શીન કાફ નિઝામ (26 નવેમ્બર 1945, જોધપુર) : પ્રતિષ્ઠિત ઉર્દૂ સમીક્ષક, કવિ અને સાહિત્ય સંપાદક. શીન કાફ નિઝામ તેમનું પેન નામ છે. તેમનું મૂળ નામ શિવ કિસન બિસ્સા છે. તેઓ એક મારવાડી હિંદુ પરિવારમાં જન્મેલા હોવા છતાં ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષામાં પણ નિપુણ હતા. તેમણે વ્યાવસાયિક કારકિર્દી વીજ વિભાગમાં કરી હતી, પરંતુ હૃદયથી તેઓ સાહિત્યકાર રહ્યા.

શીન કાફ નિઝામ
આધ્યાત્મિકતા, દર્શનશાસ્ત્ર અને સંવેદનશીલતાથી ધબકતી કવિતાઓ તેમણે લખી છે. ‘લમ્હોં કી સલીબ’, ‘નાદ’, ‘દશ્ત મેં દરિયા’, ‘ભીડ મેં અકેલા’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેમના પુસ્તક ‘ગુમશુદા દૈર કી ગુંજતી ઘંટિયા’ માટે તેમને 2010માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળેલ છે. તેઓ એક નિષ્ણાત સાહિત્યવિવેચક પણ છે. જેમણે ‘લફ્ઝ દર લફ્ઝ’ અને ‘માની દર માની’ લખ્યા છે. તેમણે ઘણાં હિંદી અને ઉર્દૂ પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. તેમણે ઉર્દૂ સાહિત્યના ધ્રુવ તારા સમાન ‘દીવાન એ ગાલિબ’ અને ‘દીવાન એ મીર’ને હિંદી લિપિમાં સંપાદિત કર્યા છે. તેમણે મિર્ઝા ગાલિબ અને મંટો જેવા મહાન સાહિત્યકારો પર પણ લખ્યું છે. તેઓ એક ઉત્તમ અનુવાદક પણ છે. તેમણે હિંદી અને ઉર્દૂ વચ્ચે ઘણા અનુવાદો કર્યા છે. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુશાયરામાં ભાગ લીધો છે. ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી શીન કાફ નિઝામનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાંના થોડાક છે રાષ્ટ્રીય ઇકબાલ સન્માન, બેગમ અખ્તર ઍવૉર્ડ, રાજસ્થાન રત્ન ઍવૉર્ડ, ગૌરવ રત્ન પુરસ્કાર, 2010ના સાહિત્ય અકાદમી ઍવૉર્ડનો પણ આમાં સમાવેશ થાય છે. 2025માં ભારત સરકાર દ્વારા શીન કાફ નિઝામને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ ઍવૉર્ડ તેમના પાંચ દાયકાથી વધુની સાહિત્ય સેવાનું પ્રમાણપત્ર છે. તેમનાં કાવ્યો શાસ્ત્રો, સૂફી વિચારધારા અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભો આપે છે. ‘રેકતા’ જેવી ઉર્દૂ પત્રિકાઓમાં શીન કાફ નિઝામનું વિશાળ રેખાચિત્ર જોવા મળે છે. ભારતીય ચલચિત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો દિલીપકુમાર અને ગુલઝાર સાથે તેમની મિત્રતા રહી છે.
આજે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ સાહિત્ય પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેમનું નામ ભાષાત્મક ભવ્યતા અને ભાવનિક ઊંડાણ સાથે જોડાય છે. તેઓ ભારતની વિવિધ ભાષાઓ અને સાહિત્ય પરંપરાઓ વચ્ચે એક સાંસ્કૃતિક પુલ સમાન છે. ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યમાં અવિનાશી છાપ છોડનાર આ કવિની સાહિત્ય સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
હિના શુક્લ