શીન, જોહાન હર્માન (Schein, Johann Hermann)
January, 2006
શીન, જોહાન હર્માન (Schein, Johann Hermann) (જ. 20 જાન્યુઆરી 1585, ગ્રુન્હેઇન (Grunhain), સેક્સોની, જર્મની; અ. 19 નવેમ્બર 1630, લાઇપઝિગ, જર્મની) : જર્મન સંગીત-નિયોજક. ઇટાલિયન બરોક શૈલીનો જર્મનીમાં પ્રસાર કરવામાં શુટ્ઝ (Schütz) અને પ્રાટોરિયસ (Praetorius) સાથે તેનો પણ મહત્વનો ફાળો છે.
શીન સાત વરસનો હતો ત્યારે તેના પિતા મૃત્યુ પામેલા. પિતા એક શિક્ષક હતા. તેનું કુટુંબ હવે ડ્રૅસ્ડન જઈ વસ્યું. તેર વરસની ઉંમરે ડ્રૅસ્ડન દરબારના કપેલમેઇસ્ટર પાસે શીને સંગીતની તાલીમ લેવા માંડી તથા ત્યાંના ચૅપલના કોયરમાં તેનાં તાર-સપ્તકોમાં (સોપ્રાનો) ગાતો. 1603માં લાઇપઝિગ યુનિવર્સિટીમાં તે વિદ્યાર્થી તરીકે દાખલ થયો, પણ તુરત જ તે છોડીને નૉમ્બર્ગ ખાતે શુપ્ફોર્તા-(Schupforta)માં તેણે ચાર વરસ સંગીતનો અભ્યાસ કર્યો. ત્યાર પછી લાઇપઝિગ પાછા ફરી લાઇપઝિગ યુનિવર્સિટીમાં ચાર વરસ સુધી કાયદાનો અભ્યાસ કર્યો; પરંતુ આ ચાર વરસો દરમિયાન પણ તેની સાંગીતિક પ્રતિભાની નામના ફેલાતી જતી હતી. 1615માં વીમાર (Weimar) ખાતે થૉમસ્કર્ખ(Thomaskirche)ના કપેલમેઇસ્ટર તરીકે તેની નિમણૂક થઈ. આ પદ ઘણું જ મોભાદાર હતું. બે ચર્ચમાં વૃંદગાન અને સંગીતના સિદ્ધાંતો શીખવવાની જવાબદારી તેની હતી.
ધાર્મિક તેમજ બિનધાર્મિક કંઠ્ય સંગીતના નિયોજક તરીકે તેની પ્રતિષ્ઠા વધતી ગઈ. પોતાની બિનધાર્મિક રચનાઓમાં તો શબ્દરચના પણ શીન પોતે જ કરતો. સત્તરમી સદીના પૂર્વાર્ધના જર્મનીના ત્રણ મહાન સંગીત-નિયોજકોમાં સેમ્યુઅલ શીટ (Scheidt) અને હીન્રિખ શુટ્ઝ (Heinrich Schütz) સાથે શીને જીવતેજીવ જ સ્થાન મેળવી લીધું. એના સંગીતમાં ઇટાલિયન સંગીતનો અને તેમાં પણ વેનિસ ઘરાણાનો સ્પષ્ટ પ્રભાવ છે. એની મહત્વની રચનાઓ આ પ્રમાણે છે :
(1) સિમ્બેલમ સાયોનિયમ (Cymbalum Sionium) (1615)
(2) બાન્કેતો મુસિકાલે (Banchetto Musicale) (1617)
(3) ઑપેલા નૉવા (Opella Nova) (1618)
(4) દિલેતી પાસ્તોરાલી (Diletti Pastorali) (1624)
(5) કૉન્ફેશન (Konfession) (1627).
અમિતાભ મડિયા