શીલે, કાર્લ વિલ્હેલ્મ
January, 2006
શીલે, કાર્લ વિલ્હેલ્મ (જ. 9 ડિસેમ્બર 1742; સ્ટ્રાલસુંડ, જર્મની; અ. 21 મે 1786, કૉપિંગ, સ્વીડન) : જર્મન રસાયણશાસ્ત્રી. શીલેએ ઔષધ-વ્યાપારી (apothecary) રસાયણવિજ્ઞાની તરીકે તાલીમ લીધેલી. તે સમયે મોટાભાગની દવાઓ છોડવાઓ, ખનિજો વગેરેમાંથી બનાવવામાં આવતી. ગોથેનબુર્ગમાં તેમણે એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કરેલું. રાસાયણિક પ્રયોગો કરવાની તેમની વિશિષ્ટ કાબેલિયતને કારણે તેમને અનેક ઑફરો મળતી, પરંતુ તેઓ મદદનીશ ઔષધશાસ્ત્રી તરીકે માલ્મો, સ્ટૉકહોમ, ઉપસ્સલા, કૉપિંગ વગેરે સ્થળોએ કામ કરતા રહ્યા. પ્રયોગો દરમિયાન તેમના શરીર ઉપર ઝેરી રસાયણોના સંસર્ગને કારણે તેની વિષાણુકતાથી કદાચ તેમનું ઘણું વહેલું મૃત્યુ થયું એમ મનાય છે.
શીલેએ 1774માં હાઇડ્રોક્લોરિક ઍસિડ તથા મૅંગેનીઝ ડાયૉક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા દ્વારા સૌપ્રથમ ખૂબ ક્રિયાશીલ લીલા રંગનો ક્લોરિન વાયુ બનાવ્યો. ક્લોરિન ખરેખર તો તત્વ છે, તેની ખબર 1810માં ડેવીનાં સંશોધનો દ્વારા પડી. આ અગાઉ 1773માં શીલેએ દર્શાવેલું કે હવા એક મિશ્રણ છે. તેના ઘટકોના તેમણે ‘અગ્નિ-હવા’ (fire air) તથા ‘દૂષિત હવા’ (foul air) એવાં નામ આપેલાં. તેમણે વિવિધ રીતો દ્વારા ઑક્સિજન પણ બનાવ્યો. (દા.ત., HgO અથવા KNO3 અથવા Hg(NO3)2ને ગરમ કરીને. અથવા MNO2ને H2SO4 સાથે ગરમ કરીને.) દુર્ભાગ્યે આ સંશોધન 1774 સુધી પ્રસિદ્ધ થઈ ન શક્યું. આથી 1774માં ઇંગ્લૅન્ડમાં પ્રિસ્ટલીએ ઑક્સિજનનું સંશોધન-પત્ર રજૂ કર્યું, જેથી આ શોધનું માન પ્રિસ્ટલીને મળ્યું. બંને સંશોધનો શીલે તથા પ્રિસ્ટલીનાં – પ્રાયોગિક રીતોમાં એકસરખાં હતાં તથા બંને ફ્લોજિસ્ટનવાદમાં માનનારા હતા.
શીલેએ 1770માં અનેક નવા ઍસિડો ફૉસ્ફૉરિક, મોલિબ્ડિક, ટંગસ્ટિક, આર્સેનિક તથા HF, SiF4, AsH3 જેવાં વિષાણુ તથા ક્રિયાશીલ સંયોજનો પણ બનાવ્યાં. 1770માં તેમણે ટાર્ટરિક ઍસિડ બનાવ્યો. આ ઉપરાંત શુદ્ધ લૅક્ટિક, ઑક્ઝેલિક તથા સાઇટ્રિક ઍસિડ પણ બનાવ્યાં. લગભગ શુદ્ધ હાઇડ્રોસાયનિક ઍસિડ પણ તેમણે બનાવ્યો અને તેનો સ્વાદ પણ નોંધ્યો. તેમના નામે શીલે ગ્રીન (કૉપર આર્સેનાઇટ) તથા શીલાઇટ (કૅલ્શિયમ ટંગસ્ટેટ) એ બે સંયોજનો છે.
43 વર્ષની ઉંમરે તેમનું અવસાન વિજ્ઞાનજગતમાં એક આઘાતજનક સમાચાર હતા.
જ. પો. ત્રિવેદી