શીરાઝ ચિત્રશૈલી
January, 2006
શીરાઝ ચિત્રશૈલી (14મી સદીથી 16મી સદી) : ઈરાનમાં પ્રાચીન પર્સિપોલિસ નગરનાં ખંડેરો નજીક આવેલ નગર શીરાઝની ચિત્રશૈલી. મૉંગોલ ખાન રાજવંશ દરમિયાન આ ચિત્રશૈલીનો પ્રારંભ થયેલો. કવિ ફિરદોસીના કાવ્ય ‘શાહનામા’ માટે પોલો રમી રહેલા શાહજાદા સેવાયુશને આલેખતું ચિત્ર આ ચિત્રશૈલીની પ્રથમ કૃતિ ગણાય છે. તેમાં લયાત્મક સુંદર રેખાઓ અને રંગો ભરીને પાણીથી ધોઈ નાંખીને આછા કરવાનાં લક્ષણો પણ દેખાય છે, જે આ ચિત્રશૈલીનાં વિશિષ્ટ લક્ષણો બની રહ્યાં. ઊંડાણ, ત્રીજું પરિમાણ અને પ્રકાશછાયાનો આ ચિત્રશૈલીમાં સદંતર અભાવ જોવા મળે છે. 1370માં ઈરાન પર તિમુરે કબજો જમાવ્યો. એના તિમુરિડ રાજવંશ દરમિયાન આશરે 1410માં આ ચિત્રશૈલી એની સુંદરતાની પરાકાષ્ઠાએ પહોંચી. હવેનાં ચિત્રોમાં સ્વપ્નિલ નયનરમ્ય માહોલ જોવા મળે છે. અગાઉ માણસોનાં ટોળેટોળાં ઊમટતાં જોવા મળતાં તેને સ્થાને છૂટીછવાઈ થોડી માનવ-આકૃતિઓ જોવા મળે છે અને એ લાંબી દેખાય છે; છતાં ચહેરા સ્તબ્ધ અને ભાવશૂન્ય છે. માનવ-આકૃતિઓની પાછળ નિસર્ગનું ચિત્રણ અને તે પણ થોડાઘણા ત્રિપરિમાણવાળા પરિપ્રેક્ષ્ય સાથે કરવામાં આવે છે. નીલા, ગુલાબી, ભૂખરા અને જાંબલી રંગોની આછી મધુર છટાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.
પંદરમી સદીની મધ્યમાં તુર્કમાન રાજવંશે શીરાઝ કબજે કર્યું. તે પછી આ ચિત્રશૈલીના રંગો વધુ ઘેરા બન્યા, કાળા રંગનો પણ ઉપયોગ ખૂબ વધ્યો; અને માનવ-આકૃતિઓના ચહેરા ભાવપૂર્ણ બન્યા. ઇબ્ન હુસામના કાવ્ય આવારાનનામા’ માટેનાં પોથી ચિત્રો શીરાઝ ચિત્રશૈલીના આ છેલ્લા તબક્કાના શ્રેષ્ઠ નમૂના છે.
અમિતાભ મડિયા