શિશુવધ (infanticide) : એક વર્ષ કે તેથી ઓછી વયના શિશુનો વધ. તેને કાયદાની પરિભાષામાં હત્યા (murder) ગણવામાં આવે છે. જન્મથી 12 મહિના સુધીની વયના બાળકને શિશુ (infant) કહે છે; પરંતુ જો જન્મ સમયે નવજાત શિશુ કાલપૂર્વ અથવા અપરિપક્વ (premature) હોય તો તે સમયે તેણે જીવનક્ષમતા (viability) પ્રાપ્ત કરેલી છે કે નહિ તે નક્કી કરવું જરૂરી ગણાય છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 210મા દિવસ પછી ગર્ભશિશુ જીવનક્ષમ (viable) ગણાય છે. એનો અર્થ એ થાય કે તે માતાના શરીરની બહાર પોતાની રીતે જીવી શકે તેમ હોય છે. ક્યારેક સમયગાળો 180 દિવસ જેટલો ટૂંકો પણ હોઈ શકે; તેથી ગર્ભાવસ્થાના 6 મહિનાથી પહેલાં જન્મેલા શિશુના મૃત્યુ સમયે શિશુવધની સ્થિતિ સર્જાઈ શકતી નથી, કેમ કે તેટલો અપરિપક્વ નવજાત શિશુ જીવનક્ષમ નથી અને તે માતાના શરીરની બહાર પોતાની રીતે જીવી શકતો નથી. અંગ્રેજી કાયદો ફક્ત માતા પોતાના શિશુની હત્યા કરે તે સ્થિતિને આવરી લે છે. આવી હત્યામાં સાથ આપનાર પણ હત્યાનો અપરાધી ગણાય છે. સામાન્ય રીતે આવું જન્મ પછી તરત થતું હોય છે માટે મહત્વનો ન્યાયતબીબી મુદ્દો એ છે કે જન્મ સમયે શિશુ જીવિત હતું કે મૃત્યુ પામેલું હતું તે નક્કી કરવું અને સજીવ શિશુને આક્રમક ક્રિયા વડે મારવામાં આવ્યું છે કે નહિ તે જણાવવું.
સંપૂર્ણ પ્રસવને અંતે નવજાત શિશુએ એક વખત પણ શ્વાસ ન લીધો હોય અને તેનો જન્મ 28 અઠવાડિયાંની સગર્ભાવસ્થા પછી થયો હોય તો તેને મૃતશિશુજન્મ (still birth) કહે છે; પરંતુ જો ગર્ભાશયમાં જ ગર્ભશિશુ મૃત્યુ પામ્યું હોય અને પ્રસવ સમયે તે મૃદુશવીય (macerated) અથવા શુષ્કશવીય (mummified) અવસ્થામાં અવતરે છે. મૃદુશવીય શિશુનો મૃતદેહ પોચો, ઢીલો અને ચપટો હોય છે અને તેમાંથી મીઠી ગંધ આવે છે. તેની ચામડી લાલ કે જાંબલી થાય છે, પરંતુ કોહવાટથી થતો લીલો રંગ જોવા મળતો નથી. ચામડી પર લાલ પ્રવાહીના ફોલ્લા હોય છે. શરીરના અવયવો જલસભર અને સૂજેલા હોય છે. ખોપરીનાં હાડકાંના સાંધા ખૂલી જાય છે અને મગજ ભૂખરા લાલ રંગનો પોચો પદાર્થ બને છે. લગભગ બધા જ અવયવોની સંરચના બદલાઈ જાય છે, પરંતુ ફેફસાં અને ગર્ભાશય અસરગ્રસ્ત થતાં નથી. ગર્ભશિશુનાં આવરણો લાલ, લીસાં, પોચાં અને જાડાં હોય છે. જો મૃત્યુ પછી આવરણોમાં છેદ પડે તો તેમાં હવા પ્રવેશે છે અને શિશુશવ કોહવાય છે. જો ગર્ભશિશુની આસપાસ ગર્ભજલ ઓછું હોય અને તેનો લોહીનો પુરવઠો અસરગ્રસ્ત થયો હોય તો શિશુશવ શુષ્ક બને છે જેમાં ગર્ભશિશુનું શિશુશવ સુક્કું અને કરમાઈને ગડીઓવાળું હોય છે. તેના શવને શુષ્કશવીય કહે છે. આવા મૃદુ અને શુષ્કશવીય દેહ સાથે મરેલી સ્થિતિમાં જન્મતા શિશુને શવજન્મવાળું શિશુ (dead born) કહે છે અને તેને મૃતશિશુજન્મવાળા શિશુ(still born)થી અલગ પાડવામાં આવે છે. શિશુવધની શંકાવાળી સ્થિતિમાં જન્મ વખતે શિશુ જીવતો હતો તે જાણવું જરૂરી બને છે. જન્મ વખતે જીવતા શિશુવાળા પ્રસવને સજીવજન્મ (live birth) કહે છે. નવજાત શિશુનું રુદન, તેના હૃદયના ધબકારા જોવા, અનુભવવા કે સાંભળવા, આંખનાં પોપચાંના મિચકારા થવા અથવા ગર્ભનાળની નાડી ધબકવી વગેરેમાંથી કોઈ એકને પણ નોંધવામાં આવે તો તેને સજીવજન્મ કહે છે. કાલપૂર્વ અથવા અપૂર્ણ પક્વતાવાળા શિશુમાં ક્યારેક રુદન ન થાય તોપણ સજીવજન્મ હોઈ શકે છે. નવજાતશિશુના મૃતદેહનું શવપરીક્ષણ કરીને જન્મસમયે શિશુ જીવતો હતો કે નહિ તે અંગે અનુમાન કરી શકાય છે. તેમાં તેની છાતીનો આકાર, ઉરોદરપટલનું સ્થાન, ફેફસાં, જઠર, આંતરડાં, મૂત્રપિંડ, મૂત્રાશય અને મધ્યકર્ણમાં થયેલા ફેરફારો નોંધવામાં આવે છે. શિશુના મૃતદેહની ચામડીના રંગ, શીર્ષસ્થ શોફન (caput succedaneum), ગર્ભનાળમાં અને રુધિરાભિસરણમાં ફેરફારો વગેરેથી જન્મ પછી શિશુ કેટલો સમય જીવિત હતો તે અંગે અનુમાન કરી શકાય છે. જન્મ સમયે માથાના પ્રથમદર્શી ભાગ પર પ્રવાહી ભરેલો જે સોજો થાય છે તેને શીર્ષસ્થ શોફન કહે છે. નવજાત શિશુના મૃતદેહના શવપરીક્ષણમાં સૌથી મહત્વની એ માહિતી મેળવવા પ્રયત્ન કરાય છે કે મૃત્યુનું કારણ શું હતું. શું તે અપરિપક્વતા, દુર્બળતા, રુધિરસ્રાવ, કુરચના, ઓરનો રોગ, સ્વરપેટીનું સતતાકુંચન (spasm) કે ગર્ભીય રક્તબીજકોષિતા (erythroblastosis foetalis) જેવાં કુદરતી કારણોસર થયું હતું કે અન્ય આકસ્મિક અથવા અપરાધી કારણોથી મૃત્યુ થયું હતું ? આકસ્મિક કારણોમાં લાંબો ચાલેલો પ્રસવ, ગર્ભનાળ પર દબાણ કે તેનો અપભ્રંશ (prolapse), ગર્ભનાળમાં ગાંઠ પડવી કે તે ડોકની આસપાસ વીંટળાઈ જઈને અમળાઈ જવી (twisting), ગર્ભને ઈજા થવી, પ્રસવકાળે માતાનું મૃત્યુ થવું, જન્મ પછી ગૂંગળામણ થવી, માતાની જાણ બહાર અચાનક પ્રસવ થઈ જવો વગેરેનો સમાવેશ થાય છે. અપરાધી કાર્યો તરીકે ભૌતિક ઈજા (ગૂંગળામણ, ગળું દબાવી દેવું, ડુબાડી દેવું, માથાનાં હાડકાંનો અસ્થિભંગ, ડોકના મણકા ભાંગવા, ઘાવ થવો વગેરે) કે ઝેરી અસર નિપજાવવી હોઈ શકે છે. આ અપરાધી કાર્યો સહેતુક કરાયેલાં હોય છે. ક્યારેક કોઈ જવાબદારી કે કાર્યને પરિપૂર્ણ ન કરીને પણ મૃત્યુ નિપજાવી શકાય છે; જેમ કે સમયસર યોગ્ય પ્રકારની તબીબી સહાય ન આપવી, ગર્ભનાળને બરાબર ન બાંધવી, માતાના શરીરમાંથી નીકળતા બહિ:સ્રાવોથી શિશુને દૂર ન કરવું, શિશુને ગરમી-ઠંડીથી રક્ષણ ન આપવું, શિશુને તેની ઉંમર પ્રમાણે અનુકૂળ અને અનુરૂપ ખોરાક ન આપવો વગેરે. ક્યારેક ત્યજી દેવાયેલું બાળક પણ મૃત્યુ પામે છે અને ત્યારે તે અપરાધ બને છે.
શિલીન નં. શુક્લ