શિવશંકરન્, તિ. ક. (જ. 30 માર્ચ 1925, તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ વિવેચક અને અનુવાદક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મતિપ્પુરૈકળ પેટ્ટિકળ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજીના જાણકાર છે. તેઓ 20 વર્ષ સુધી બૅંકમાં સેવા આપ્યા બાદ સોવિયેત ઇન્ફર્મેશન વિભાગના સંપાદકમંડળના સભ્ય તરીકે 25 વર્ષ કાર્યરત રહ્યા તેમજ તમિળ સાહિત્યિક માસિક ‘તમરાઈ’ના સંપાદક રહ્યા.
તેમણે 4 વિવેચનગ્રંથો પ્રગટ કર્યા છે, જેવા કે ‘તિ. ક. સી-યિન તિરાનઇવુગલ’, ‘વિમર્શ તમિળ’, ‘વિમર્શનંકળ મતિપ્પુરૈકળ પેટ્ટિકળ’ અને ‘મન ગુહાઈ ઓવિયંગલ’. તેમણે 6 રશિયન અને 2 ચીની નવલકથાઓ તમિળમાં અનૂદિત કરી છે.
તેમને ચેન્નાઈ સિંધુ પથીપગમ પુરસ્કાર, ચેન્નાઈ તમિળ સાનરોર પેરાવૈ પુરસ્કાર અને લિલી દેવાસિગામણિ સાહિત્યિક પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘વિમર્શનંકળ મતિપ્પુરૈકળ પેટ્ટિકળ’ વિવેચન-વિદ્યા સંબંધિત નિબંધોનો સંગ્રહ છે. તેમાંની તમિળની મહત્વપૂર્ણ કૃતિઓની સમાલોચના તેમજ સાહિત્યના અસરકારક ક્ષેત્ર અને સમાજમાં તેની ભૂમિકા વિશે અંતર્દૃષ્ટિસંપન્ન વ્યાખ્યાને કારણે આ કૃતિ ભારતીય આલોચનાની તમિળમાં લખાયેલ અગત્યની કૃતિ તરીકે સન્માનિત કરાઈ છે.
બળદેવભાઈ કનીજિયા