શુક્લતીર્થ
January, 2006
શુક્લતીર્થ : ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે.. તે ભરૂચથી ઈશાન તરફ નર્મદા નદીના ઉપરવાસમાં 15 કિમી.ને અંતરે બેટ રૂપે આવેલું છે. અહીં આવવા-જવા માટે નજીકનું રેલમથક ભરૂચ છે. અહીંથી માત્ર 8 કિમી.ને અંતરે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. ગામને જોડતો ‘ભરૂચ-નિકોરા’નો પાકો માર્ગ પણ છે. રાજ્ય પરિવહનની બસની બારેમાસ સગવડ મળી રહે છે.
આ સ્થળે નર્મદાનું વહેણ અર્ધચંદ્રાકારે અંતર્ગોળ વળાંકમાં વહે છે. સમુદ્રસપાટીથી આશરે 20 મીટર ઊંચાઈએ રહેલા આ બેટ પર કુંજ, કરકરા, સારસ વગેરે જેવાં પક્ષીઓ જોવા મળે છે. મે અને જાન્યુઆરીનું અહીંનું તાપમાન અનુક્રમે 40° સે. અને 8° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 600 મિમી. જેટલો પડે છે. 1948માં દુષ્કાળ-સમયે અહીં ઘાસચારાની તંગી ઊભી થઈ હતી, તે દરમિયાન અહીં પશુશિબિરની વ્યવસ્થા કરવામાં આવેલી.
અહીં શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી હાઈસ્કૂલ સુધીની સગવડ છે. આ ટાપુ પર બૅંક, પોલીસમથક, ટપાલકચેરી અને પુસ્તકાલય પણ છે. ગુજરાત પ્રવાસન-નિગમ દ્વારા આ સ્થળને વિહારધામ તરીકે પણ વિકસાવાયું છે. અહીં ઓમકારેશ્વર અને શુક્લેશ્વર મહાદેવનાં પ્રાચીન મંદિરો આવેલાં છે. સામે કાંઠે કબીરવડ આવેલો છે.
નીતિન કોઠારી