શીતપિત્ત (શીળસ; urticaria) : શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ.

રોગસ્વરૂપ : જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ પડતાં અને ખૂજલી, દાહ તથા તીવ્ર પીડાવાળાં ઢીમણાં પેદાં કરે છે; તે રોગને આયુર્વેદમાં ‘શીતપિત્ત’ અને લોકભાષામાં ‘શીળસ’ કહે છે. પ્રાય: આ ઢીમણાં 1થી 3 દિન અસ્થાયી રૂપે રહે છે; પરંતુ કદીક દોષ વધુ ગંભીર હોય ત્યારે આ રોગ સપ્તાહો કે મહિનાઓ સુધી લંબાય છે.

રોગ થવાનાં કારણો : શીળસ કે શીતપિત્તનું દર્દ પ્રાય: ઠંડી અને ગરમ બે વિરોધાભાસી ખાદ્ય ચીજો એકસમયે ખાવાથી કે એવી ટેવને કારણે થાય છે. કદીક વિરુદ્ધ આહાર તો કદીક શરીરની અંદર રહેલા કૃમિદોષ કે કરોળિયાની જાળ પેટમાં જવાથી પણ શીતપિત્ત થાય છે. આહારમાં વાયુ અને કફદોષને વધુ પ્રકોપાવે તેવા ખૂબ ઠંડા, મીઠા, ચીકણા, ભારે કે વાયડા ને લૂખા પદાર્થોના વધુ સેવનથી પિત્ત દૂષિત થઈ તે રક્તમાં ભળીને ત્વચાની નીચે અનેક સ્થળે ખાસ કરીને, હાથ-પગ, છાતી, મુખ, પીઠ જેવાં અંગો પર નાનાં, મોટાં, અનિયમિત આકાર-પ્રકારનાં ઢીમણાં પેદા કરે છે; જે દાહ, ખૂજલી અને પીડા કરે છે. શીળસમાં આ ઢીમણાંનો રંગ જરા રતાશ પડતો સફેદ હોય છે.

આધુનિક વિજ્ઞાન આ રોગને ‘અર્ટિકેરિયા’ કહે છે, તે થવાનું કારણ વિષમોર્જતા(allergy)ને માને છે. જે કોઈ અસાત્મ્ય (પ્રતિકૂળ) પ્રોટીન તત્વના સેવનથી પેદા થાય છે; ખરાબ (સડેલું) માંસ, માછલી, ઈંડાં, ટાંડર, મધમાખી જેવા અલ્પ ઝેરી જંતુઓના દંશ, અંકુશમુખ કૃમિ (hookworm) વગેરેનાં કારણોથી આ રોગ થાય છે. કદી કદી સ્નાન પછી ટુવાલથી તીવ્ર ઘર્ષણ કરવાથી, તો કદીક કોઈ તાસીરને માફક ન આવતી દવાની પ્રતિક્રિયાને કારણે, કદીક કોઈ માફક ન આવે તેવી ખાદ્ય વસ્તુના સેવનથી, તો કદીક માનસિક ઉદ્વેગ કે કોઈ રોગની જીર્ણ (ક્રોનિક) અસરને કારણે પણ શીતપિત્ત રોગ થાય છે. ટૂંકમાં, આયુર્વેદની દૃષ્ટિએ આ રોગમાં શરદી (કફ) અને પિત્ત (ગરમી) બંને દોષથી મિશ્ર હોય છે. આ રોગની ગંભીર સ્થિતિમાં ઊલટી, તાવ તથા દાહ થાય છે.

પ્રકારાન્તર : શીતપિત્ત રોગને ઘણાં મળતાં અન્ય ત્વચાશ્રિત-અસ્થાયી થતા રોગો આયુર્વેદ વિજ્ઞાનના મતે  કોઠ કે ઉત્કોઠ અને ઉદર્દ છે. જે ઢીમણાં ખૂબ ખૂજલીવાળાં, લાલ રંગનાં થાય છે, તેમને નવાં હોય તો ‘કોઠ’ અને જૂનાં થાય ત્યારે ‘ઉત્કોઠ’ કહે છે. આની ખાસિયત એ છે કે તે ઢીમણાં વચ્ચે ખાડો અને કિનારી ઉપસેલી હોય છે. જે ત્વચામાં થતાં ઢીમણાંમાં કફ અને વાયુ દોષ મુખ્ય રહે છે અને ઢીમણાંનો રંગ સફેદ કે પાણી જેવો અથવા મધમાખી કરડવાથી થતાં ઢીમણાં જેવો થાય છે, તેમને ‘ઉદર્દ’ કહે છે.

રોગના સાદા ઉપચારો : (1) ગળો, હળદર, કડવો લીમડો (છાલ) અને ધમાસાનો ઉકાળો કરી સવાર-સાંજ રોજ લેવાય છે. (2) લીમડાનાં પાનનું ચૂર્ણ ઘી-મધ સાથે લેવાય છે. (3) અજમો અર્ધી ચમચી 10 ગ્રામ ગોળ સાથે સવાર-સાંજ ખાલી પેટે 7 દિન ચાવીને લેવાય છે. (4) ત્રિફળા, હળદર અને ગળોનું ચૂર્ણ 5 ગ્રામ જેટલું ગરમ પાણી કે મધ સાથે લેવાય છે. (5) સિંધાલૂણનું બારીક ચૂર્ણ કરી, ઘીમાં મેળવી ખૂજલી પર ઘસવામાં આવે છે અથવા અડાયા છાણાની વસ્ત્રગાળ કોરી ભસ્મ (રાખ) શરીર પર ખૂબ મસળવામાં આવે છે. મરીનું બારીક ચૂર્ણ પણ ઘીમાં મેળવી શીળસ પર ઘસી શકાય છે અથવા તુલસીના પાનનો રસ હળદરનું ચૂર્ણ ઉમેરી શરીરે ચોળાય છે. (6) કુંવાડિયાના મૂળનું ચૂર્ણ એક વાર સવારે મધમાં અને સાંજે ઘી સાથે રોજ ચાટી શકાય છે. (7) ફુદીનો, હળદર અને ગળો કે કારેલાનાં પાનનો ઉકાળો કરી, તેમાં ચપટી મરી ચૂર્ણ તથા સાકર મેળવી રોજ સેવન કરવાથી શીળસ મટે છે.

આયુર્વેદ શાસ્ત્રોક્ત ઔષધો : હરિદ્રાખંડ અવલેહ, આર્દ્રક ખંડ અવલેહ, શીતપિત્ત-ભંજનરસ, શ્લેષ્મપિત્તાન્તક રસ, પટોલાદિ-ક્વાથ, અગ્નિમાંદ્ય ચૂર્ણ, માલિસ માટે કરંજ + નિમ્બ-તેલ; મહામરિચ્યાદિ-તેલ, સરસવ-તેલ.

પરેજી : આ રોગમાં ઠંડા પાણીથી સ્નાન; તાપ-તડકાનું વધુ સેવન; ખાટાં-તીખાં, મીઠાં, ભારે પદાર્થોનું સેવન ત્યાજ્ય છે. આ રોગમાં ચોખા, મગ, ઘઉં, બાજરી, પરવળ, જવ, કારેલાં, કળથી ગરમ પાણી તથા સૂકા મૂળાનું સેવન લાભ કરે છે. ટૂંકમાં આ રોગમાં મુખ્યત્વે કડવા-તૂરા રસવાળો સાદો ખોરાક લેવો હિતાવહ છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા