શીમળો : દ્વિદળી વર્ગના બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Salmalia malabarica (DC.) Schott & Endl. Bombax ceiba Linn. syn. B. malabaricum DC; Gossampinus malabarica (DC.) Merr. (સં. શાલ્મલી, મ. સાવરી; હિં. સેમલ; બં. સિમુલ; ક. વુરલ એલન, યવલત દમર, યેલવડા; તે. રૂગચેટુ, બુરુંગા; તા. ઇલાવુ, શાનમલી; મલ. મલ્લિલંબુ; અં. સિલ્ક કૉટન ટ્રી) છે. તે એક અતિ ઊંચું (40 મી. સુધી), પર્ણપાતી (deciduous), આધારયુક્ત (butressed) મજબૂત અને સખત છાલશૂળો (prickles) ધરાવતું વૃક્ષ છે. તેનો ઘેરાવો 6 મી. કે તેથી વધારે હોય છે અને મુખ્ય થડ 24 મી.થી 30 મી. ઊંચું હોય છે. 30 વર્ષ કે તેથી વધારે ઉંમરનાં વૃક્ષો આધારયુક્ત હોય છે. ભારત અને આંદામાનમાં તેનું પુષ્કળ પ્રમાણમાં વિતરણ થયેલું છે. પહાડો પર 1,500 મી. કે તેથી વધારે ઊંચાઈએ થાય છે. જ્યારે વૃક્ષ પુષ્પનિર્માણ કરે છે ત્યારે પર્ણો ખરી પડે છે અને જ્વાળાઓના લાલ રંગ જેવાં આકર્ષક દેખાય છે. તેઓ વૃક્ષવીથિકામાં, રસ્તાની બંને બાજુએ, ઉદ્યાનોમાં અને જંગલોમાં ઉગાડાય છે. તેની શાખાઓ સમક્ષિતિજ રીતે વધતેઓછે અંશે ચક્રાકારે પ્રસરતી હોય છે. તેની છાલ આછો ભસ્મનો કે રૂપેરી-ભૂખરો રંગ ધરાવે છે અને શરૂઆતમાં લીસી હોય છે. પાછળથી તે ખરબચડી અને ઊભી તિરાડો ધરાવે છે. પર્ણો મોટાં અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત હોય છે. પર્ણિકાઓ 5થી 7 અરોમિલ, ભાલાકાર, 10થી 20 સેમી. લાંબી અને અણીદાર હોય છે. વસંતઋતુ શરૂ થતાં ચળકતાં કિરમજી રંગનાં, નારંગી કે પીળાં કમળ જેવાં પુષ્પો (વ્યાસ 10થી 13 સેમી.) શાખાને છેડે ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. ફળ પ્રાવર પ્રકારનાં, લંબ-અંડાકાર, કાષ્ઠમય, 10થી 19 સેમી. x 3.5થી 6 સેમી. કદનાં હોય છે. બીજ અસંખ્ય, પ્રતિઅંડાકાર, લીસાં, 6થી 9 મિમી. લાંબાં, તૈલી અને ઘટ્ટ, રેશમી રોમો વડે આવરિત હોય છે. ફળનું સ્ફોટન થાય ત્યારે મુલાયમ રેશમી રૂ નીકળે છે. વૃક્ષની છાલમાંથી લાલ રંગનો ચીકણો ગુંદર નીકળે છે. તેને ‘મોચરસ’ કહે છે. તે ઔષધ તરીકે વપરાય છે.

આ વૃક્ષનાં મૂળ ‘મૂસલા’ કે ‘સેમૂલ મૂસલા’ તરીકે ઓળખાય છે. 3થી 4 માસના છોડનાં મૂળ 30થી 35 સેમી. લાંબાં અને રસદાર હોય છે. એક વર્ષના છોડનાં મૂળ 40થી 45 સેમી લાંબાં કંદ જેવાં ને ખાદ્ય હોય છે.

શીમળાનું વૃક્ષ

તે ઉપહિમાલયી પ્રદેશ અને નિમ્ન ઘાટીનાં પર્ણપાતી જંગલોમાં અને નદીકિનારે જંગલોના કાંપયુક્ત સવાનામાં, તે સાલ(Shorea robusta)નાં જંગલોમાં, દક્ષિણ ભારતમાં સૂકાં અને ભેજવાળાં મિશ્ર પર્ણપાતી જંગલોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને આસામનાં મિશ્ર સદાહરિત જંગલોમાં થાય છે. ઉત્તરપ્રદેશ અને બિહારના ભાથર માર્ગમાં જંગલોનાં ખુલ્લાં ચરાણનાં મેદાનોમાં ખૂબ સામાન્ય છે.

આ વૃક્ષને ઊંડી રેતાળ-ગોરાડુ મૃદા અનુકૂળ આવે છે. ખીણોની ઊંડી કાંપયુક્ત મૃદામાં તેની મહત્તમ વૃદ્ધિ થાય છે. જો મૃદા ઊંડી હોય  અને સારા નિતારવાળી હોય તો પહાડોના ઢોળાવો ઉપર પણ તે સારી રીતે ઊગે છે. તેની વૃદ્ધિ માટેનું મહત્તમ અનુકૂલતમ તાપમાન 34°થી 49° અને લઘુતમ 3.5°થી 17.5° છે. સમગ્ર વર્ષ દરમિયાન સમાનપણે વિતરણ પામેલા વરસાદવાળી જગાઓએ તે સારી રીતે થાય છે. જરૂરી વાર્ષિક વરસાદ 75 સેમી.થી 460 સેમી. છે.

આ વૃક્ષ પ્રકાશાપેક્ષી (light-demander) અને શુષ્કતારોધી (drought-resistant) છે, પરંતુ તીવ્ર હિમની તેની ઉપર અસર થાય છે.

તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. કટકારોપણ અને ગુટી જેવી કૃત્રિમ પદ્ધતિ દ્વારા પણ પ્રસર્જન કરાવી શકાય છે. શરૂઆતમાં નાના છોડને ઢોરો કે ઘેટાં-બકરાં ખાઈ જાય છે, તેથી તેને રક્ષણ આપવું જરૂરી છે. નાના છોડ પાણી વિના નાશ પામતા હોવાથી નિયમિત પાણી આપતાં રહેવું અનિવાર્ય છે.

શીમળાને ફૂગ દ્વારા કેટલાક રોગો થાય છે. Ganoderma lucidum દ્વારા મૂળનો સડો થાય છે. પાનનાં ટપકાંનો રોગ Cladotrichum folicola, Phyllosticta, bombacis, Glomerella singulata, Corynaspora spp., Colletotrichum gloeosporioides, Cercospora (Pseudocercospora) bombacina દ્વારા થાય છે. Dicellomyces spp. દ્વારા વાંકડિયાં પાનનો રોગ થાય છે. નર્સરીના છોડમાં કાંઠ(collar)નો સડો Rhizoctonia solani દ્વારા થાય છે. કાષ્ઠનો નાશ કરનારી કેટલીક ફૂગ Tremeter corrugata, T. meyenii, T. personii, Lentinus sajor-caju, Polyporus friabilis દ્વારા સફેદ પોચો સડો; Polystictus hirsutus દ્વારા રસકાષ્ઠ(sapwood)નો પોચો સડો; Schizophyllum commune દ્વારા કાબરચીતરો રસકાષ્ઠનો સડો અને Pleurotus flabellatus દ્વારા સફેદ રસકાષ્ઠનો સડો થાય છે. શીમળાના લાકડા ઉપર Aspergillus, Penicillium, Trichoderma, Mucor વગેરે ફૂગની વૃદ્ધિ થાય છે અને સપાટી જુદા જુદા રંગની બને છે. Botryodiplodia, Alternaria, Fusarium જેવી ફૂગ લાકડાની સપાટી તેમજ અંદરના લાકડાને અસર કરે છે.

પાનનો સુકારો Corticium spp. દ્વારા અને ગેરુનો રોગ Uredobombacis દ્વારા થાય છે. પિન્ક રોગ Corticium salmonicolor દ્વારા થાય છે.

કેટલાક કીટકો શીમળાના વૃક્ષ પર આક્રમણ કરે છે, પરંતુ તેઓ ખૂબ નુકસાન પહોંચાડતા નથી. Tonica niviferana પ્રરોહ-વેધક (shoot-borer) છે. મિશ્ર કરતાં શુદ્ધ વાવેતરમાં વધારે જોખમ રહેલું છે. Batocera rufomaculata અંત:કાષ્ઠ(heartwood)નું વેધન કરે છે; જેથી કેટલીક વાર સમગ્ર વૃક્ષનો નાશ થાય છે. Diapromorpha melanopus, Dermidophorus hebes, Hypomeces squamosus, Myllocerus lineaticollis, Lagria spp. Adoretus bimarginatus, Apogonia ferruginea, Hyposidra successaria સામાન્ય વિપત્રકો (defoliators) છે. Petasobathra sirina, Aleurolobus simulus અને Tenaphalara elongataની ઇયળો પર્ણો અને રસ ઉપર જીવે છે. કેટલાક ભમરા અને ઇયળો મૃતકાષ્ઠનું વેધન કરે છે. દરિયાઈ વેધકોમાં Teredo, Bankia અને Martesia જેવી કેટલીક મૃદુકાય પ્રજાતિઓ દરિયાઈ પાણીમાં વહાણના ઇમારતી લાકડા પર આક્રમણ કરે છે.

રસકાષ્ઠ અને અંત:કાષ્ઠ સામાન્યત: ઓળખી શકાતાં નથી. છતાં કેટલાંક કાષ્ઠમાં કેટલીક વાર મધ્યભાગ વધારે ઘેરા રંગનો, ગુલાબી-બદામીથી માંડી લાલ-બદામી હોય છે. કાષ્ઠ સફેદ કે આછા ગુલાબી રંગનું હોય છે અને ખુલ્લું થતાં આછા પીળાશ પડતા બદામી રંગનું બને છે. આસામ, ઓરિસા અને પશ્ચિમ કિનારે  ખાસ કરીને ખડકાળ વિસ્તારોમાં મળી આવતું તેનું લાલ રંગનું કાષ્ઠ સફેદ રંગના કાષ્ઠ કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળું હોવાનું મનાય છે. કાષ્ઠ સુરેખ-કણિકામય, સમ અને જાડા ગઠનવાળું, ખૂબ હલકું (વિ. ગુ. આશરે 0.39; વજન 175થી 545 કિગ્રા.,/ઘમી.) અને ખૂબ પોચું હોય છે. ખુલ્લામાં રાખેલા કાષ્ઠનો રંગ ઊડી જાય છે અને તેના પર કીટકો અને ફૂગનું આક્રમણ થાય છે. તેને પાણીમાં ડુબાડેલું રાખવામાં આવે તો નુકસાન થતું અટકે છે.

કાષ્ઠ વાયુ-સંશોષિત (air-seasoned) હોઈ શકે, છતાં ક્લીન- સંશોષણ વધારે પસંદ કરવામાં આવે છે. તેના પર કરવતકામ અને ખરાદીકામ સહેલાઈથી થઈ શકે છે. તેના કાષ્ઠની સાગના કાષ્ઠ સાથેની તુલનાત્મક ઉપયુક્તતા (ટકાવારીમાં) આ પ્રમાણે છે : વજન 56 %, પાટડા તરીકેનું સામર્થ્ય 45 %, પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 45 %, થાંભલા તરીકેની ઉપયુક્તતા 46 %, આઘાત-અવરોધનક્ષમતા 50 %, આકારની જાળવણી 94 %, અપરૂપણ (shear) 46 %, સપાટીની કઠિનતા 33 %, વિપાટન (splitting) આંક 38, સ્ક્રૂ-ગ્રહણનો ગુણધર્મ 56 %.

કાષ્ઠનો ઉપયોગ ખાસ કરીને દીવાસળીનાં ખોખાં, હલકું પ્લાયવૂડ, રમકડાં, બ્રશના હાથા, કૉફિન, ચા અને ફળનાં ખોખાં વગેરે બનાવવામાં થાય છે.

બીજની ફરતે રેશમી રેસાઓ આવેલા હોય છે, જેને ભારતીય કેપૉક કહે છે. કપાસની જેમ આ રેસાઓ બીજ ઉપરથી ઉદ્ભવતા નથી, પરંતુ પ્રાવરની અંદરની બાજુએથી ઉત્પન્ન થાય છે. મૂળ કેપૉક (Ceiba pentandra) કરતાં તેઓ વધારે બદામી-પીળા હોય છે. ભારતીય કેપૉક હલકો, તારકશક્તિવાળો (buoyant), સ્થિતિસ્થાપક, પ્રતિસ્કંદી (resilient) અને જલપ્રતિકર્ષી (water- repellent) હોય છે. તારકશક્તિ, વજન-સહિષ્ણુક્ષમતા (weight-bearing capacity) અને જલાક્રાન્તિ(waterlogging)થી મુક્તિ બાબતે તે મૂળ કેપૉકના જેવા જ કે વધારે ઉચ્ચ ગુણધર્મો ધરાવે છે. તે પ્રતિસ્કંદતા (resilience) બાબતે મૂળ કેપૉક કરતાં નિમ્ન કક્ષાનું છે અને તેની ગંધ વાંધાજનક હોય છે; જે તેની નિકાસ માટે નુકસાનકારક છે. ભારતીય કેપૉક અને મૂળ કેપૉકના રેસાઓનાં માપ અનુક્રમે આ પ્રમાણે છે : લંબાઈ 17.78થી 27.94 મિમી., 15.24થી 27.94 મિમી.; વ્યાસ 0.01524થી 0.03392 મિમી.; 0.01524થી 0.02794 મિમી.. બંને કેપૉકમાં શુષ્કતાને આધારે સેલ્યુલોઝનું પ્રમાણ 61 %થી 64 % હોય છે. ભારતીય કેપૉકમાં ભસ્મ 2.7 % અને મૂળ કેપૉકમાં 1.3 % હોય છે.

ભારતીય કેપૉકના રેસાઓ ભરણ-રેસાઓ (filling fibres) છે. તેઓ જીવાતરોધી (vermin proof) હોવાથી તેમનો ઉપયોગ રજાઈ, ગાદી, તકિયા અને ઓશીકાં ભરવામાં થાય છે. તેનો જીવનરક્ષક ઓજારો બનાવવામાં ઉપયોગ થાય છે. રેફ્રિજરેટરમાં, ધ્વનિરોધક આવરણો કે દીવાલોમાં તેનો ઉપયોગ રોધકદ્રવ્ય (insulating material) તરીકે થાય છે. નાજુક માલસામાનના સુવેષ્ટન(packing) દ્રવ્ય તરીકે પણ તે ઉપયોગી છે. તેના ગુણધર્મો ગુમાવ્યા સિવાય 110°એ શુષ્ક રોગાણુનાશન (sterilization) થઈ શકતું હોવાથી શલ્યપ્રક્રિયા પછી ગાદીયુક્ત (padded) વ્રણોપચાર(dressings)માં તે વપરાય છે.

થડમાં 1.5 સેમી. ઊંચે કાપો મૂકી ઇથેફૉન લગાડવાથી, ઇંજેક્શન આપવાથી 10થી 12 દિવસમાં ગુંદરનો સ્રાવ શરૂ થાય છે. 2 મિલી. પાણીમાં 480 મિગ્રા. ઇથેફૉનના દ્રાવણથી પ્રત્યેક વૃક્ષ 378 ગ્રા. ગુંદર આપે છે. 7થી 10 દિવસ પછી ગુંદર નીકળવાનો બંધ થાય છે.

ગુંદર પાણીમાં લગભગ અદ્રાવ્ય છે, પરંતુ તે પાણી શોષીને ફૂલે છે. શુદ્ધ ગુંદરમાં 8.9 % ખનિજદ્રવ્ય હોય છે અને કેટેચોલ ટેનિન ધરાવે છે. તેનું પૂર્ણ જલાપઘટન (hydrolysis) કરતાં L-એરેબિનોઝ D-ગેલેક્ટોઝ, D-ગેલેક્ચ્યુશેનિક ઍસિડ અને અતિઅલ્પ પ્રમાણમાં રહેમ્નોઝ ઉત્પન્ન થાય છે. ગુંદરમાં ટેનિક અને ગેલિક ઍસિડ હોય છે. તેને ભસ્મ અને દિવેલીના તેલ સાથે મિશ્ર કરી, તે દ્વારા ખાંડ ઉકાળવા માટેનાં લોખંડનાં વાસણોની તિરાડો પૂરવામાં આવે છે.

ગુંદર સ્તંભક (astringent), ઉત્તેજક (stimulant), બલ્ય (tonic), પરિવર્તક (alterative), રક્તસ્તંભક (styptic) અને શામક (demulcent) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ તીવ્ર મરડો, ફેફસાંનો ક્ષય, ઇન્ફ્લુએન્ઝા અને અત્યાર્તવ(menorrhagia)ના રક્તવમન(haemoptysis)ની ચિકિત્સામાં થાય છે.

બીજમાંથી આછા પીળા રંગનું તેલ (22.3 %) ઉત્પન્ન થાય છે. તે ખાદ્ય તેલ છે અને કપાસિયાના તેલની અવેજીમાં તેનો ઉપયોગ થાય છે. તેનો સાબુની બનાવટમાં અને પ્રદીપક (illuminant) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય કેપૉક અને મૂળ કેપૉકના બીજનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 11.40 %, 13.10 %; અશુદ્ધ પ્રોટીન 36.5 %, 26.25 %; લિપિડ 0.80 %, 7.47 %; કાર્બોદિતો 24.70 %, 23.19 %; અશુદ્ધ રેસો 19.90 %, 23.19 % અને ખનિજદ્રવ્ય 6.70 %, 6.10 %; પોષક ગુણોત્તર 1 : 0.7. તેનાં બીજનો ખોળ મૂળ કેપૉક કરતાં વધારે પ્રોટીન ધરાવે છે. તે ઢોરો માટેનો ઉત્તમ ખોરાક છે; કારણ કે તેમાં કપાસના બીજમાં રહેતો ગોસીપોલ નામનો વિષાક્ત ઘટક હોતો નથી, અથવા તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે.

પુષ્પકલિકાઓને ‘સેમરગુલ્લા’ કહે છે અને તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. મૂળને ભૂંજીને શક્કરિયાંની જેમ ખાઈ શકાય છે. પર્ણો અને કુમળી શાખાઓનો ચારા તરીકે ઉપયોગ થાય છે. છાલનો ઉપયોગ પણ દુષ્કાળ સમયે ખાવામાં થાય છે.

મૂળમાં સિફેલિન અને શ્લેષ્મ હોય છે. બે વર્ષની વનસ્પતિના મૂળના છાલરહિત, શુષ્ક અને સફેદ ગરના ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 7.5 %, ખનિજદ્રવ્ય 2.1 %, પ્રોટીન 1.2 %, લિપિડ 0.9 %, સ્ટાર્ચ 71.2 %, પૅક્ટિક સંયોજનો 6.0 %, સેલ્યુલોઝ 2.0 %, ફૉસ્ફેટિડ (સિફેલિન) 0.3 %, સેમલ-રેડ 0.5 %, ટેનિન 0.4 %, નોનટેનિન 0.1 %, શર્કરાઓ (એરેબિનોઝ અને ગૅલેક્ટોઝ) 8.2 %. તરુણ મૂળમાં શર્કરાઓ, સ્ટાર્ચ અને પૅક્ટિક પદાર્થો વધારે અને તેલ, રંગીન દ્રવ્ય અને સેલ્યુલોઝ ઓછો હોય છે.

પુષ્પકલિકાઓ અને વજ્રના તાજા નમૂનાઓનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 85.66 %, 85.14 %; અશુદ્ધ પ્રોટીન 1.38 %, 1.56 %; ઈથર-નિષ્કર્ષ 0.44 %, 0.51; કાર્બોદિતો 11.95 %, 13.87 %; ખનિજદ્રવ્ય 1.9 %, 1.00 %; કૅલ્શિયમ 92.25 મિગ્રા., 95.0 મિગ્રા.; ફૉસ્ફરસ 49 મિગ્રા., 41 મિગ્રા. અને મૅગ્નેશિયમ 54.24 મિગ્રા., 64 મિગ્રા./100 ગ્રા.. કાચા વજ્રનાં પ્રોટીન, ફૉસ્ફરસ દ્રવ્ય અને ઈથર-નિષ્કર્ષ ગાજર, મૂળા, સલગમ, કોબીજ વગેરે સાથે સામ્ય ધરાવે છે.

છાલ શ્લેષ્મી હોય છે અને તેનો આસવ શામક તરીકે અપાય છે. બાહ્ય રીતે તેનો રક્તસ્તંભક તરીકે અને ઘા ઉપર શેક કરવામાં ઉપયોગ થાય છે. છાલનો મલમ ત્વચા પર થતા ફોલ્લાઓ પર લગાડવામાં આવે છે. પ્રકાંડની છાલનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : કુલ જલીય નિષ્કર્ષ 9.92 %, ટેનિન 3.01 % અને નૉન્-ટેનિન 6.91 %. અંત:છાલમાંથી પ્રાપ્ત થતા રેસાઓ દોરડાં બનાવવામાં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર શીમળાનું વૃક્ષ શીતળ, પિચ્છલ, વૃષ્ય, બળકર, મધુર, તૂરું, લઘુ, સ્નિગ્ધ, શુક્રલ, રસાયન અને ધાતુવર્ધક ગણાય છે. તે પિત્ત, રક્તદોષ અને રક્તપિત્તનો નાશ કરે છે. તેની છાલનો રસ ગ્રાહક, તૂરો અને કફનાશક હોય છે. તેનાં પુષ્પ અને ફળ સ્વાદુ, કડવાં, શીતળ, ગુરુ, રુક્ષ, વાતલ અને ગ્રાહક હોય છે. તેઓ કફ, પિત્ત અને રક્તદોષનો નાશ કરે છે. તેના કંદ મધુર અને શીતળ હોય છે અને મલસ્તંભ, પિત્ત, દાહ, શોક અને સંતાપનો નાશ કરે છે. મોચરસ હિમ, ગ્રાહક, સ્નિગ્ધ, વૃષ્ય, પુદૃષ્ટિકારક, ધાતુવર્ધક, તૂરો, વર્ણકારક, બુદ્ધિપ્રદ, વયસ્થાપક, ગુરુ, સ્વાદુ, કફકર, ગર્ભસ્થાપક, રસાયન અને વાતનાશક હોય છે. તે પ્રવાહિકા, અતિસાર, આમપિત્ત, રક્તદોષ અને દાહમાં ઉપયોગી છે.

તેનો પ્રદર, મૂત્રકૃચ્છ્ર, વીંછીનો દંશ, ગરમીનો આજાર, અગ્નિદગ્ધવ્રણ, બરોળ, વીર્યપતન તથા શરીરના પાકેલા ભાગ પર; સુરામેહ, ઠંડા પ્રમેહ, જીર્ણાતિસાર, અતિસાર અને મૂત્રમાંથી ધાતુ કે ખર જતું હોય તે ઉપર; હૃદ્રોગ અને શીતળા ન થાય તે માટે ઉપયોગ થાય છે.

તેના કંદમાંથી કૅલ્શિયમ વધારે પ્રમાણમાં મળે છે.

પ્રહલાદભાઈ ભો. પટેલ

એસ. શ્રીરામ

બળદેવભાઈ પટેલ