શુક્લ, નથુરામ સુંદરજી (. 18 માર્ચ 1862; . 18 એપ્રિલ 1923) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર અને નાટ્યસંસ્થાના માલિક. વતન વાંકાનેર (જિ. રાજકોટ). પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં. બાલ્યકાળથી જ સાહિત્ય પ્રત્યે અનોખી ચાહના. તેમણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમની બુદ્ધિપ્રતિભાથી ધ્રાંગધ્રા(સૌરાષ્ટ્ર)ના રાજવી ખુશ થયા અને એમને વિશેષ અભ્યાસ માટે કાશી મોકલ્યા. કાશીમાં સંસ્કૃત કાવ્ય, અલંકારશાસ્ત્ર અને નાયિકાભેદનો અભ્યાસ કર્યો. વૈદરાજ લક્ષ્મીશંકર નરોત્તમ ભટ્ટને ગુરુપદે સ્થાપી તેમની પાસેથી સંસ્કૃત સાહિત્યના વૈદકનો અભ્યાસ કર્યો. હરિસિંહજીએ એમને રાજકવિ તરીકેનું સ્થાન આપ્યું. તેમણે ‘કૃષ્ણબાળલીલા’ અને ‘પ્રતાપ પ્રતિજ્ઞા’ નાટકોનું સર્જન કર્યું.

નથુરામ સુંદરજી શુક્લ

વિવિધ નાટ્યસંસ્થાઓએ એમનાં લખેલાં નાટકો ભજવ્યાં. શ્રી વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળીએ ‘સતી સોન યાને હલામણ જેઠવો’, ‘હરિશ્ર્ચંદ્ર’ (1896 પહેલાં), ‘ગુમાનસિંહ’ (1905 પહેલાં), ‘કબીરવિજય’, ‘માધવ કામકુંડલા’ (1907); શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક કંપનીએ ‘સીતાસ્વયંવર’ (1897), ‘ચંદ્રકાન્ત’ (1899), ‘ઇંદુમતી’ (1904), ‘નરસિંહ મહેતા’ (1906), ‘ધ્રુવકુમાર’ (1909), ‘સૂર્યકમળ’ (1919); શ્રી વાંકાનેર સત્યબોધક નાટક કંપનીએ ‘તુકારામ’ (1907); શ્રી પાલિતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપનીએ ‘નટી-નટવર’ (1908); શ્રી વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક સમાજે ‘ભક્તિવિજય’, ‘બિલ્વમંગળ યાને સુરદાસ’, ‘નાગરભક્ત’ (1909), ‘શહેનશાહ અકબર’ (1910), ‘યોગકન્યા’ (1911); શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજે ‘પિતૃભક્ત પ્રભાકર’ (1914) અને શ્રી આર્યનૈતિક નાટક સમાજે ‘પદ્માવતી યાને જયદેવ’ (1916) નાટકો ભજવેલાં. આમ વિવિધ નાટ્યસંસ્થાઓએ એમનાં નાટકો ભજવ્યાં હતાં. રણછોડભાઈ ઉદયરામ દવે રચિત નાટક ‘હરિશ્ર્ચંદ્ર’ તેમણે હિંદીમાં લખ્યું અને તે શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક મંડળી દ્વારા ભજવાયું; પરંતુ હિંદીમાં હોવાથી રંગમંચ પર એ નિષ્ફળ નીવડ્યું. 1891માં તેમણે પોતાની માલિકીની શ્રી વાંકાનેર વિદ્યાવર્ધક નાટક મંડળી નામે સંસ્થા શરૂ કરી અને તેમનાં રચેલાં નાટકો ભજવ્યાં. કવિને નાટ્યસંસ્થાના સંચાલનનો અનુભવ નહિ હોવાથી 1907માં આ સંસ્થા બંધ કરવી પડી. એમના લખેલાં ‘બિલ્વમંગળ ઉર્ફે સૂરદાસ’ અને ‘નાગરભક્ત નરસિંહ મહેતા’ નાટકો પ્રશંસા પામ્યાં હતાં. ‘આંખ વિના અંધારું રે, સદાય આંખ વિના અંધારું’ (નાટક : ‘સૂરદાસ’), ‘વ્હાલા વેગે આવો રે, દયા દિલે લાવો રે’ (નાટક : ‘નરસિંહ મહેતા’), ‘ઝીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચૂંદલડી’ વગેરે ગીતો લોકપ્રિયતા પામ્યાં હતાં. તેઓ સાંગોપાંગ નાટ્યલેખક હતા. એમનાં 20 નાટકો જુદી જુદી સંસ્થાઓએ ભજવ્યાં હતાં.

એમણે ‘શૃંગારસરોજ (1904)’ અને ‘ભરતનાટ્યશાસ્ત્ર’નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. તેમનો ‘સંગીતશાસ્ત્ર’ ગ્રંથ 1918માં પ્રકાશિત થયો હતો.

શ્રી આર્યનૈતિક નાટક સમાજના માલિક નકુભાઈ કાળુભાઈ શાહે એમની પાસે ‘પદ્માવતી યાને જયદેવ’ નાટક લખાવવા માટે (1916માં) રૂ. 10 હજાર જેટલો ખર્ચ કર્યો હતો. શ્રી વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક સમાજના માલિક ત્રંબકલાલ રામચંદ્ર ત્રવાડીએ કવિની કદર કરી એમણે લખેલ નાટક ‘બિલ્વમંગળ ઉર્ફે સૂરદાસ’ની લાભરાત્રીનો પ્રયોગ 9 નવેમ્બર 1909ના રોજ  યોજ્યો હતો. 1909માં એમના લખેલા ‘બિલ્વમંગળ યાને સૂરદાસ’ નાટકમાં લવજી મયાશંકર ત્રવાડીએ ‘સૂરદાસ’ની ભાવસભર ભૂમિકા ભજવી રંગમંચે કીર્તિ પ્રાપ્ત કરી હતી. લવજી મયાશંકર ત્રવાડીની શ્રી સૂરવિજય નાટક મંડળીએ ‘બિલ્વમંગળ ઉર્ફે સૂરદાસ’ નાટકનું હિંદીમાં રૂપાંતર કરીને પરપ્રાંતોમાં નાટક ભજવી નાટ્યતખ્તા પર નામના મેળવી હતી.

ગુજરાતી રંગભૂમિની શરૂઆત હતી તે સમયે કવિએ (1895થી 1919 સુધી) એમનાં નાટકો દ્વારા ગુજરાતી રંગભૂમિના પાયાને વધુ સંગીન બનાવ્યો હતો.

ધીરેન્દ્ર સોમાણી