શીરડી : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં આવેલું ધાર્મિક સ્થળ. ભૌગોલિક સ્થાન : 19° 53´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે. તેની ઉત્તરે કોપરગાંવ, પૂર્વે પુનામ્બા અને નૈર્ઋત્યે તળેગાંવ શહેરો આવેલાં છે. શીરડીની પૂર્વે પસાર થતી ગોદાવરી નદીએ ફળદ્રૂપ મેદાની જમીનોની રચના કરી છે.
‘સંતોની ભૂમિ’ તરીકે જાણીતા બનેલા અહમદનગર જિલ્લામાં આવેલાં અનેક ધાર્મિક સ્થળો પૈકી શીરડીનું મહત્વ અનેરું છે. અહીં સાંઈબાબાની સમાધિ આવેલી છે, સમાધિના સ્થાનક પર ભવ્ય મંદિર બાંધવામાં આવેલું છે. હિન્દુ-મુસ્લિમ સહિત વિવિધ કોમોના લોકો અહીં દર્શનાર્થે આવે છે. યાત્રાળુઓ માટે અહીં આવાસો તેમજ જમવાની વ્યવસ્થા છે. કોપરગાંવ અને અહમદનગર રેલજંક્શનથી મોટરમાર્ગે શીરડી પહોંચી શકાય છે. ગુજરાતનાં મુખ્ય શહેરોથી પણ મોટરમાર્ગે અહીં સુધી જઈ શકાય છે. અહીં ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અને ચિકિત્સાની સુવિધાઓ ઊભી કરાયેલી છે. વર્ષભર હજારો ભક્તો આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે.
નીતિન કોઠારી