર્તાઓ લખવા માંડી. 1927માં મુંબઈના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘ગુજરાતી’માં જોડાયા. સનાતની સાક્ષર અને સાહિત્યના અભ્યાસી પત્રકાર અંબાલાલ બુલાખીરામ જાની પાસે પત્રકારત્વની તાલીમ લીધી.

‘ગુજરાતી’ પછી ‘હિન્દુસ્તાન-પ્રજામિત્ર’, ‘જન્મભૂમિ’ અને ‘વંદેમાતરમ્’માં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. શામળદાસ ગાંધી સાથે જૂનાગઢ ‘આરઝી હકૂમત’માં જોડાયા. ત્યારે તેમણે એકલે હાથે ‘વંદેમાતરમ્’નું તંત્ર સંભાળ્યું. શામળદાસના અવસાન બાદ ‘વંદેમાતરમ્’ બંધ પડતાં ‘જામે જમશેદ’ના માલિકોએ ‘પ્રજામત’ નામક દૈનિકનું તંત્રીપદ તેમને સોંપ્યું. ત્રીજા જ દિવસે હૃદયરોગના હુમલાને કારણે તે કામ અટક્યું.

યજ્ઞેશ હરિહર શુક્લ

બીમારીમાંથી ઊઠ્યા પછી 1955માં ‘મુંબઈ સમાચારે’ તેમને રોકી લીધા. 1958માં તે પત્રના અગ્રલેખ-લેખક તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું અને જીવનપર્યંત તેની સાથે સંકળાયેલા રહ્યા. તેઓ નિયમિતતા, ચીવટ અને ચોકસાઈના ખૂબ આગ્રહી હતા. તેમના વિશદ અને વિસ્તૃત અગ્રલેખોમાં રાજકીય, સામાજિક, આર્થિક તથા સાંસ્કારિક અનેકવિધ ક્ષેત્રોના એમના અભ્યાસની પ્રતીતિ થતી.

તેમણે 11 જેટલાં પુસ્તકો આપ્યાં છે. ‘ઈર્ષાની આગ’, ‘સુનીતા શ્રોફ એમ. એ.’, ‘જીવના સોદા’ નામક નવલકથાઓ ઉપરાંત ‘તૂટેલાં બંધન’, ‘એ પત્ની કોની ?’, ‘ગરીબની લક્ષ્મી’ તેમની અનૂદિત નવલો છે. તેમના ‘અર્ધું અંગ’, ‘ષોડશી’, ‘હૈયાસૂની’  એ 3 વાર્તાસંગ્રહો જાણીતા છે.

1929થી એક દસકા સુધી સ્ત્રી-માસિક ‘ગુણસુંદરી’નું સંપાદન પણ તેમણે કરેલું. જ્ઞાતિની ‘વિદ્યોત્તેજક સભા’ તથા મુંબઈના સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજની પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા હતા.

પોતાની ઘડતરકથા સાથે પત્રકારત્વક્ષેત્રની અનેક વિશિષ્ટ વ્યક્તિઓ તથા ઘટનાઓને વણી લેતાં ‘એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા’ અને ‘અર્ધી શતાબ્દીની અખબાર-યાત્રા’ નામનાં બે ઉત્તમ પુસ્તકો તેમણે આપ્યાં છે. 1968માં ઉત્તર મુંબઈની રોટરી ક્લબે એમના સંસ્કારની છાંટવાળા માહિતીસભર અને નીડરતાભર્યા અગ્રલેખોની કદર રૂપે ‘સ્વ. બેન્જામિન ગાઇ હૉર્નિમૅન’ના નામનો વર્ષના શ્રેષ્ઠ પત્રકારને અપાતો પુરસ્કાર તેમને અર્પણ કરાયો હતો.

બળદેવભાઈ કનીજિયા