શુક્લ, નંદુભાઈ દામોદર
January, 2006
શુક્લ, નંદુભાઈ દામોદર (જ. 18 માર્ચ 1903, શહેરા, જિ. પંચમહાલ; અ. 22 મે 1990, અમદાવાદ) : ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના વિજેતા. તેઓ વીસમી સદીના જાગ્રત, બહુશ્રુત, વિદ્યા અને વિદ્યાર્થીનિષ્ઠ શિક્ષક-આચાર્ય હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ શહેરા (1910-1911), વેજલપુર (1914-1916), દાહોદ (1917) અને ગોધરા(1917)માં તથા સન 1918થી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે મેળવ્યું હતું. ગુજરાત કૉલેજમાંથી બી. એ. (1925 અંગ્રેજી અને સંસ્કૃત સાથે), 1937માં અંગ્રેજી અને ગુજરાતી સાથે એમ.એ. અને પાછળથી કોલ્હાપુરની શિક્ષણ કૉલેજમાંથી શિક્ષણશાસ્ત્રમાં બી.ટી.ની ઉપાધિ પણ મેળવી (1938-39).
સન 1924ના નવેમ્બર મહિનામાં બીરપુર (ખેડા જિલ્લો) મુકામે કમળાદેવી સાથે તેમનાં લગ્ન થયેલાં. તેમનાં પત્નીની હૃદયની નિખાલસતા, સર્વ પ્રત્યેની આત્મીયતા, ગૃહવ્યવસ્થા અને સામાજિક બાબતો પરત્વેની વ્યાવહારિકતાએ નંદુભાઈને ઘણી રાહત અને શક્તિ પૂરાં પાડેલાં. તેમનું અવસાન નંદુભાઈના અવસાન બાદ, દોઢ વર્ષે 4થી જાન્યુઆરી, 1992ના રોજ થયેલું.
1926માં અમદાવાદની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર નંદુભાઈ પાછળથી 1945માં આચાર્ય તરીકે પસંદગી પામ્યા. 1955માં અમદાવાદ શહેરના જમાલપુરમાં નવજીવન હાઈસ્કૂલની શરૂઆત કરી. 1990માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એટલે કે 65 વર્ષ સુધી શિક્ષણના ક્ષેત્રમાં સક્રિય કામગીરી બજાવી બહુમૂલ્ય પ્રદાન કર્યું.
શિક્ષણના કાર્યને કલાત્મક કેવી રીતે બનાવી શકાય તેનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડનાર નંદુભાઈએ નવજીવન હાઈસ્કૂલને શિક્ષણના સિદ્ધાંતોની પ્રયોગશાળા બનાવી હતી. ઘનિષ્ઠ વર્ગશિક્ષણની સાથોસાથ નવાં પરિવર્તનોને ઝીલીને નાટ્ય તથા વક્તૃત્વ, સાહિત્ય તથા વિજ્ઞાન, વ્યાયામ તથા ક્રિકેટ, ફૂટબૉલ કે વૉલીબૉલ જેવી રમતો દ્વારા તથા વિજ્ઞાન ક્લબ તથા સાહિત્યમંડળ કે Interact ક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની ચેતનાને ઉજાગર કરવાનો તેમણે પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. આ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પાછળથી તેમની કારકિર્દીમાં ખૂબ મહત્વનાં સ્થાન પ્રાપ્ત કર્યાં હતાં. આ નવજીવન હાઈસ્કૂલમાં સર્વધર્મસમભાવવાળું, કોમી એખલાસભર્યું વાતાવરણ સર્જવામાં નંદુભાઈ પ્રેરકબળ બની રહેલા. ત્યાં શિસ્ત, ચારિત્ર્યઘડતર અને સંસ્કારમાં કોઈ બાંધછોડ ચાલતી નહિ; તેથી ‘નંદુભાઈ એટલે શિસ્ત’ એવું સૂત્ર પ્રચલિત થયેલું. નંદુભાઈએ એક મિશન ધ્યેય તરીકે શિક્ષણને જીવનમાં વણી લીધું હતું. તેમણે પાછળથી એક પ્રાથમિક શાળા તથા સૂરજબા કન્યા વિદ્યાલય પણ શરૂ કર્યાં હતાં.
શાળાશિક્ષણની સાથે સાથે તેમણે શિક્ષણસંલગ્ન અન્ય સહાયક સંસ્થાઓમાં પણ નોંધપાત્ર કામગીરી બજાવી હતી. એસ. એસ. સી. બોર્ડ, પાઠ્યપુસ્તક-અભ્યાસક્રમ સમિતિ, પાઠ્યપુસ્તક પસંદગી સમિતિ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નિરીક્ષણ સમિતિ વગેરેમાં સક્રિય ભાગ લીધો હતો. માધ્યમિક શિક્ષક સંઘના સ્થાપક સભ્યોમાંના તેઓ એક હતા તેમજ તેના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. એસ.ટી.સી.ના વર્ગોમાં પણ તેમણે નિ:શુલ્ક સેવા આપીને શિક્ષકો તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો. અમદાવાદ આચાર્ય મંડળના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં શિક્ષકોના મતવિસ્તારમાંથી સભ્ય તરીકે તેઓ બે વખત ચૂંટાઈ આવ્યા હતા.
‘એકાંકી’ વાર્તાસંગ્રહ દ્વારા સર્જનાત્મકતા તથા ‘ગુજરાતનો નાથ’ નવલકથા પરની નોંધ પ્રસિદ્ધ કરીને તેમણે તેમની વિવેચનાત્મક દૃષ્ટિનો પરિચય આપ્યો હતો. જીવનના અંત સુધી શિક્ષણ, સાહિત્ય, રાજકારણ કે સમાજમાં આવી રહેલાં સારાં પરિવર્તનોને સમજવાની જિજ્ઞાસા અને સ્વીકારવાની તૈયારી એ તેમના જીવનનું ઉમદા પાસું હતું. ‘ડિફેન્સ રિવ્યૂ’ દ્વારા પ્રકાશિત થયેલ શિક્ષકોની ડિરેક્ટરીમાં જે ત્રણ કેળવણીકારોનો વિશિષ્ટ ઉલ્લેખ થયો છે તેમાંના એક નંદુભાઈ હતા. તેમની સમગ્ર શિક્ષણસેવાને લક્ષમાં લઈને, શિક્ષક દિન તરીકે ઊજવાતો સ્વ. રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને આપવામાં આવતો ઍવૉર્ડ 1965માં નંદુભાઈને આપવામાં આવેલો. તેમની કેળવણીવિષયક સેવાની કદર કરી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમના નામ પરથી ખમાસાગેટ, જમાલપુર પાસેના ચોકને ‘શિક્ષણકાર નંદુભાઈ દામોદર શુક્લ ચોક’ એવું નામ આપ્યું છે.
આજે પણ નંદુભાઈના સુપુત્ર ડૉ. શિલીનભાઈ M.D. (કૅન્સર હૉસ્પિટલમાં ડેપ્યુટી ડિરેક્ટર) તેમણે સ્થાપેલી શાળામાં મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે ઊંડો રસ લઈને તેના સંચાલન-વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે; તો તેમનાં પુત્રવધૂ શ્રીમતી ઉષાબહેન શિલીનભાઈ શુક્લ આચાર્યા તરીકે ઉમદા સેવા કરી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનો ઍવૉર્ડ મેળવવા જેટલી પાત્રતા દાખવી શક્યાં છે.
ડૉ. કાન્તિભાઈ રા. નાવડિયા