શુક્લ, દુર્ગેશ
January, 2006
શુક્લ, દુર્ગેશ (જ. 9 નવેમ્બર 1911, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 13 જાન્યુઆરી 2006, અમદાવાદ) : નાટ્યકાર, કવિ. વઢવાણના વતની. ભાવનગરમાં સ્નાતક થયા પછી 1938-49 દરમિયાન મુંબઈની ગોકળીબાઈ અને પીપલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક. પછી લેખનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યો. ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા અને નાટ્યસર્જન કરી ગાંધીયુગમાં તેમણે તેમની વિશિષ્ટ સર્જકતાનો પરિચય આપ્યો. કવિત્વ અને નાટ્યસૂઝથી સભર પ્રવાહી પૃથ્વી છંદમાં લખાયેલી પદ્યનાટિકા ‘ઉર્વશી’ (1933) તત્કાલીન પ્રતિષ્ઠિત વિવેચકો – બલવંતરાય ઠાકોર અને ડોલરરાય માંકડ જેવાનો આવકાર પામી
હતી. ઉર્વશી અને પુરુરવાના પ્રણયનું પદ્યરૂપક છેક 1933માં પૃથ્વી છંદમાં લખાયું એ દૃષ્ટિએ એનું વિશેષ મહત્વ છે. સંગ્રહની બીજી કૃતિ ‘અનાદરાનો યાત્રી’ પૃથ્વી છંદમાં રચાયેલી સૉનેટમાળા છે. એમના બીજા કાવ્યસંગ્રહો ‘ઝંકૃતિ’ (જેમાં શરૂઆતમાં ત્રીસ કાવ્યો ડૉ. અવસરેની રચનાઓના અનુવાદરૂપ છે, 1949), ‘તટે જુહૂના’ (1983) અને ‘પર્ણમર્મર’ (1985) પ્રસિદ્ધ થયા છે. સમાજના દલિતો-વંચિતોનાં ભાવસંવેદનોને આલેખતી વાર્તાઓ ‘પૂજાનાં ફૂલ’ (1934), ‘છાયા’ (1937), ‘પલ્લવ’ (1940) અને ‘સજીવન ઝરણાં’ (1957) સંગ્રહોમાં પ્રકાશિત થઈ છે. ‘વિભંગકલા’ (1937) નવલકથામાં પ્રણયવિકૃતિનો ઉપહાસ કરી નિર્મળ પ્રેમનો પુરસ્કાર થયો છે. એમનાં એકાંકીઓ ‘પૃથ્વીનાં આંસુ’ (1942), ‘ઉત્સવિકા’ (1949) અને ‘ઉલ્લાસિકા’(1956)માં સંગૃહીત છે, એમણે નૃત્યનાટિકાઓ પણ લખી છે – ‘કબૂતરનો માળો’ (1962) અને ‘જળમાં જકડાયેલાં’ (1964). બાલસાહિત્યની એમની પુસ્તિકાઓ છે – ‘ડોલે છે મંજરી’ (1957), ‘ડોસીમાનું તૂંબડું’ (1957), ‘મૃગાંક’ (1957), ‘છમછમાછમ’ (1957), ‘કલાધામ ગુફાઓ’ (1957) અને ‘શિશુસાહિત્યસૌરભ’ (ભાગ : 1-5, 1965). એમનાં કિશોર-ઉપયોગી નાટકોની ભજવણીથી આજના અનેક પ્રતિષ્ઠિત રંગકર્મીઓએ પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો, પરંતુ એ પછી એમનાં પ્રલંબ નાટકો અને પ્રહસનોથી દુર્ગેશ શુક્લ ખૂબ લોકપ્રિય નાટ્યકાર તરીકે સ્વીકારાયા. આ ત્રિઅંકી તખ્તાલાયક અને સુઘડ રચના ધરાવતાં નાટકો તે ‘સુંદરવન’ (1953), ‘પલ્લવી પરણી ગઈ’ (1957), ‘રૂપમ્ પ્રથમમ્’ (1958), ‘રૂપે રંગે રાણી’ (1960), ‘ઊગતી પેઢી’ અને ‘અંતે ઘર ભણી’ (1968)માંથી મુંબઈમાં જુદાં જુદાં જૂથો દ્વારા એક સાંજે એકસાથે ત્રણ-ચાર ભજવાતાં હોય એવું પણ નોંધાયું છે. ‘સુંદરવન’, ‘પલ્લવી’ અને ‘રૂપે રંગે રાણી’ તો પ્રહસન તરીકે સર્વકાલીન સર્વદેશીય સ્વીકૃતિ પામે એવી નાટ્યકૃતિઓ છે. ‘ઉર્વશી’ના પૃથ્વી છંદના પ્રયોગની જેમ જ દુર્ગેશ શુક્લનું 1953માં મોટું હિંમતભર્યું પ્રદાન તે નૉર્વેના નાટ્યકાર હેન્રિક ઇબ્સનના કાવ્યનાટ્ય ‘પિયર જીન્ટ’નો અનુવાદ ગણવું જોઈએ. એમનાં નાટ્યસર્જનો માટે ‘ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઍવૉર્ડ 2004’ એમને એનાયત થયો છે.
હસમુખ બારાડી