શિલ્પકલા (shaping art)
અર્થ, પ્રકારો અને માધ્યમો : રૂપપ્રદ કલાઓમાંની એક કલા. શિલ્પ એ ઘાટ આપનારી કલા છે. શિલ્પમાં ત્રણ પરિમાણોલંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ(જાડાઈ)ને ધ્યાનમાં રાખવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ શિલ્પના બે પ્રકાર છે : (1) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : જે શિલ્પનું કોતરકામ ચારેય બાજુ કરવામાં આવ્યું હોય તેમજ જેનું સમ્મુખ દર્શન, પાર્શ્ર્વદર્શન અને પશ્ચાદ્દર્શન કરી શકાય તેવાં શિલ્પો પૂર્ણમૂર્ત પ્રકારનાં છે. (2) અંશમૂર્ત શિલ્પો (sculpture in relief) : આ પ્રકારનાં શિલ્પોમાં પશ્ચાદ્દર્શન થઈ શકતું નથી. તેમને કોઈ ફલક કે સપાટી પર ઉપસાવવામાં આવ્યાં હોય છે. અંશમૂર્ત શિલ્પના પણ ત્રણ પ્રકાર પડે છે અલ્પમૂર્ત શિલ્પ (low or base relief), અર્ધમૂર્ત શિલ્પ (half relief) અને અધિકમૂર્ત શિલ્પ (high relief). અલ્પમૂર્ત શિલ્પોનો ઉઠાવ ઘણો જ આછો અથવા સામાન્ય રેખાઓ દ્વારા ઉપસાવેલો હોય છે. અર્ધમૂર્ત શિલ્પોમાં જાડાઈમાં લગભગ અડધો ભાગ કોતરેલો હોય છે. અધિકમૂર્ત કે અતિમૂર્ત શિલ્પમાં જાડાઈમાં લગભગ પોણો ભાગ ઉપસાવેલો હોય છે. પ્રાથમિક અવસ્થામાં ગુફા-શિલ્પો માત્ર રેખાંકન દ્વારા કોતરેલાં મળે છે. તેમાં જાડાઈનો અભાવ જોવા મળે છે. આ પ્રકારનાં શિલ્પોને કર્ષિત રેખાચિત્રો (incised drawing) કહેવામાં આવે છે.
શિલ્પની બનાવટ માટે માટી, સેલખડી (steatite), ફાયેન્સ (ઘસીને બનાવેલી માટી), ચૂનો (stucco), કાષ્ઠ, પાષાણ, ધાતુ, હાથીદાંત, શંખ, છીપ વગેરે પદાર્થો વપરાય છે. વર્તમાનમાં પ્લાસ્ટર ઑવ્ પૅરિસમાંથી પણ શિલ્પો બનાવવામાં આવે છે. વેલ્ડિંગ કરીને ધાતુનાં આધુનિક શિલ્પો બનાવવાની કલા પણ વિકસી છે. માટીમાંથી શિલ્પો બનાવવાની પરંપરા સૌથી પુરાણી છે. શિલ્પના માધ્યમ તરીકે સામાન્ય રીતે પ્રાદેશિક પથ્થરનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જે તે કાલનાં શિલ્પો કોઈ એક ચોક્કસ પ્રકારના પથ્થરમાંથી જ ઘડાયેલાં હોય છે; જેમ કે, હડપ્પાનાં શિલ્પો સિંધની સ્થાનિક ખાણોના ચૂનાના પથ્થર(lime stone)માંથી બનેલાં છે. અશોકના સમયનાં શિલ્પો મિરઝાપુર જિલ્લાના ચુનારની ખીણના બદામી રંગના પથ્થરમાંથી ઘડાયેલાં છે. ભરહૂત અને સાંચીનાં શિલ્પોમાં મધ્ય ભારતનો ઘેરો લાલ પથ્થર વપરાયો છે. મથુરા-શૈલીનાં શિલ્પોની બનાવટમાં મોટેભાગે ભરહૂત જિલ્લાની ખાણોનો લાલ રવાદાર પથ્થર વપરાયો છે. ગાંધાર-શૈલીનાં શિલ્પો અફઘાનિસ્તાનની સ્વાતની ખીણમાંના ભૂખરા (blue slate) અને પારેવા (schist) રંગના પથ્થરમાંથી બનાવેલાં છે. ગુપ્તકાલીન શિલ્પોમાં કાળી આછી છાંટવાળો સફેદ પથ્થર વપરાયેલો છે, જે ઉત્તરપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં મળે છે. ગુજરાતનાં શિલ્પો મોટે ભાગે સફેદ કે લાલ રેતિયા પથ્થર(sand stone)માંથી બનેલાં છે અને તે ઈડરની આસપાસના પર્વતનો પથ્થર છે. શિલ્પો બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ પણ હતી. પથ્થરની આસપાસ ચૂનાનું પ્લાસ્ટર કરીને તેમાં શિલ્પ કંડારવામાં આવતું. આખા શિલ્પને પ્રસ્તર-મૂર્તિઓ (stucco) કહેવામાં આવે છે. ધાતુનાં શિલ્પો બનાવવા માટે સૌપ્રથમ શિલ્પ મીણમાંથી બનાવવામાં આવે છે. મીણના આ શિલ્પની ફરતે ભીની માટીનો પિંડ ચોંટાડી દેવામાં આવે છે અને નીચેની બાજુ કાણું રાખવામાં આવે છે. તે સુકાઈ જાય તે પછી તેને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. આથી પિંડ પક્વ થાય છે અને અંદરનું મીણ ઓગળીને છિદ્ર વાટે બહાર નીકળી જાય છે. મીણના શિલ્પની આકૃતિની છાપ માટીના પિંડમાં અંદરની બાજુએ પડે છે. આ રીતે શિલ્પનો સાંચો તૈયાર થાય છે. તે પછી છિદ્ર દ્વારા પ્રવાહિત ધાતુ તે સાંચામાં રેડવામાં આવે છે. ધાતુ ઠરી ગયા બાદ માટીનો પિંડ તોડીને શિલ્પ બહાર કાઢવામાં આવે છે. તેને ઘસીને લીસું કરવામાં આવે છે. આ રીતે ધાતુશિલ્પ બનાવવાની પદ્ધતિને ‘મધુચ્છિષ્ટ વિદ્યા’ (cire-perdue or lost-wax) કહેવામાં આવે છે. ધાતુશિલ્પો ઘન (નક્કર) અને સુષિર (પોલાં) હોય છે.
1. ભારતની શિલ્પકલા : ભારતમાં સૌથી પ્રાચીન શિલ્પો આદ્ય- ઐતિહાસિક કાલનાં (ઈ. પૂ. 2500થી ઈ. પૂ. 1500) છે. બલૂચિસ્તાનમાંનાં ઝોબ અને કુલ્લીનાં સ્થળોએથી પ્રાપ્ત શિલ્પો પ્રાગ્-હડપ્પીય કાલનાં છે. આ શિલ્પોમાં સુઘટિત કલાનાં સર્વપ્રથમ દર્શન થાય છે. સ્ત્રીઓ અને પ્રાણીઓનાં માટીનાં શિલ્પો મળી આવ્યાં છે. ઝોબમાંથી પ્રાપ્ત પ્રાણી-શિલ્પોમાં વૃષભ અને અશ્વનાં શિલ્પો નોંધપાત્ર છે. પ્રાચીન સંસ્કૃતિઓમાં અશ્વનાં શિલ્પ જવલ્લે જ જોવા મળે છે. તેથી અહીંનાં અશ્વ-શિલ્પ નોંધપાત્ર છે.
આદ્ય-ઐતિહાસિક શિલ્પકલાનાં જાણીતાં કેન્દ્રો હડપ્પા અને મોહેં-જો-દડો છે. સિંધુ સંસ્કૃતિનાં આ મહત્વનાં કેન્દ્રોનાં શિલ્પો માટી, પથ્થર અને ધાતુમાંથી બનાવેલાં છે. માટીમાંથી બનાવેલાં શિલ્પો સામાન્ય વર્ગની લોકકલાના અને પથ્થર-ધાતુમાંથી બનાવેલાં શિલ્પો ભદ્ર વર્ગની શિષ્ટ કલાના નમૂના હોવાનું જણાય છે. માટીનાં પકવેલાં શિલ્પો(teracotta)માં સ્ત્રી-પુરુષ અને પ્રાણીનાં શિલ્પો જોવા મળે છે. સ્ત્રી-આકૃતિઓમાંથી કેટલીક દેવીના સ્વરૂપની, કેટલીક માનતા માટેની તો કેટલીક બાળકોને રમવાનાં રમકડાં-સ્વરૂપની છે. સામાન્ય રીતે તે ઊભી હોય છે તો ક્યારેક બેઠેલી અવસ્થામાં અથવા ગતિમાન હોય છે. ક્યારેક બાળકને લઈને અથવા નિરાંતે બેઠેલી દર્શાવી છે. ઊભી સ્ત્રી-આકારની પૂતળીઓના મસ્તકે પંખાઘાટનું વેષ્ટન (head-dress) પહેરાવેલું હોય છે. શિરોવેષ્ટનવાળી આ પૂતળીઓ માતૃદેવીની હોય એમ મનાય છે. સ્ત્રી-આકૃતિઓની સંખ્યાના મુકાબલે પુરુષ-આકૃતિઓની સંખ્યા ઓછી છે. પુરુષ-આકૃતિઓ મોટેભાગે નિર્વસ્ત્ર જોવા મળે છે. તેમનાં માથાં ખુલ્લાં હોય છે તો ક્યારેક કોઈના માથે શંકુઘાટની ટોપી કે લટકતા છોગાવાળી પાઘડી ધારણ કરેલી જોવા મળે છે. મુંડનવાળા તેમજ દાઢી ધારણ કરેલ પુરુષોની આકૃતિઓ પણ મળી આવી છે. સ્ત્રી-પુરુષોની આકૃતિઓ વિશિષ્ટ રીતે બનાવી છે. આંખ માટે લંબગોળ કાંકરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ક્યારેક રંગીને પણ આંખ દર્શાવી છે. હોઠનો આકાર સાદો કાપો પાડીને કર્યો છે તો ક્યારેક ઉપસાવેલા હોઠ પણ દર્શાવ્યા છે. માથાના વાળ અને અલંકારો અલગ અલગ બનાવી શરીર સાથે ચોંટાડી દીધા છે. જળચર અને સ્થળચર પ્રાણીઓનાં શિલ્પો પણ મળ્યાં છે. આવાં શિલ્પો સ્વતંત્ર અને મુદ્રાઓ પર જોવા મળે છે. એક શૃંગ ધરાવતા પ્રાણીનું શિલ્પ ઉલ્લેખનીય છે. વૃષભનું આલેખન બે પ્રકારે જોવા મળે છે ટૂંકાં શિંગડાંવાળો વૃષભ અને લાંબાં શિંગડાંવાળો ખાંધી વૃષભ. વાનર, સસલાં, બકરાં, ઘેટાં, દરિયાઈ ઘોડા, હાથી અને ભેંસનાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. પાષાણમાંથી બનાવેલાં શિલ્પોમાં ત્રણ પુરુષ-આકૃતિઓ છે. પ્રથમ શિલ્પમાં હાથ-પગ નથી, માત્ર ધડ છે. બીજા શિલ્પમાં ખભામાંથી નીચેના હાથ અને જંઘા નીચેથી પગ તૂટી ગયેલા છે. તેનું શરીર કેડના ભાગેથી ડાબી બાજુ ઝૂકેલું છે. તેથી તે નૃત્યની મુદ્રા વ્યક્ત કરે છે. ત્રીજા શિલ્પમાં પુરુષે શરીર પર ત્રિદલ ભાત ધરાવતું ઉપવસ્ત્ર ઓઢ્યું છે. અર્ધમીંચી આંખો હોવાથી તે ધ્યાનસ્થ અવસ્થામાં હોવાનું જણાય છે. આથી આ શિલ્પ કોઈ પુરોહિત કે પૂજારીનું હોવાનું જણાય છે. ધાતુ-શિલ્પોમાં એક નર્તકીની પ્રતિમા ઉલ્લેખનીય છે. તેના પગ સહેજ લચક લઈને આગળ વળેલા છે. જમણો હાથ કેડ પર ટેકવેલો છે અને ડાબો હાથ લટકતો છે. એનો ઢીલો અંબોડો ખભા પર ટેકવેલો છે. ડાબા હાથે ખભાથી કાંડા સુધી બંગડીઓ પહેરી છે, જ્યારે જમણા હાથે કાંડામાં માત્ર બે બંગડીઓ અને કોણીની ઉપર બાજુબંધ છે. મોહેં-જો-દડોમાંથી વિવિધ મુખાકૃતિઓ રજૂ કરતાં મહોરાં (masks) પણ મળી આવ્યાં છે.
વૈદિક સંહિતાઓના કાલ(આશરે ઈ. પૂ. 1500-1000)ના શિલ્પના કોઈ નમૂના પ્રાપ્ત થયા નથી. જોકે વૈદિક સંહિતાઓમાં શિલ્પોના ઉલ્લેખ મળે છે. દેવ-દેવીઓ, દાર્શનિક ભાવો (દા.ત., દેવાસુર સંગ્રામ, જ્યોતિર્લિંગ વગેરે), વૃક્ષવેલીઓ વગેરેનાં વર્ણનોને આધારે પૌરાણિક કાલમાં તેમની મૂર્તિઓ રચવાની પ્રક્રિયાને વેગ મળ્યો હશે એમ કહી શકાય. આવાં દૃષ્ટાંતોમાં શ્રીલક્ષ્મી, યક્ષ, સ્વસ્તિક, પૂર્ણકુંભ, ચક્ર, યજ્ઞ-યૂપ, સૂર્ય-ચંદ્ર, કલ્પવૃક્ષ, નાગ, સુમેરુ, અર્ધનારીશ્વર, કુમાર, ગણપતિ, ત્રિવિક્રમ દેવાસુર-સંગ્રામ વગેરે ઉલ્લેખનીય છે.
મહાજનપદ-કાલ (ઈ. પૂ. 600-400) દરમિયાન બૌદ્ધોના પાલિ-સાહિત્ય અને જૈનોના અર્ધમાગધીમાં રચાયેલ આગમ-સાહિત્યમાં શિલ્પસ્થાપત્યના અનેક ઉલ્લેખો છે, પરંતુ એ મોટેભાગે કાષ્ઠનિર્મિત હોવાને કારણે કાળબળે નાશ પામ્યાં હોવાથી અવશેષ રૂપે પણ ઉપલબ્ધ થયાં નથી. શિશુ-નાગકાલ અને નંદકાલ(ઈ. પૂ. 400-325)માં માતૃદેવીની પૂજાના પ્રતીક તરીકે પ્રયોજાતા શ્રી-ચક્ર(શ્રીયંત્ર)ના અનેક નમૂના તક્ષશિલા, મથુરા, કૌશાંબી, રાજઘાટ, સંકિસા (સાંકાશ્ય), પટણા વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયા છે. લોરિયા-નંદનગઢ અને પીપરાવાના સ્તૂપમાંથી પૃથ્વીદેવીના અંકનવાળા સુવર્ણપાત્રો પ્રાપ્ત થયાં છે.
મૌર્યકાલ(ઈ. પૂ. 325-187)ની શિલ્પકળા મોટેભાગે અશોકે ઊભા કરેલા શિલાસ્તંભો પરનાં પશુશિલ્પો દ્વારા જાણવા મળે છે. અંબાલા પાસેના ટોપરા, મેરઠ, કોશાંબી, અલ્લાહાબાદ, સારનાથ, મુઝફ્ફરપુર, લોરિયા-નંદનગઢ, સાંચી, સંકિસા, કાશી, પટણા, બોધિગયા વગેરે સ્થળોએ આ સ્તંભો આવેલા છે. એક જ પથ્થરમાંથી બનાવેલા આ સ્તંભોની શિરાવટીની ઉપર સિંહ, હાથી, વૃષભ કે અશ્વનું શિલ્પ હોય છે. આમાંનાં પ્રથમ ત્રણ પશુઓનાં શિલ્પ કેટલાક સ્તંભો પર જણાય છે; જ્યારે અશ્વનું શિલ્પ રુમ્મિનદેયના સ્તંભ પર હતું, જે હવે નષ્ટ થયું છે. મૌર્યકાલીન શિલ્પકલામાં સારનાથના સ્તંભ પરના સિંહોનાં શિલ્પો મહત્વનાં છે. ચાર દિશાએ મુખ રાખીને એકબીજાની પીઠને અડોઅડ ઊભેલા આ સિંહોના મસ્તક ઉપર ધર્મચક્ર મૂકેલું હતું. તેના કેટલાક અવશેષો પ્રાપ્ત થયા છે. પાશવી શક્તિ પરના ધાર્મિક વિજયના સંકેત રૂપે આ ચક્ર મૂકવામાં આવ્યું હોવાનું જણાય છે. સિંહોની આકૃતિ ભવ્ય, દર્શનીય અને ગૌરવપૂર્ણ છે. તેમાં કલ્પના અને વાસ્તવિકતાનો સુમેળ સધાયો છે. આપણા દેશની રાષ્ટ્રમુદ્રામાં આ શિલ્પ સ્થાન પામ્યું છે. સાંચીના સ્તૂપની પાસેના સ્તંભ ઉપર પણ ચાર સિંહોના શિલ્પ છે, પરંતુ તે સારનાથના સિંહોનાં શિલ્પો જેટલાં આકર્ષક નથી. રામપુરવાના એક સ્તંભ ઉપર આગલા બે પગ ઊભા રાખીને પાછલા બે પગે બેઠેલા સિંહનું સુંદર શિલ્પ છે. બખીરાના સ્તંભશીર્ષ ઉપર પણ આવું જ સિંહનું શિલ્પ છે; પણ અશોકકાલીન સિંહ-શિલ્પોના જેવી તેની છટા નથી જણાતી. લોરિયા-નંદનગઢના સ્તંભ પર ઉઠંગ મુદ્રામાં બેઠેલ સિંહનું શિલ્પ છે. રામપુરવાના બીજા એક સ્તંભ પર બાલવૃષભ(વાછરડા)નું શિલ્પ છે. વાછરડો છટાપૂર્વક ઊભો છે. સાંકાશ્યના સ્તંભ ઉપર હાથીનું શિલ્પ છે. પશુ-શિલ્પો ઉપરાંત યક્ષ-યક્ષિણીઓની મૂર્તિઓ પણ મળી છે. મૌર્યકાલમાં યક્ષ-યક્ષિણીઓ લોકદેવતા તરીકે પૂજાતાં. આ મૂર્તિઓ મથુરાથી માંડી વારાણસી, વિદિશા, પાટલિપુત્ર અને શૂર્પારક સુધીના ક્ષેત્રને આવરી લે છે. પટણા પાસેના દીદારગંજમાંથી પ્રાપ્ત ચામરધારિણી યક્ષિણીની મૂર્તિ આ વર્ગમાં શ્રેષ્ઠ છે. તેના પર ઓપ ચઢાવેલો છે. તેનાં સુડોળ, ભરાવદાર અંગ-ઉપાંગો અને અવયવોની છટા ખૂબ જ આકર્ષક છે. હાલ આ મૂર્તિ પટણાના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. મથુરા, કૌશાંબી અહિચ્છત્રા વગેરે સ્થળોએ આ સમયની માટીની પકવેલી મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે.
મૌર્ય સામ્રાજ્યનું પતન થતાં મગધમાં પુષ્યમિત્ર શુંગ, દક્ષિણ ભારતમાં સીમુક સાતવાહન અને કલિંગમાં ખારવેલ સત્તા પર આવ્યા. અનુ-મૌર્યકાલ દરમિયાન આ ત્રણેય રાજ્યોમાં જે કલા વિકાસ પામી તે શુંગકાલીન કલા કહેવાય છે. તેનો સમય ઈ. પૂ. 187થી ઈ. સ. 350નો છે. ભરહૂત, સાંચી, બોધિગયા, મથુરા અને કલિંગ-(ઓરિસા)માં તેનો વ્યાપક પ્રચાર થયો હતો. આની અગાઉનાં શિલ્પો મોટા કદનાં હતાં, પરંતુ આ સમયનાં શિલ્પો નાનાં અને એકસરખા ઘાટનાં છે. મોટેભાગે તે અંશમૂર્ત સ્વરૂપનાં છે. આ શિલ્પોમાં એક પ્રકારની નાજુકતા, સપ્રમાણતા અને વિવિધતા જોવા મળે છે. ભારતીય શિષ્ટ શિલ્પકલાનાં પગરણ અહીંથી શરૂ થાય છે.
શુંગકાલ દરમિયાન સાંચીના મૂળ મૌર્યકાલીન સ્તૂપ પર આચ્છાદન (encasing) કરવામાં આવ્યું અને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો. સ્તૂપને ફરતો પથ્થરનો કઠેડો (વેદિકા) અને ચારેય દિશાએ ચાર તોરણો ઊભાં કરવામાં આવ્યાં. આ તોરણો પરનાં શિલ્પો
શુંગકાલનાં ઉત્તમ શિલ્પો છે. વિષયની દૃષ્ટિએ આ શિલ્પોને ચાર વર્ગમાં વહેંચી શકાય : (1) બુદ્ધના જીવનની ઘટનાઓ અને જાતકકથાઓના પ્રસંગો; (2) યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ; (3) પશુ-પક્ષીની આકૃતિઓ; (4) ફૂલવેલની ભાતો અને રૂપાંકનો. સૌપ્રથમ દક્ષિણનું તોરણ નિર્માયું હતું. આ તોરણદ્વાર પર શ્રીલક્ષ્મી, સ્તૂપ, હસ્તિજાતક, લંબોદર કુમ્ભાણ્ડ (કીચક), ષડ્દન્ત જાતક, ધાતુયુદ્ધ (બુદ્ધના અસ્થિ માટેનું યુદ્ધ), બોધિવૃક્ષની પૂજા માટે આવતા સમ્રાટ અશોક, બુદ્ધનું ચુડામહ (બુદ્ધના કેશની પૂજા), કલ્પવૃક્ષ, નાગરાજ મુચલિંદ, બુદ્ધને ભિક્ષાપાત્ર અર્પણ કરતા ચાર લોકપાલો વગેરેને લગતાં શિલ્પો કંડારેલાં છે. ચારેય તોરણદ્વારોમાં ઉત્તરનું તોરણદ્વાર સૌથી સારી સ્થિતિમાં છે. આ તોરણના સ્તંભોના મથાળે હાથીઓ અને તેમની બાજુમાં આમ્રવૃક્ષને અઢેલીને ઊભેલી શાલભંજિકાઓનાં લાવણ્યમય શિલ્પ છે. આ તોરણ પર ચાર વૃક્ષોને અંતરિત ત્રણ સ્તૂપો દ્વારા સાત માનુષી બુદ્ધો (આ પ્રકારનું આલેખન ચારેય તોરણો પર છે.), વેસ્સન્તર જાતક, પદ્માસનસ્થ ગજલક્ષ્મી, ષડ્દન્તજાતક, મારઘર્ષણ, શ્રાવસ્તીમાં બુદ્ધે કરેલો ચમત્કાર, અનાથપિંડકનું બુદ્ધને જેતવનનું દાન, બુદ્ધને મળવા આવતા રાજા પ્રસેનજિત, ઉત્તરકુરુનો પ્રદેશ, બુદ્ધના દર્શનાર્થે ઇન્દ્રનું આગમન, 11 સૂર્ય, પદ્મસર, મીનયુગલ, શ્રીવત્સ, 13 માંગલિક ચિહ્નો, ત્રયસ્ત્રિંશત્ સ્વર્ગમાંથી બુદ્ધનું અવતરણ, બુદ્ધનું, અભિનિષ્ક્રમણ, શાક્યોનું ધર્મપરિવર્તન, કપિલવસ્તુમાં બુદ્ધનું આગમન, બુદ્ધના અસ્થિની વહેંચણી, બુદ્ધને મધનો પ્યાલો આપતો વાનર વગેરે શ્યો કોતરેલાં છે. પૂર્વના તોરણ પર બુદ્ધનું અભિનિષ્ક્રમણ, રાણી સાથે બોધિવૃક્ષના દર્શને આવતા સમ્રાટ અશોક, હાથીઓ દ્વારા બુદ્ધની પૂજા, સંબોધિ (દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ), પાણી પર ચાલતા બુદ્ધ, બુદ્ધના દર્શને રાજગૃહમાંથી નીકળતા રાજા બિંબિસાર, બુદ્ધના દર્શને આવેલા ઇન્દ્ર અને બ્રહ્મા, બુદ્ધનો સર્પવિજય, કાશ્યપનું ધર્મપરિવર્તન, ચાતુર્માહરાજિક લોક, ત્રયસ્ત્રિંશત્ દેવલોક, યમલોક, તુલિનદેવ સ્વર્ગ, નિર્માણરતિ સ્વર્ગ, મારના સ્વામીત્વવાળું સ્વર્ગ, શ્યામ જાતક, મહાકપિજાતક વગેરે કોતરેલાં છે. પશ્ચિમનું તોરણદ્વાર સૌથી છેલ્લે બંધાયું હતું. આ તોરણ પર સાત બુદ્ધો, મૃગદાવવનનું ધર્મચક્ર-પરિવર્તન, ષડ્દંતજાતક, અસ્થિયુદ્ધ, મારપ્રલોભન વગેરે દૃશ્યો કંડારેલાં છે. સાંચીની શિલ્પકલાની વિશેષતા એ છે કે અહીં કોઈ પણ સ્થળે બુદ્ધની માનુષી સ્વરૂપની મૂર્તિ નથી, પરંતુ બુદ્ધને જુદાં જુદાં પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે; જેમ કે, બોધિવૃક્ષ, વજ્રાસન, ચક્ર, સ્તૂપ, પગલાં વગેરે દ્વારા.
મધ્યપ્રદેશના ભરહૂતનો સ્તૂપ લુપ્ત થયો છે. તેના અવશેષ કોલકાતા, સતના, વારાણસી, મુંબઈ વગેરે સ્થળોનાં મ્યુઝિયમમાં સંગૃહીત છે. સાંચીની જેમ આ સ્તૂપની વેદિકા અને તોરણો પર પણ શિલ્પો કોતરેલાં હતાં. આ શિલ્પોમાં દેવયોનિ, મનુષ્યો, પશુઓ, વૃક્ષો, જાતકકથાઓ, ઐતિહાસિક પ્રસંગો, હાસ્યવ્યંગનાં દૃશ્યો, પૂજા-ચિહ્નો, સુશોભનો (motives) વગેરે વિષયો રજૂ થયા છે. 23 જાતકકથાઓ તેમના નામ સાથે આલેખાઈ છે. કુબેર અને વિરૂઢક લોકપાલ, અજકાલક, ગંગિત, સુચિલોમ અને સુયાવસ યક્ષ, ચંદ્રા તથા સુદર્શના, યક્ષી સિરિમા (શ્રી મા લક્ષ્મી), ચૂલકોકા, મહાકોકા વગેરે લોકદેવીઓ, અલમ્બુસા, મિશ્રકેશી, સુદર્શના તથા સુભદ્રા વગેરે અપ્સરાઓનાં આલેખન છે. પશુ-આકૃતિઓ સ્વાભાવિક અને કાલ્પનિક છે. વાનરો હાથીની મદદ વડે મોટા સાણસા વડે એક મહાયક્ષની મૂછો ખેંચી રહ્યા છે તે દૃશ્ય હાસ્યપ્રેરક છે.
બોધિગયા(ઉત્તરપ્રદેશ)ના સ્થળે બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું. અશોકે અહીં બોધિગૃહ બંધાવ્યું હોવાનું મનાય છે. શુંગકાલમાં બોધિવૃક્ષની ચોતરફ પથ્થરની વેદિકા બનાવવામાં આવી. આ અગાઉ તે ઈંટો વડે બાંધેલી હતી. વેદિકાની સ્તંભિકાઓ પર આસનસ્થ મિથુનો, ગજલક્ષ્મી, બોધિમંચ, બોધિવૃક્ષની પૂજા કરતું યુગલ, ધર્મચક્રનું પૂજન, શંકુકર્ણ યક્ષ, વૃક્ષિકા દેવી, પૂર્ણ ઘટ, કમલાસનસ્થ શ્રીલક્ષ્મી, વીણાધારી ગંધર્વો, બુદ્ધના દર્શને આવતા ઇન્દ્ર, રથ પર આરૂઢ સૂર્ય, જેતવન-દાન, હસ્તિવૃંદ, ષડ્દન્ત, પદફુસલ, માણવ, વેસ્સન્તર, કિન્નર વગેરે જાતકકથાઓનાં આલેખન છે.
ઓરિસાના ભુવનેશ્વરની પાસે આવેલી ઉદયગિરિ અને ખંડગિરિ નામની ગુફાઓ(ઈ. પૂ. 2જી સદી – 1લી સદી)માંનાં શિલ્પોની શૈલી સાંચી, ભરહૂત અને બોધિગયાને મળતી આવે છે. જોકે રૂપક્ષમતાની દૃષ્ટિએ તે ભરહૂતથી ચઢિયાતાં છે. દરિયાઈ ઘોડા જેવા કાલ્પનિક પ્રાણી પર સવારી કરતા માનવો, જિનની પૂજા કરતા લોકો, સ્ત્રી-હરણનો પ્રસંગ, વાસવદત્તાની કથા, દુષ્યન્ત-શકુન્તલાની કથા, હાથી સાથે યુદ્ધ, શિકાર કરતો રાજા, નૃત્ય નિહાળતી રાણી, શૃંગારરત રાજા-રાણી, તળાવમાં ક્રીડા કરતા હાથીઓ, રાજકુમારનું સ્વાગત, સૂર્ય, ગજલક્ષ્મી વગેરેનાં આલેખન જુદી જુદી ગુફાઓમાં થયાં છે.
કુષાણકાલ દરમિયાન ગાંધાર અને મથુરા શિલ્પકલાનાં મુખ્ય કેન્દ્રો હતાં. આ બંને કેન્દ્રોમાં એકબીજાંથી સ્વતંત્ર શિલ્પશૈલીઓનો ઉદય થયો હતો. હાલના પાકિસ્તાનના પેશાવર અને રાવલપિંડી જિલ્લાઓ ઉપરાંત અફઘાનિસ્તાનનો ઘણો ભાગ પ્રાચીન સમયમાં ગાંધાર પ્રદેશમાં સમાવિષ્ટ હતો. આ પ્રદેશમાં એક સમયે ભારતીય-યવન (Indo-Greek) રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. આથી આ પ્રદેશ પર ગ્રીક સંસ્કૃતિની અસર હોય તે સ્વાભાવિક છે. ગ્રીક કે હેલેનિસ્ટિક કલામાંથી ગાંધાર-કલાનો જન્મ થયો. તેને ઇન્ડો-ગ્રીક, ઇન્ડો-હેલેનિક કે ગ્રીસો-રોમન આર્ટ પણ કહે છે. જોકે તેનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ હોવાથી ‘ગ્રીસો-બુદ્ધિસ્ટ આર્ટ’ પણ કહે છે. ભારતમાં આ શૈલી ઈ. સ.ની પહેલીથી ચોથી સદી સુધી પ્રચારમાં રહી. કુષાણ રાજાઓએ તેના ઉત્કર્ષમાં વિશેષ ફાળો આપ્યો હતો. પારેવા રંગના પથ્થરમાંથી બનાવેલાં આ શૈલીનાં શિલ્પોમાં ગ્રીક મૂર્તિકલાની વાસ્તવિકતા અને ભારતીય કલાની ભાવમયતા લાવવાનો પ્રયત્ન થયો છે. વસ્ત્રોની સૂક્ષ્મ વલ્લીઓ (કરચલીઓ) દર્શાવી છે. અંગે-પ્રત્યંગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે. બુદ્ધની મૂર્તિ બનાવવામાં કલાકારોએ ઘણી સ્વતંત્રતા લીધી છે. આથી બુદ્ધની મૂર્તિ ગ્રીક દેવ ઍપૉલો જેવી બની ગઈ છે. દેવોના આલેખન પરત્વે ભારતીય પરંપરાથી વિરુદ્ધ બુદ્ધને મૂછવાળા પણ દર્શાવ્યા છે ! એનું કારણ એ કે એમાં ગ્રીક મૂર્તિકલાની વાસ્તવિકતાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. કેટલાક વિદ્વાનો આ શૈલીને સ્વતંત્ર મૂર્તિકલા તરીકે સ્વીકારે છે અને તેની પર ભારતીય પ્રભાવ પડ્યો હોવાનો ઇનકાર કરે છે. જ્યારે કેટલાક વિદ્વાનો તેને ભારતીય મૂર્તિકલાની એક શાખા હોવાનું જણાવે છે. તેના વિષયો ભારતીય છે પણ તેમની અભિવ્યક્તિમાં ગ્રીક અસર સ્પષ્ટ જોવા મળે છે. જૌલિયા, પ્લુટ કી ઢેરી, તખ્તે બહાઈ, શાહજી કી ઢેરી વગેરે સ્થળોએથી આ શૈલીમાં ઘડાયેલાં શિલ્પો પ્રાપ્ત થયાં છે. તેમાં બુદ્ધ, બોધિસત્ત્વો,
ઉપાસકો, દીપંકર જાતક, બુદ્ધના જીવનના પ્રસંગો, નીલગિરિ હાથી પર બુદ્ધનો વિજય, કુબેર, હારિતી વગેરેનાં આલેખનો છે. પ્લુટ કી ઢેરીના સ્થળેથી એક સ્તૂપમાંથી પ્રાપ્ત અસ્થિપાત્ર પરના ઢાંકણા ઉપર ઇન્દ્ર અને બ્રહ્માની વચ્ચે બુદ્ધનું શિલ્પ છે. પાંચમા સૈકામાં આ શૈલીનો અંત આવ્યો.
કુષાણકાલીન મથુરા પણ ગાંધારની માફક મૂર્તિકલાનું કેન્દ્ર હતું. કલાની દૃષ્ટિએ મથુરામાં કુષાણકાલ એ સુવર્ણકાલ ગણાય છે. ગાંધાર-શૈલી પર ગ્રીક કલાની સ્પષ્ટ અસર જણાય છે; જ્યારે મથુરા-શૈલી સંપૂર્ણ ભારતીય છે. તેના પર સહેજ પણ વિદેશી અસર જણાતી નથી. ગાંધાર-શૈલીમાં મોટેભાગે બૌદ્ધ ધર્મને લગતાં શિલ્પો ઘડાયાં છે, જ્યારે મથુરા-શૈલીમાં બૌદ્ધ-જૈન અને બ્રાહ્મણ ધર્મનાં શિલ્પો ઘડાયાં છે. મથુરા-કલાની વિશેષ મહત્તા બુદ્ધની મૂર્તિના નિર્માણમાં રહેલી છે.
બુદ્ધની મૂર્તિ બનાવવાની શરૂઆત કુષાણકાલમાં લગભગ પહેલી સદીથી થઈ. એની અગાઉ શુંગકાલમાં બુદ્ધની રજૂઆત પ્રતીકો દ્વારા કરવામાં આવતી હતી. બુદ્ધની મૂર્તિ સૌપ્રથમ ગાંધાર કે મથુરા-શૈલીમાં ઘડવામાં આવી એ ચર્ચાનો વિષય છે. મથુરાની આસપાસ ભાગવત સંપ્રદાયનો પ્રસાર હતો અને તેમાં વાસુદેવની પૂજા થતી હતી. આથી લોકમાનસને પારખીને બૌદ્ધ ધર્મમાં પણ મૂર્તિપૂજા દાખલ થઈ હશે અને બુદ્ધની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હશે. બુદ્ધની પ્રતીકપૂજાને માનુષ સ્વરૂપની પૂજામાં ફેરવી નાખવાનું કાર્ય મથુરાના કલાકારોએ કુશળતાથી પાર પાડ્યું. બુદ્ધ-પ્રતિમા એ મથુરાના શિલ્પીઓનું મૂળભૂત પ્રદાન જણાય છે. કલાવિવેચક ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ જણાવે છે કે ‘મથુરાની કલામાં શ્રી અને સૌંદર્ય છે તેનો ગાંધાર-કલામાં સદંતર અભાવ છે. વિવિધતા, મૌલિકતા અને રૂપવિધાનની દૃષ્ટિએ મથુરા એ કુબેરનો ધનભંડાર છે તો ગાંધાર રંકની મૂડી છે.’ મથુરાની બધી મૂર્તિઓ સફેદ છાંટવાળા લાલ રવાદાર પથ્થરમાંથી બનાવેલી હતી. મૂર્તિઓની બનાવટમાં આંતરિક ભાવોની અભિવ્યક્તિ પર ભાર મુકાયો છે. મથુરામાંથી પ્રાપ્ત બૌદ્ધ મૂર્તિઓ બે પ્રકારની છે – ઊભી મૂર્તિઓ અને પદ્માસનસ્થ મૂર્તિઓ. ગૌતમ બુદ્ધ ઉપરાંત અન્ય બુદ્ધો અને બોધિસત્ત્વોની મૂર્તિઓ પણ મળી છે. સાત માનુષી બુદ્ધો પૈકી કશ્યપ બુદ્ધની ખંડિત પ્રતિમા મળી છે. ભવિષ્યમાં થનારા આઠમા બુદ્ધ મૈત્રેયની પ્રતિમા પણ પ્રાપ્ત થઈ છે. કટરા અને અન્યોરમાંથી પ્રાપ્ત પદ્માસનસ્થ બુદ્ધની પ્રતિમાઓ કુષાણકાલીન મથુરા-શૈલીના ઉત્તમ નમૂના છે. મથુરામાંથી બે બૌદ્ધ સ્તૂપના અવશેષ ઉપલબ્ધ થયા છે. સ્તૂપની વેદિકાની સ્તંભો અને સૂચિઓ પર બુદ્ધના જીવનના કેટલાક પ્રસંગો, જાતકકથાઓ, શાલભંજિકા ઉપરાંત મહાભારતની પણ કેટલીક કથાઓ કંડારવામાં આવ્યાં છે. જૈન શિલ્પોમાં તીર્થંકરોની પ્રતિમાઓ અને આયાગપટ્ટો નોંધપાત્ર છે. તીર્થંકરોની પ્રતિમાઓ કાઉસગ્ગ મુદ્રામાં ઊભેલી તો ક્યારેક પદ્માસનમાં બેઠેલી જોવા મળે છે. તીર્થંકરોની પ્રતિમા પર લાંછન જોવા મળતાં નથી. છાતી પર શ્રીવત્સનું ચિહ્ન અને મસ્તકની પાછળ પ્રભામંડળ કરેલું છે. ઋષભદેવ, સુપાર્શ્ર્વનાથ, પાર્શ્ર્વનાથ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ મળી છે. આયાગપટ્ટ એટલે પૂજા માટે સ્થાપેલો શિલ્પ-પટ્ટ. ગોળ કે ચોરસ પથ્થરની તકતીમાં કેન્દ્રસ્થાને તીર્થંકરની આકૃતિ અને તેને ફરતાં માંગલિક ચિહ્નો આયાગપટ્ટમાં કંડારવામાં આવે છે. આયાગપટ્ટો સ્તૂપના પ્રાંગણમાં ઊંચી પીઠ પર સ્થાપવામાં આવતાં. મથુરામાંથી જૈનોનાં બે સ્તૂપ મળી આવ્યા છે. સ્તૂપની ચારેય બાજુ તીર્થંકરોની મૂર્તિઓ ચોડેલી હતી. તીર્થંકરોની પ્રતિમાઓ અને આયાગપટ્ટો ઉપરાંત આર્યાવતી અને સરસ્વતી દેવીની તેમજ નૈગમેષ દેવની પ્રતિમા (પટ્ટમાં) પણ મળી છે. નૈગમેષ બાલજન્મના અધિષ્ઠતા દેવ મનાય છે. બ્રાહ્મણ ધર્મની પ્રતિમાઓમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, બલરામ, અર્ધનારીશ્વર, શિવ-પાર્વતી, કાર્તિકેય, ગણપતિ, સૂર્ય, ઇન્દ્ર, કામદેવ, કુબેર, ગરુડ, સરસ્વતી, લક્ષ્મી, સિંહવાહિની દુર્ગા, મહિષાસુરમર્દિની, સપ્તમાતૃકાઓ વગેરે ઉલ્લેખનીય છે. કુષાણકાલમાં કૃષ્ણ-લીલાનું આલેખન કરતાં કેટલાંક શિલ્પપટ્ટો મળ્યાં છે. સાદા શિવલિંગ ઉપરાંત એકમુખ અને પંચમુખ લિંગ પણ પ્રાપ્ત થયાં છે. મથુરામાંથી બિન-ધાર્મિક શિલ્પો પણ મળ્યાં છે. ખાસ કરીને સ્તૂપોની વેદિકાના સ્તંભો પર લાવણ્યમય નારીશિલ્પો કંડારેલાં છે; જેમ કે, પુષ્પ ચૂંટતી, કન્દુકક્રીડારત, સ્નાન કરતી, સદ્યસ્નાતા, કેશગુંફન કરતી, શૃંગાર સજતી, વાદ્ય વગાડતી અને નૃત્ય કરતી રમણીઓ; શૂક-કન્યા વગેરે.
દખ્ખણમાં મહારાષ્ટ્રમાં આવેલા ભાજા, કોન્ડાને, અજંટા (ગુફા નં. 9), પિત્તલ ખોરા, નાસિક, જૂન્નર, બેડસા, કાર્લા અને કણ્હેરીનાં સ્થળોએ આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓમાં શિલ્પો કંડારેલાં છે. આ શિલ્પો વિશેષ કરીને સુશોભન પ્રકારનાં છે. માનવમુખ અને પશુદેહનું મિશ્રિત સ્વરૂપ પ્રગટાવતાં ‘વ્યાલ’-શિલ્પો પણ છે. જૂન્નરની ગુફામાં શ્રીલક્ષ્મીની એક સુંદર મૂર્તિ છે.
પ્રસ્તુત કાલમાં દક્ષિણ ભારતમાં આંધ્ર (સાતવાહન) તથા ઇક્ષ્વાકુ રાજાઓના શાસન દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા. તેમાં અમરાવતી અને નાગાર્જુન કોંડાના સ્તૂપો જાણીતા છે. એમની શિલ્પશૈલી ‘વેંગી શૈલી’ તરીકે પ્રસિદ્ધ છે. ભારતીય શિલ્પશૈલી એના શુદ્ધ સ્વરૂપે અહીં જોવા મળે છે. આ શૈલીનાં શિલ્પોનો વિષય બૌદ્ધ ધર્મનો છે; આમ છતાં સાંસારિક પરિસ્થિતિઓનું પણ આલેખન થયું છે. અમરાવતીનાં શિલ્પો ઈ. પૂ. 2જી સદીથી ઈ. સ.ની 3જી સદી સુધીનાં છે. તેનાં આરંભકાલીન શિલ્પોની કોતરકામની શૈલી અને વેશભૂષા ભરહૂતનાં શિલ્પોને મળતી આવે છે. શિલાપટ્ટો પર બુદ્ધની જીવનઘટનાઓ આલેખાઈ છે. સ્તૂપ-પટ્ટ, ચક્ર-પટ્ટ, સ્વસ્તિક-પટ્ટ, પૂર્ણઘટ-પટ્ટ, ત્રિરત્ન-પટ્ટ વગેરે શિલાપટ્ટો મળ્યાં છે. પાદુકા-પટ્ટનો વિશેષ ઉપયોગ થયો છે. અહીંનાં શિલ્પોમાં સહસ્ર કે શતસહસ્ર દલોની કમલમાલાનું આલેખન વધુ
જોવા મળે છે. અમરાવતીનાં શિલ્પોની પ્રશંસા કરતાં કુમારસ્વામી જણાવે છે કે, ‘એ ભારતીય શિલ્પનું મધુર અને માર્દવભર્યું પુષ્પ છે.’ નાગાર્જુનકોંડાનો સ્તૂપ આજે હયાત નથી, પરંતુ તેનાં શિલ્પો ત્યાંના સરકારી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યાં છે. બોધિસત્વને પૃથ્વી પર જન્મ ધારણ કરવા પ્રાર્થના કરતા દેવો, શ્વેત હાથીના રૂપમાં બુદ્ધનું અવતરણ, માયાદેવીના સ્વપ્નનું કથન, બુદ્ધ-જન્મ, બુદ્ધનું ભવિષ્ય-કથન કરતા અસિત, મહાભિનિષ્ક્રમણ, મારઘર્ષણ, સંબોધિ-પ્રાપ્તિ, ધર્મચક્રપ્રવર્તન પૂર્વેનું બુદ્ધનું મંથન, પ્રથમ ધર્મોપદેશ, નીલગિરિ હાથીને વશ કરવો, દીપંકરની બુદ્ધ-પૂજા, ઉપાલિની ધર્મદીક્ષા, નંદ સાથે બુદ્ધનું સ્વર્ગગમન, શિબિજાતક, દશરથજાતક, માંધાતાજાતક વગેરેનું આલેખન કરવામાં આવ્યું છે.
ગુપ્તકલા (ઈ. સ. 350થી ઈ. સ. 550) ભારતીય શિલ્પકલાના ઇતિહાસમાં એક નવી ભાત પાડે છે. લાવણ્ય અને સપ્રમાણતા ગુપ્તકલાનાં વિશિષ્ટ લક્ષણો છે. ગુપ્ત શાસન દરમિયાન ઉદભવેલી અને પ્રસાર પામેલી મૂર્તિકલામાં માધુર્ય જોવા મળે છે. આ સમયની મૂર્તિકલામાં મનુષ્યના આકારનું સ્વરૂપ સ્થાપિત થયું તેમજ શરીરનાં અંગ-ઉપાંગોનાં સૌંદર્યને રજૂ કરવા પ્રાણીઓ, પક્ષીઓ કે પ્રાકૃતિક પદાર્થોની કલ્પના કરવામાં આવી; જેમ કે, પાન કે ઈંડાં આકારે મુખાકૃતિ, ધનુષ્યાકારે કપાળ, મત્સ્ય, ખંજન પક્ષી, હરણ-નેત્ર, પદ્મના આકારે આંખ, શુકનાસિકાકારે નાક વગેરે. મૂર્તિવિધાનને લગતા ચોક્કસ નિયમો આ સમય દરમિયાન ઘડાયા તેથી પ્રતિમાઓ સપ્રમાણ બની, ‘તાલ’ પ્રમાણે બની. મૂર્તિઓમાં મુદ્રાઓ, આસનો અને ભંગિઓને પ્રાધાન્ય અપાયું. ગુપ્ત-શિલ્પો રૂપ-પ્રધાનની સાથે ભાવ-પ્રધાન પણ છે. રૂપ અને ભાવનો આવો ઉત્તમ સમન્વય ભાગ્યે જ બીજે જોવા મળે. આ શિલ્પો ચુનારની ખાણના સફેદ રેતિયા પથ્થરમાંથી બનાવેલાં છે. ગુપ્તમૂર્તિકલા કોઈ એક સંપ્રદાયને કેન્દ્રમાં રાખીને ચાલી નથી, પરંતુ અનેક સંપ્રદાયોમાં પ્રસરી છે. સારનાથ અને મથુરા તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. સારનાથની આ સમયની મૂર્તિઓ બહુધા
બૌદ્ધ ધર્મની છે. તેમાં બુદ્ધની ભૂમિ-સ્પર્શ અને ધર્મચક્ર-પ્રવર્તન મુદ્રા ધરાવતી પ્રતિમાઓ મુખ્ય છે. સારનાથની બીજા પ્રકારની બુદ્ધની મૂર્તિ ગુપ્ત કલાનો અદ્વિતીય નમૂનો છે. આ મૂર્તિમાં રસ, અંગોની ભાવભંગિ, રૂપ, ઔચિત્ય વગેરે ઉત્તમ રીતે રજૂ થયાં છે. સારનાથમાંથી બુદ્ધના જીવનની ઘટનાઓને રજૂ કરતાં પ્રસ્તર-ફલકો, અવલોકિતેશ્વર, મૈત્રેય, મંજુશ્રી જેવા બોધિસત્ત્વોની મૂર્તિઓ પણ મળી આવી છે. મથુરામાંથી પ્રાપ્ત બુદ્ધની પ્રતિમાના મુખ પર આધ્યાત્મિક ભાવ અને કરુણા જણાય છે. બુદ્ધે ધારણ કરેલા વસ્ત્રની કરચલીઓ અને મસ્તક પાછળનું પ્રભામંડળ કલાપૂર્ણ છે. હાલ આ પ્રતિમા મથુરાના સંગ્રહાલયમાં છે. ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળેલી બુદ્ધની ધાતુપ્રતિમા તત્કાલીન ધાતુપ્રતિમાનો શ્રેષ્ઠ નમૂનો છે. ગુપ્ત શિલ્પકલા જૈન અને બ્રાહ્મણ ધર્મમાં પણ પ્રસરી હતી. મથુરાની મહાવીર સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમા ઉલ્લેખનીય છે. બ્રાહ્મણ ધર્મની પ્રતિમાઓમાં નૃવરાહ (ઉદયગિરિ, મધ્યપ્રદેશ), ગોવર્ધનધારી શ્રીકૃષ્ણ (કાશી), શેષશાયી વિષ્ણુ, નર-નારાયણ, ગજેન્દ્રમોક્ષ (ત્રણેય દેવગઢ), વિશ્વરૂપ વિષ્ણુ (ગઢવા), રાધાકૃષ્ણ (પહાડપુર), એકમુખી લિંગો (ખોહ અને ભૂમરા), અષ્ટમુખી લિંગ (મંદસોર) અને લકુલીશ(મથુરા)ની પ્રતિમાઓ નોંધપાત્ર છે. મધ્યપ્રદેશમાં આવેલી બાઘની ગુફાઓમાંનાં શિલ્પો આ કાલનાં છે. ગુજરાતમાં શામળાજીમાંથી ઉપલબ્ધ વીરભદ્રની પ્રતિમા ક્ષત્રપકાલ અને મૈત્રકકાલની શિલ્પકલાને જોડતી કડી છે.
ગુપ્તકાલ પછી ઈ. સ. 600થી 900 સુધીના સમયને પૂર્વ મધ્યકાલ (early medieval period) તરીકે ઓળખવામાં આવે છે. આ કાલ દરમિયાન ભારતીય શિલ્પકલાનાં ત્રણ કેન્દ્રો જાણીતાં હતાં ઇલોરા, એલિફન્ટા (મુંબઈ પાસે) અને મહાબલિપુરમ્ (તમિલનાડુ). અહીંની કુલ 34 ગુફાઓ પૈકી 1થી 12 બૌદ્ધ ધર્મની (ઈ. સ. 600-750), 13થી 29 બ્રાહ્મણ ધર્મની (ઈ. સ.ની 8મી સદી) અને 30થી 34 જૈન ધર્મની (8મીથી 10મી સદી) છે. ગુફા નં. 2ની મુખ્ય પ્રતિમા સિંહાસનોપવિષ્ટ ભગવાન બુદ્ધની છે. બુદ્ધના મુખ પર દયાનું દૈવી સ્મિત ફરકી રહ્યું છે. તીનથલ તરીકે ઓળખાતી 12 નં.ની ગુફાના રંગમંડપમાં 103 જેટલી મૂર્તિઓ છે. બ્રાહ્મણ ધર્મની ગુફાઓ પૈકી ગુફા નં. 16 મૂર્તિકલાની દૃષ્ટિએ અગ્રગણ્ય છે. કૈલાસ નામે ઓળખાતી આ ગુફામાં મૂર્તિકલાના આદર્શ નમૂનાઓ નજરે પડે છે. 42 જેટલાં પૌરાણિક દૃશ્યો તેમાં કંડારવામાં આવ્યાં છે. આ દૃશ્યો તાદૃશ અને નાટ્યાત્મક જોમ તથા ભાવને પ્રકટાવે છે. કૈલાસ એ માનવકલાનું સર્વોચ્ચ સર્જન ગણાય છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની દીવાલ પર શિલ્પો કંડારેલાં છે. આમાં અન્નપૂર્ણા, ગરુડારૂઢ વિષ્ણુ, વામનરૂપ વિષ્ણુ, ગોવર્ધનધારી વિષ્ણુ, નૃસિંહ-અવતાર, અર્ધનારીશ્વર, કાલિયદમન, ભૈરવરૂપે શિવ, સિદ્ધયોગી શિવ, મહાદેવ, હંસારૂઢ બ્રહ્મા, નંદી સાથે શિવ, ગંગાધર, લિંગદર્શન, સદાશિવ, વીરભદ્ર, શિવ-પાર્વતીનાં લગ્ન, ચોપાટ રમતાં શિવ-પાર્વતી, કૈલાસોદ્ધરણ વગેરે શિલ્પો ઉલ્લેખનીય છે. જૈન ગુફાઓમાંથી ગુફા નં. 32 શિલ્પની દૃષ્ટિએ ચડિયાતી છે. તેમાં પાર્શ્ર્વનાથ, ગોમટેશ્વર બાહુબલિ, માતંગ યક્ષ, સિદ્ધાયિકા યક્ષિણીની મૂર્તિઓ કંડારેલી છે.
એલિફન્ટાની ત્રિમુખ ધરાવતી મહેશ્વરની પ્રકાંડકાય મૂર્તિ જગવિખ્યાત છે. આ મૂર્તિમાં શિવનાં વિધાયક, પાલક અને સંહારક ત્રણેય સ્વરૂપોને તાશ કરવામાં કલાકારોએ ભારે પુરુષાર્થ કર્યો છે. આ સિવાય અહીં શિવતાંડવ, યોગીરાજ શિવ, અર્ધનારીશ્વર, ભૈરવ, શિવ-પાર્વતીનાં લગ્ન વગેરેને લગતી ભાવવાહી મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ સમયનું ત્રીજું મૂર્તિકલાનું કેન્દ્ર દક્ષિણમાં દરિયાકિનારે આવેલ મહાબલિપુરમના સાત શૈલોત્કીર્ણ રથો (મંદિરો) છે. આ રથો પૈકી આદિવરાહ રથમાં રાજા મહેન્દ્ર વર્મા તથા તેની રાણી અને ધર્મરાજ રથમાંની નૃસિંહવર્માની પ્રતિમાઓ આવેલી છે. મહિષમંડળમાં શેષશાયી વિષ્ણુ અને મહિષાસુરમર્દિનીની પ્રતિમાઓ છે. અહીંની શિલ્પકલામાં સૌથી આકર્ષક રૂપ ગંગાવતરણનું દૃશ્ય છે. તપસ્યામાં પૂર્ણલીન ભગીરથની ભાવવાહી પ્રતિમાની સાથે સારુંયે જગત દિવ્ય તેમજ પાર્થિવ – પશુઓ સુધ્ધાં – તપમાં લીન દર્શાવ્યું છે.
ઈ. સ. 900થી 1300નો કાલ ઉત્તર મધ્યકાલ તરીકે ઓળખાય છે. આ સમયનાં શિલ્પોમાં કલાનું ઓજસ ઝાંખું પડતું જણાય છે. આ સમયની શિલ્પકલાને પ્રાદેશિક ધોરણે છ વિભાગમાં વહેંચી શકાય :
(1) ઓરિસા વિભાગ : ભુવનેશ્વર, કોણાર્ક અને જગન્નાથપુરીનાં મંદિરોમાં કંડારેલાં શિલ્પોનો આમાં સમાવેશ થાય છે. આમાં નાગકન્યાઓ, નૃત્યાંગનાઓ, નાયિકાઓ, માતૃવત્સલ પ્રગટ કરતી મૂર્તિઓ તથા મિથુન મૂર્તિઓ લાલિત્યપૂર્ણ છે. કોણાર્કનું સૂર્યમંદિર પૂર્વી ગંગ શિલ્પકલાનું સર્વોત્તમ શિખર ગણાય છે.
(2) બિહાર–બંગાળ, ઉત્તરપ્રદેશ વિભાગ : આ શૈલીનાં શિલ્પો બુદ્ધ-ગયા, રાજગૃહ, ચંપા, રાજશાહી, દિનાજપુર, ઢાકા, સિલહટ વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. બિહાર-બંગાળની આ સમયની મૂર્તિઓ મોટેભાગે બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતી છે અને તે પાલ રાજાઓના આશ્રયે બનેલી છે. ઉત્તરપ્રદેશમાં પણ આ સમય દરમિયાન એક વિશિષ્ટ શિલ્પશૈલી વિકસી હતી.
(3) બુંદેલખંડ વિભાગ : ખજૂરાહોનાં મંદિરોનાં શિલ્પોનો આમાં સમાવેશ થાય છે. આ મંદિરસમૂહને અલંકૃત કરતી મૂર્તિઓમાં કામશાસ્ત્ર સંબંધી કેટલીક મૂર્તિઓ અત્યંત ભાવપૂર્ણ અને આકર્ષક છે. આ પ્રકારનાં શિલ્પો પર તત્કાલીન તાંત્રિક વિદ્યાની અસર પડેલી જણાય છે. શૃંગાર-કન્યાઓ અને વિવિધ પ્રકારની નાયિકાઓનાં શિલ્પો પણ નયનરમ્ય છે. બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને લગતી કલાકૃતિઓ મહોબાની આસપાસના પ્રદેશોમાંથી મળી છે.
(4) મધ્ય ભારત : ધારના પરમાર રાજાઓએ બંધાવેલાં માળવાનાં મંદિરો તથા કલચૂરિઓએ બંધાવેલાં મંદિરોનાં શિલ્પોનો આ વિભાગમાં સમાવેશ થાય છે. ભોજદેવે ધારાનગરીના સરસ્વતી-મંદિરનાં મુખ્ય ખંડમાં સ્થાપેલી સરસ્વતીની મૂર્તિ માળવાની શૈલીનો ઉત્તમ નમૂનો છે. માળવાનાં શિલ્પો પર ખજૂરાહો અને ગુજરાતનાં શિલ્પોની અસર જણાય છે.
(5) ગુજરાત–રાજસ્થાન : આ પ્રદેશમાં ચૌહાણ, રાઠોડ, સોલંકી, વાઘેલા વગેરે વંશના રાજાઓએ અનેક મંદિરો બંધાવ્યાં હતાં. આ મંદિરો કદમાં નાજુક હોવા છતાં તેમનો શિલ્પ-વૈભવ કોઈ પણ રીતે ઊતરે એવો નથી. આબુ, કિરાડુ, ચંદ્રાવતી, નાડોલ, સાદડી, રાણકપુર, બિકાનેર, સોમનાથ, મોઢેરા, સિદ્ધપુર, ગળતેશ્વર, ઘૂમલી, ગિરનાર, વડનગર, કપડવંજ, ઝિંઝુવાડા વગેરે સ્થળોએ ઉત્કૃષ્ટ કોટિનાં શિલ્પો અંકિત થયેલાં છે. આ પ્રદેશની શિલ્પશૈલી ‘મારુ-ગુર્જર શૈલી’ તરીકે ઓળખાવા લાગી છે. મોઢેરાના સૂર્યમંદિરમાં નૃત્યરત દેવાંગનાઓ, દેવો, પ્રસંગકથાઓ, મિથુનો તેમજ સુશોભનાત્મક શિલ્પોનું આલેખન વિગતપૂર્ણ અને આકર્ષક છે. આબુના વિમલવસહિ મંદિરની વિતાનોની બારીક કોતરણી અદ્ભુત છે; જ્યારે લૂણવસહિ ભારતનો અમૂલ્ય કલા-નિધિ ગણાય છે. જગતની મહાન અજાયબીઓમાં આ બંને મંદિરોની કોતરણીની ગણના થાય છે. બિકાનેરમાંથી મળેલ જૈન દૈવી સરસ્વતીની મૂર્તિ બારમી સદીની પશ્ચિમ ભારતીય કલાનો સુંદર નમૂનો ગણાય છે.
(6) તમિલનાડુ વિભાગ : ચોળ, પાંડ્ય અને હોયસળ રાજ્યકાલ દરમિયાન બંધાયેલાં મંદિરો અને નિર્માણ પામેલાં શિલ્પો ઉત્કૃષ્ટ કોટિનાં છે. તાંજોરના રાજ-રાજેશ્વર મંદિરનું તથા ચિદંબરમ્ અને મદુરાનાં મંદિરોના સ્તંભો પરનું નકશીકામ પ્રશંસનીય અને કલ્પનાપ્રચુર છે. આ સ્તંભો પરની પૂરા મનુષ્યકદની બારીક કોતરણીવાળી, લાવણ્યમય અને ભાવમય મૂર્તિઓ દર્શનીય છે. કર્ણાટકના હલેબીડના હોયસલેશ્વર તથા સોમનાથપુરમનાં મંદિરોની મૂર્તિકલામાં સમસ્ત હિંદુ દેવ-દેવીઓનાં પૌરાણિક કથાઓનાં દૃશ્યો અંકિત કર્યાં છે. શ્રવણ બેલગોડાની એક જ પથ્થરમાંથી કંડારેલી ગોમટેશ્વરની 16.5 મીટર ઊંચી ભવ્ય પ્રતિમા નોંધપાત્ર છે.
2. ગુજરાતની શિલ્પકલા : ગુજરાતની શિલ્પકલાનાં પગરણ પણ આદ્ય-ઐતિહાસિક કાલથી શરૂ થાય છે. આ કાલનું મહત્વનું કેન્દ્ર લોથલ હતું. લોથલમાંથી માનવ-ઘાટની માટીની પકવેલી આકૃતિઓ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે. ત્રણ પુરુષ-આકૃતિઓ મળી છે. સ્ત્રી-આકૃતિઓ પણ મળી આવી છે. લોથલમાં કાંસાના ઢાળાનું કામ પ્રચલિત હતું. આ પ્રકારની માત્ર પ્રાણીઓની જ આકૃતિઓ પ્રાપ્ત થઈ છે. કૂતરાંની બે આકૃતિઓ, બેઠેલા વૃષભની આકૃતિ, પક્ષીના મસ્તકવાળી સળી, એક સસલું અને કૂકડો ઉલ્લેખનીય છે. પશુ અને માનવની મિશ્ર આકૃતિઓના નમૂના પણ જોવા મળે છે.
મૌર્યકાલનું ગણાવી શકાય તેવું શિલ્પ ગુજરાતમાંથી હજુ સુધી જડ્યું નથી. એ જ રીતે શુંગકાલનાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં નથી. ઈ. પૂ. પહેલા-બીજા સૈકામાં ગુજરાતમાં ગ્રીકોનું રાજ્ય હોવાની સંભાવના છે. અમરેલીના ખોદકામમાંથી દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતી મળી છે. ક્ષત્રપકાલ(ઈ. સ. પહેલી સદીથી ઈ. સ. 400)ની શિલ્પકલાના અવશેષો પ્રાપ્ત થયા છે. તળાજાના એભલમંડપની ગુફા, જૂનાગઢ પાસે ખાપરા-કોડિયાની ગુફા, ઉપરકોટની ગુફાઓ, બાવા-પ્યારાના મઠની ગુફાઓ, ખંભાલીડાની ગુફાઓ, સૌરાષ્ટ્રમાં સાણાની અને ઢાંકની ગુફાઓ તેમજ શામળાજી પાસે દેવની મોરીનો સ્તૂપ વગેરે સ્થળોએ આ સમયનાં શિલ્પો આવેલાં છે. ગુફાઓમાં મોટેભાગે ચૈત્ય-ગવાક્ષનાં સુશોભન જોવા મળે છે.
ખંભાલીડાની ગુફાઓ પૈકીની એક ચૈત્યગુફાની બહારની દીવાલ ઉપર પદ્મપાણિ અવલોકિતેશ્વર અને વજ્રપાણિ બોધિસત્ત્વોનાં મોટાં શિલ્પો કંડારેલાં છે. દેવની મોરીના સ્તૂપનાં સુશોભનો ગાંધાર અને પાશ્ચાત્ય શૈલીને મળતાં આવે છે. સ્તૂપના દરેક ગોખની મધ્યમાં માટીમાંથી બનાવેલી બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિઓ મૂકેલી હતી. આ મૂર્તિઓની બનાવટ ઉચ્ચ કલાનાં દર્શન કરાવે છે. આ પ્રતિમાઓ એકસરખી લાગે છે; પરંતુ સૂક્ષ્મ રીતે જોતાં તેમાં વૈવિધ્ય જણાય છે ખાસ કરીને મુખાકૃતિ, વસ્ત્રપરિધાન અને દેહયદૃષ્ટિની દૃષ્ટિએ. દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ એમ. એસ. યુનિવર્સિટી ઑવ્ બરોડાના પુરાતત્વ વિભાગના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. શામળાજીની આસપાસથી ઈ. સ. 4000ના સમયની હિંદુ પ્રતિમાઓ પણ મળી આવી છે : બાળક સાથે ત્રિભંગમાં ઊભેલી યક્ષી (કે કોઈ દેવી), માતા અને શિશુની ખંડિત મૂર્તિ, ભીલડી-વેશે પાર્વતીની ઊભી પ્રતિમા, ચામુંડાદેવીની પ્રતિમા વગેરે. ખેડબ્રહ્માથી પ્રાપ્ત એકમુખીલિંગ, સોજિત્રામાંથી અને કચ્છમાં દોલતપુરમાંથી પ્રાપ્ત મસ્તકો શામળાજી પાસે નાગધરામાંથી મળેલ ભારવાહકનું ધાતુશિલ્પ વગેરે ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમિયાન વિકસેલી શિલ્પકલાની ઝાંખી કરાવે છે. ગુપ્તકાલીન ગુજરાતનાં શિલ્પોમાં મુખ્યત્વે વીરભદ્ર-શિવ (શામળાજી), વડોદરા મ્યુઝિયમમાં સચવાયેલી બે માતૃકાઓ, અંબાજી પાસેની વાવના બે ગણ, ગોપના મંદિરને ફરતી દીવાલ પરની કેટલીક આકૃતિઓ, મસ્તક વિનાનું માટીનું શિલ્પ (શામળાજીની આસપાસ), કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા તીર્થંકર શ્રીઆદિનાથની ખંડિત પ્રતિમા વગેરેની ગણના કરી શકાય.
મૈત્રકકાલ અને અનુ-મૈત્રકકાલ(ઈ. સ. 470થી ઈ. સ. 942)નાં શિલ્પો પ્રાપ્ત થયાં છે. તે પૈકી કેટલીક જાણીતી શિલ્પાકૃતિઓ આ પ્રમાણે છે : નંદીને અઢેલીને ઊભેલાં શિવ-પાર્વતી (કારવણ), વિશ્વરૂપ વિષ્ણુ (શામળાજી), મકરવાહિની ગંગા (શામળાજી), ત્રિશૂળધારી શૈવ દ્વારપાલ (શામળાજી), ઉમા-મહેશ્વર (કપૂરાઈ), અકોટામાંથી પ્રાપ્ત શ્રીજીવંતસ્વામી, આદિનાથ, અંબિકાની પ્રતિમાઓ, પાર્વતી (દેલવાડા),
માતા અને બાળક (કોટ્યર્ક), સ્કંદમાતા (કોટ્યર્ક), પાર્વતી અને નૃત્ય કરતા ગણપતિ (ટીંટોઈ), વિશ્વરૂપ વિષ્ણુ (કઠલાલ), સપ્તમાતૃકાઓ (ડીસા પાસે વડાવલ), મહિષમર્દિની (પિકોરા, કઠલાલ પાસે), કદવારના વરાહમંદિરનાં શિલ્પો, રોડાના મંદિરનાં શિલ્પો, કૌમારી (કારવણ), કુંભારિયા અને કોટેશ્વરની માતૃકાઓ, પિંડારક (પીંડારા) તીર્થની આજુબાજુનાં શિલ્પો, વડનગરમાંનો અમથેર માતાના મંદિરની સપ્તમાતૃકાઓનો પટ્ટ, કુબેર (સિદ્ધપુર), સિંહારૂઢ અંબિકા (અકોટા), સર્વાનુભૂતિ યક્ષ (અકોટા) વગેરે.
ગુજરાતની સોલંકીકાલીન (ઈ. સ. 942થી ઈ. સ. 1303-04) શિલ્પ- શૈલીને ‘મારુ-ગુર્જર શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનાં શિલ્પો ગુજરાતના પ્રદેશ ઉપરાંત રતલામ પાસે વિરૂપાક્ષ મંદિર, રાજસ્થાનમાં માધોપુર, આબુ પાસે ચંદ્રાવતી નગરી, નાડોડ, નાડલાઈ, ઘાણે રાવ, સાદડી, રાણકપુર સેવાડી, પાલી, કિરાડુ, જાલોરગઢ અને ચિત્તોડગઢનાં મંદિરોમાં પણ આ શૈલીનાં શિલ્પો દૃષ્ટિગોચર થાય છે. આ કાલનાં આશરે 80 જેટલાં મંદિરો, કિલ્લાઓ, તળાવો, વાવો વગેરે સ્થાપત્યના તેમજ સેંકડો શિલ્પોના અવશેષો મળે છે. સોલંકીકાલીન શિલ્પો મુખ્યત્વે હિંદુ અને જૈન ધર્મને લગતાં છે. હિંદુ શિલ્પોમાં શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયનાં શિલ્પો, સૂર્યપૂજા તથા શક્તિપૂજાનાં શિલ્પો એક જ સ્થાનમાં સાથે સાથે જોવા મળે છે. આવાં શિલ્પો વઢવાણ, સૂણક, દેલમાલ, વાલમ, મોઢેરા, ખેડબ્રહ્મા, સેજકપુર, દ્વારકા (રુક્મિણીનું મંદિર), ગળતેશ્વર, કોટાય, પાવાગઢ, કેરા, ઘૂમલી, સિદ્ધપુર, તારંગા, પ્રભાસ પાટણ, ગિરનાર, કુંભારિયા, આબુ વગેરે સ્થળોનાં મંદિરોમાં જોવા મળે છે. છૂટાં શિલ્પો કેટલાંક સંગ્રહાલયોમાં પણ સચવાયાં છે. દેલમાલના લિંબોજી માતાના મંદિરના અગ્નિકોણના સૂર્યમંદિરના પશ્ચિમ તરફના ગવાક્ષમાં ગુજરાતની એક ઉત્તમ મૂર્તિ હરિહર પિતામહાર્ક આવેલી છે. પાવાગઢના લકુલીશના મંદિરના મંડોવરની જંઘાના ભાગમાં વીરેશ્વર, લકુલીશ, અષ્ટાદશ ભુજાદેવી, નટરાજ, યોગાસનમાં શિવ, ગજેન્દ્રમોક્ષ અને બ્રહ્મેશાનાર્કનાં શિલ્પ ઉત્તમ કોતરણીવાળાં અને વેગીલાં છે. મોઢેરાના સૂર્યમંદિરની જંઘાના ગવાક્ષોમાં સૂર્યની બાર મૂર્તિઓ, અષ્ટદિક્પાલ, દિક્પાલિકાઓનાં પૂરાં માનવકદનાં શિલ્પ છે.
પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપની દીવાલ પર પણ બાર સૂર્યોની મૂર્તિઓ છે. સ્તંભોનો એકેએક ભાગ સૂક્ષ્મ કોતરકામથી પૂર્ણ છે. સ્તંભોના ગવાક્ષોમાં નર્તકીઓ અને મિથુનોનાં ઉન્નત કોટિનાં શિલ્પ છે. પાટડા પર અનેક દેવદેવીઓ તથા રોજિંદા જીવનના તથા રામાયણ-મહાભારતના પ્રસંગો કોતરેલા છે. અહીંનાં મિથુન-શિલ્પો ખાસ નોંધપાત્ર છે. કુંભારિયાનાં મંદિરોનું કોતરકામ આબુ-દેલવાડાનાં મંદિરોને મળતું આવે છે, પરંતુ એના વારંવાર થયેલા જીર્ણોદ્ધારના કારણે એના કલાસૌષ્ઠવમાં ઓટ આવી છે; આમ છતાં એની છતોનો કલાવૈભવ ઘણી ઊંચી કોટિનો છે. પાટણની રાણીની વાવનો શિલ્પ-વૈભવ જોતાં તેને કલા-તીર્થ કહી શકાય.
સલ્તનતકાલ (ઈ. સ. 1303-04થી ઈ. સ. 1572) અને મુઘલકાળ (ઈ. સ. 1572થી 1559) દરમિયાન મંદિરનિર્માણની પ્રવૃત્તિ ઘણે અંશે અટકી ગઈ હતી; તેથી શિલ્પોનું કોતરકામ ઘણું જ ઓછું થયું. આ સમયમાં ઇસ્લામી સ્થાપત્ય તરફ વધારે ધ્યાન અપાયું અને તેમાં મૂર્તિના સ્થાને ભૌમિતિક તથા વનસ્પતિજન્ય સુશોભનો, નકશીકામ, જાળીકામ, ગોખ, મિનારા, ઝરૂખા વગેરેની રચનાને પ્રાધાન્ય અપાયું; આથી કલાકારો મનુષ્ય-આકૃતિના સર્જનથી અળગા થતા ગયા; તેથી આ સમયનાં મનુષ્ય-શિલ્પો વધુ નિર્જીવ અને ભાવવિહીન જણાય છે. આ સમયની શિલ્પાકૃતિઓમાં લોકકલા અને સ્થાનિક કલાનાં તત્વ ઉમેરાયાં છે. વૈષ્ણવ-પુદૃષ્ટિ સંપ્રદાયનો વ્યાપક પ્રસાર થવાથી એની સેવા-પદ્ધતિને અનુરૂપ પ્રતિમાઓ પણ ઘડાવા લાગી; વૈષ્ણવ અને જૈન ધર્મના પ્રોત્સાહનથી ધાતુપ્રતિમા-કલાનો વિકાસ થયો. આ સમયની અસંખ્ય જૈન ધાતુપ્રતિમાઓ ઉપલબ્ધ છે. વલ્લભ સંપ્રદાયને કારણે લાલજી, લાડુ-ગોપાલ, વેણુ-ગોપાલ, મુરલીધર, રાધા-કૃષ્ણ વગેરેની ધાતુપ્રતિમાઓનું નિર્માણ થયું. ખંભાતની આર. પી. આર્ટ્સ કૉલેજના મ્યુઝિયમની 14મી સદીની બ્રહ્મા-સાવિત્રીની મૂર્તિ, સાબરકાંઠાના પોળો વિસ્તારના આભાપુરના સારણેશ્વર મંદિરની અંધકારસૂરવધ કરતા શિવની મૂર્તિ, ચતુર્ભુજ રક્તચામુંડાની મૂર્તિ, શિવશક્તિ મંદિરોમાંથી પ્રાપ્ત સ્તંભો પર કંડારેલી બ્રાહ્મી અને વૈષ્ણવીની મૂર્તિઓ, વંથળીનું સૂર્યપરિકર, વાવડીની સૂર્ય-સૂર્યાણીની પ્રતિમા, ધોળકાની મહિષાસુરમર્દિની અને ગણેશ વક્રતુંડની પ્રતિમાઓ, વડનગરના હાટકેશ્વર મંદિરમાં મત્સ્યાવતારનું અને દિક્પાલ યમરાજનું શિલ્પ વગેરે સલ્તનતકાલીન શિલ્પકલાનાં ઉલ્લેખનીય ઉદાહરણો છે. ખંભાતની જામી મસ્જિદ અને સરખેજમાં ખટ્ટુ ગંજબક્ષના રોજાની જાળીઓની કોતરણી સુંદર અને આકર્ષક છે. અમદાવાદમાં અહમદશાહ 1લાની, હસન ચિશ્તીની રૂપમતી અને સિપ્રિની, મુંહાફીઝખાં અને અચૂતકૂકીની મસ્જિદોનાં સ્થાપત્યમાં આ સમયનાં બેનમૂન ઇસ્લામી રૂપાંકનો જોવા મળે છે. અડાલજ અને અસારવાની વાવોનાં અલંકરણો પણ આ જ સમયનાં છે.
શામળાજીના ગદાધર મંદિરમાં, દ્વારકાના જગતમંદિરમાં, નારાયણ સરોવરના તથા માંડવીના સુંદરવરનાં મંદિરોમાં; શત્રુંજયનાં ચૌમુખીજી, નેમિનાથ, પાર્શ્ર્વનાથ, ધર્મનાથ અને સુમતિનાથનાં મંદિરોમાં; અમદાવાદમાં અસારવાના નીલકંઠ મહાદેવ મંદિરમાં અને ઝવેરીવાડમાં સંભવનાથના મંદિરમાં, નીશાપોળમાં જગવલ્લભ પાર્શ્ર્વનાથના મંદિરમાં, દોશીવાડાની પોળના વૈષ્ણવ મંદિરમાં, ખેડબ્રહ્મામાં બ્રહ્માજીના મંદિરમાં મુઘલકાલીન શિલ્પો આવેલાં છે. ઈડરના પહાડ પરની રણમલ ચોકીના જૈનમંદિરની અને ભુજના આયના-મહેલની નકશીવાળી પથ્થરની જાળીઓ ખાસ ધ્યાન ખેંચે છે. અમદાવાદની સીદી સઈદની મસ્જિદનું જાળીકામ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
મરાઠાકાલ (ઈ. સ. 1758 ઈ. સ. 1818) દરમિયાન ગુજરાતના શિલ્પકારો પુણે, ચાંદોર, નાસિક, નાગપુર વગેરે સ્થળોએ પેશવાઓ અને દરબારીઓના મહેલો, ભવનો અને મંદિરોનાં સુશોભન કરવા જવા લાગ્યા. આથી ગુજરાતની શિલ્પકલા એ પ્રદેશો સુધી વિસ્તરી. સામે પક્ષે ગુજરાતની કલા પર દક્ષિણની શિલ્પકલાની અસર પણ થઈ. ખાસ કરીને આ સમયનાં નારી-શિલ્પોમાં મરાઠી પદ્ધતિએ કછોટો મારીને સાડી પહેરવાની ઢબ જોવા મળે છે. પુરુષો અને દેવપ્રતિમાઓના મસ્તકે મરાઠી ચકરીદાર પાઘડી પહેરેલી જોવા મળે છે. અમદાવાદના ભદ્રના કિલ્લાના વિસ્તારમાં આવેલાં મરાઠાકાલીન મંદિરોમાં, ભૂતિયા-વાસણાના દૂધનાથ મહાદેવના મંદિરમાં, પાળિયાદના શિવ-મંદિરમાં, કચ્છમાં લખપતજીની છતરડીમાં, સોજિત્રાના એક જૈન મંદિરમાં, ચાણોદના કુબેરેશ્વર મહાદેવના મંદિરમાં મરાઠાકાલનાં શિલ્પો છે. વડોદરા મ્યુઝિયમમાં સચવાયેલી આ સમયની કેટલીક ધાતુપ્રતિમાઓ ગુજરાતની ધાતુકલાના ઉત્તમ નમૂના છે.
3. શિલ્પકલાનું શિક્ષણ અને સંસ્થાઓ : ભારતમાં બ્રિટિશ સરકારે શિક્ષણમાં જે ફેરફારો કર્યા તેમાં કલાના શિક્ષણને પણ મહત્વ આપ્યું હતું. કેટલાક બ્રિટિશ અધિકારીઓ ભારતીય કલાના પરમ ચાહકો હતા. તેમણે ભારતીય કલા વિશે પુસ્તકો અને લેખો લખીને દુનિયાભરનું ધ્યાન ભારતની કલાસમૃદ્ધિ પ્રત્યે દોર્યું. ઈ. સ. 1880માં ભારતના તે સમયનાં મુખ્ય ચાર શહેરો-મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં સરકાર તરફથી કલા-વિદ્યાલયો શરૂ કરવામાં આવ્યાં. આ કલા-વિદ્યાલયોમાં શરૂઆતમાં પશ્ચિમની કલા ઉપર વધારે ભાર અપાતો હતો. ખાસ કરીને ઉપયોગી કલા(aplied art)નું શિક્ષણ અપાતું હતું. આ સમયમાં બે વિખ્યાત વિદેશી કલાવિવેચકોએ ભારતીય કલાની ભારે સેવા કરી. તેમણે કલાશિક્ષણમાં ભારતીય કલાને પ્રાધાન્ય આપ્યું. આ વિવેચકોમાં લૉર્ડ કર્ઝને ભારતનાં કલાત્મક સ્મારકોની શોધ કરી અને સરકાર તરફથી તેના સંરક્ષણની વ્યવસ્થા કરી. બીજા હતા કોલકાતા કલાવિદ્યાલયના આચાર્ય ઈ. બી. હેવેલ. તેઓ કોલકાતા મ્યુઝિયમના નિયામક અને ભારતીય કલાના પ્રખર અભ્યાસી અને ચાહક હતા. તેમણે પ્રથમ વાર જ કલાશિક્ષણમાં ભારતીય કલાને સ્થાન આપ્યું. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ 1857માં બૅરોનેટ સર જમશેદજી જીજીભાઈના નામે શરૂ કરવામાં આવી હતી. તેમાં યુરોપિયન શિક્ષકો લાવીને પશ્ચિમી પદ્ધતિએ કલાશિક્ષણ આપવામાં આવતું હતું. આ વિદ્યાલયના આચાર્ય જૉન ગ્રિફિથ ભારતીય કલાના અનન્ય ચાહક હતા. આ પછી આચાર્યપદે સી. આર. જિરાર્ડની નિમણૂક થતાં આ વિદ્યાલયમાં પશ્ચિમના આધુનિક કલાપ્રવાહોના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. કલાશિક્ષણના બીજા જાણીતા કેન્દ્ર તરીકે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિનિકેતનનો ઉલ્લેખ કરી શકાય. 1947 પછી ભારતની ઘણી યુનિવર્સિટીઓમાં લલિતકલાઓનો અભ્યાસક્રમ અમલમાં મુકાયો અને તે ઉપક્રમે શિલ્પકલાનું શિક્ષણ આપવાનું શરૂ થયું. શિલ્પકલાનો ઇતિહાસ, તકનીક વગેરેનું શિક્ષણ અપાય છે. એમ. એસ. યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફાઇન આર્ટ્સ ફૅકલ્ટીમાં શિલ્પકલાનું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક શિક્ષણ અપાય છે. આ ક્ષેત્રે અમદાવાદની સી. એન. વિદ્યાલયનું નામ પણ જાણીતું છે.
4. જગતની શિલ્પકલા : જગતની પ્રાચીન સંસ્કૃતિઓમાં શિલ્પસ્થાપત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે મિસર અથવા ઇજિપ્તનું વિશેષ પ્રદાન છે. મિસરમાં શિલ્પ માટે પથ્થર ઉપરાંત લાકડું અને ધાતુનો પણ ઉપયોગ થતો. અહીંનાં શિલ્પો પૂર્ણ તક્ષણ અને અર્ધતક્ષણ પ્રકારનાં છે. પિરામિડો વચ્ચે કંડારેલી સ્ફિન્ક્સની મહાકાય મૂર્તિઓ ધ્યાનાકર્ષક છે. તે 21.3 મીટર ઊંચી અને 48.8 મીટર લાંબી છે. માનવ અને સિંહના મિશ્ર આકારની આ મૂર્તિઓ જાણે કે પિરામિડની રક્ષક હોય તેવી લાગે છે. મિસરમાં સિંહ પવિત્ર વસ્તુઓના રક્ષક હોવાની માન્યતા છે. સ્ફિન્ક્સની મૂર્તિઓ આ કારણે મુકાઈ હોવાની શક્યતા છે. રાણી નિફ્રેટિસના શિલ્પમાં સંપૂર્ણ વાસ્તવિકતાનાં દર્શન થાય છે. રાજારાણીઓને ખુશ કરવા આવી ઘણી પ્રતિમાઓ ઘડવામાં આવતી હતી. માનવ-શિલ્પોમાં મુખ અને પગ પાર્શ્ર્વ સ્થિતિમાં હોય છે, જ્યારે નાભિથી ઉપરનો ભાગ સન્મુખ સ્થિતિમાં જોવા મળે છે એ અહીંનાં શિલ્પોની વિશેષતા છે. શહદેય, નોફ્રેટ અને લહિયાનું શિલ્પ પૂર્ણ તક્ષણ પ્રકારનાં છે. રાજા એમેનહોટેપ ચોથા(તેણે ‘ઇખ્નાહોન’ નામ ધારણ કર્યું હતું)ના સમયમાં સૂર્યપૂજા રાજધર્મ બની હતી. સૂર્યની પૂજા કરતા આ રાજાનું અર્ધ-તક્ષણ શિલ્પ પ્રસિદ્ધ છે. તેની નાની દીકરીને લાડ કરાવતા આ રાજાનું શિલ્પ પણ ધ્યાનાકર્ષક છે. ત્રીજા રાજવંશ દરમિયાન અર્ધતક્ષણ શિલ્પકલાનો ઘણો વિકાસ થયો હતો.
ગ્રીસના ઉદયની પૂર્વે ઇજિપ્તની જેમ મેસોપોટેમિયા પણ પ્રાચીન જગતનું આગળ પડતું કેન્દ્ર હતું. વારકા, તેલ અસ્માર, ખાફાજે, તેલ અગ્રાબ, ઉર, તેલો, મારી, ખોરસાબાદ, નિમ્રુદ અને કુયુન્જિક વગેરે સ્થળોએથી આ સંસ્કૃતિનાં શિલ્પો પ્રાપ્ત થયાં છે. ઇજિપ્તની જેમ મેસોપોટેમિયાની કલાનો પણ સ્વતંત્ર રીતે વિકાસ થયો હતો. અહીંના લોકોએ રાજાઓની પ્રતિમા બનાવવામાં વધુ રસ લીધો હતો. દાઢીધારી માનવ-પ્રતિમાઓ અને માનવ-મસ્તકસહ પંખયુક્ત વૃષભની પ્રતિમાઓ અહીંની સંસ્કૃતિની અપ્રતિમ ભેટ છે. અહીંનાં શિલ્પોમાં ભાસ્કર્યોનું પ્રમાણ વધારે છે. ખોરસાબાદમાંથી પાંખોવાળાં વૃષભનાં શિલ્પો મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. નિર્મુદમાં રાજા આશુર્નાસિર્પાલનો મહેલ સુંદર ભાસ્કર્યોથી અલંકૃત હતો.
ગ્રીક શિલ્પકલામાં શારીરિક સૌષ્ઠવ અને પ્રમાણ પર ભાર મૂકવામાં આવ્યો. ગ્રીક શિલ્પકલા ધર્માવલંબી હતી અને મંદિરો સાથે સંકળાયેલી હતી. શિલ્પમાં શરીરની પૂર્ણતા પર વધુ ધ્યાન આપવામાં આવતું હોવાથી શિલ્પીઓને શરીરરચનાશાસ્ત્ર(anatomy)નો અભ્યાસ કરવો પડતો હતો. સામોસ ટાપુ પરના મંદિરમાંથી મળેલ હેરા(દેવોની રાણી)નું શિલ્પ ઈ. પૂ. 550ના સમયનું છે. રમતવીરોનાં ઘણાં શિલ્પો ઉપલબ્ધ થયાં છે. આ પ્રકારનાં શિલ્પો માટે ગ્રીક ભાષામાં ‘કૌરોસ (Kouros)’ શબ્દ છે. ન્યૂયૉર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં આ પ્રકારનું એક સુંદર શિલ્પ સચવાયેલું છે. કેટલાક વિદ્વાનો તેને ઍપૉલોના શિલ્પ તરીકે ઓળખાવે છે. તેનો સ્કંધપ્રદેશ તેના નિતંબ પ્રદેશ કરતાં ઘણો પહોળો છે. ડેલ્ફીના મ્યુઝિયમમાં સંગૃહીત યુવાન રથસવારનું ધાતુશિલ્પ આકર્ષક છે. રથ-દોડની સ્પર્ધામાં વિજયી થતાં તેની સ્મૃતિમાં આ શિલ્પ ઘડવામાં આવ્યું છે. શિલ્પી માયરૉને બનાવેલ ચક્ર (discus) ફેંકતા યુવાનનું મૂળ શિલ્પ ધાતુમાંથી બનાવેલું હતું. હાલ તે ગુમ થઈ ગયેલું છે, પરંતુ આરસમાં બનાવેલી તેની અનેક નકલો મળે છે. તેનું ઝૂકેલું શરીર અંગ્રેજી ‘S’ આકારે (આપણી પરિભાષામાં ત્રિભંગી અવસ્થામાં) છે. ગ્રીકનાં મંદિરોના મુખભાગની ઉપરનાં ત્રિકોણાકાર પેડિમેન્ટ (pediment) ખીચોખીચ શિલ્પોથી અલંકૃત કરવામાં આવતાં. એજિના ટાપુ પરના એફૈયાના મંદિરના પેડિમેન્ટ પર ટ્રોજનના યુદ્ધનું દૃશ્ય કંડારેલું છે. ઑલમ્પિયાના ઝિયસના મંદિરના પેડિમેન્ટનું શિલ્પકામ પણ આકર્ષક છે. ફિડિયાસ અને પૉલિક્લેટિયસ ગ્રીક કલાના જાણીતા શિલ્પીઓ હતા. ફિડિયાસે પૅરિક્લિસના સમયમાં ઍથેન્સને તેની શિલ્પકલાથી સજાવ્યું હતું. તેનું પ્રસિદ્ધ શિલ્પ પાર્થેનૉની ઍથેના દેવીનું શિલ્પ છે. 12.2 મીટર (40 ફૂટ) ઊંચી આ પ્રતિમા કાંસું, ચાંદી અને સોનામાંથી બનાવવામાં આવી હતી.
તેની બનાવટમાં રંગીન આરસ અને હાથીદાંતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ આ પ્રતિમા ઉપલબ્ધ નથી; પરંતુ રોમન કલામાં થયેલી તેની પ્રતિકૃતિઓ મળી આવે છે. ઑલમ્પિયાની ઝિયસની પ્રતિમા પણ લગભગ આટલા જ કદની છે. ગ્રીકોના પ્રસિદ્ધ સ્થાપત્ય પાર્થેનૉનમાં ઘણાં શિલ્પો ફિડિયાસનાં છે. આ શિલ્પો ફિડિયાસે જાતે કંડાર્યાં નહિ હોય તોપણ તેના માર્ગદર્શન નીચે જરૂર આ કામ થયું હશે. ફિડિયાસના સમકાલીન પૉલિક્લેટિયસે ડોરિન શૈલીમાં મોટેભાગે ધાતુશિલ્પોનું સર્જન કર્યું હતું. તેનાં ત્રણ શિલ્પો જાણીતાં છે ભાલો ફેંકતો યુવાન, ફીલેટ-બાઇન્ડર અને ઍમેઝોન. તેનાં શિલ્પોમાં શરીરનાં અંગોનાં પ્રમાણ જેને તે કૅનન (canon) તરીકે ઓળખાવે છે તેને સંપૂર્ણ અનુસરે છે. સોપાસ, પ્રૅકિસ ટેલ્સ અને લિસિપ્પ પણ ગ્રીક દેશના જાણીતા શિલ્પીઓ હતા.
રોમનોએ સ્થાપત્યની જેમ શિલ્પકલાને પણ ઘણી વિકસાવી હતી. શિષ્ટ ગ્રીક શિલ્પોની અનુકૃતિઓથી જ રોમમાં શિલ્પકલાની શરૂઆત થઈ હતી. રોમનો ધનાઢ્ય વર્ગ પોતાની પાસે શિષ્ટ ગ્રીક શિલ્પો હોવા માટે ગૌરવ અનુભવતો; પરંતુ ગ્રીક શિલ્પોની મૂળ કૃતિઓ ભાગ્યે જ મળતી તેથી આરસમાં તેમની નકલ કરવામાં આવતી. મકાનોને ઐતિહાસિક પ્રસંગોના ભાસ્કર્યોથી સજાવતાં ટ્રોજનનાં સ્તંભ પરનાં ભાસ્કર્યો ઉલ્લેખનીય છે. (વધુ વિગત માટે જુઓ ‘રોમન સ્થાપત્ય’, ગ્રંથ 19). રોમનોએ વ્યક્તિઓનાં શિલ્પો(portraits)ની બનાવટમાં નિપુણતા કેળવી હતી. આ વર્ગમાં એક યુવતીનું, એક બાળકનું, સમ્રાટ વેસ્પેસિયનનું અને સમ્રાટ ઑગસ્ટસનું શિલ્પ પ્રસિદ્ધ છે.
મધ્યયુગીન યુરોપના ઇતિહાસમાં બાયઝેન્ટાઇન સભ્યતાએ સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્વનું પ્રદાન કર્યું છે. અહીંની કલામાં ગ્રીક, રોમન, આરામાઇક અને ઈરાની કલાનાં તત્ત્વોની અસર છે. બાયઝેન્ટાઇનની કલા ધાર્મિક કલા હતી. અર્થાત્, તે ખ્રિસ્તી ધર્મ પર આધારિત કલા હતી. શરૂઆતમાં ખ્રિસ્તી ધર્મમાં કલા મૂર્તિપૂજાને પોષક હોવાની માન્યતા હતી; તેથી કલામાત્ર પ્રત્યે શંકા સેવવામાં આવી. શરીર શેતાનનું સાધન હોવાની માન્યતાને લીધે શિલ્પમાંથી શારીરિક સુદૃઢતાના આદર્શને દૂર કરવામાં આવ્યો. પરિણામે શિલ્પકલામાં શરીરરચનાશાસ્ત્રનો પ્રભાવ દૂર થયો. ઈસુનું આલેખન ઍપૉલોના જેવું થઈ શકતું નહિ. ઈસુની પ્રતિમાના આલેખનમાં વાસ્તવિકતા કરતાં તારણહાર તરીકેના દૈવી ભાવ પર વધુ ભાર મૂકવામાં આવતો. મૂર્તિપૂજાની બાબતે જે ઝઘડા થયા તે દરમિયાન અહીંની મોટાભાગની શિલ્પાકૃતિઓ નાશ પામી. હાથીદાંતની કોતરણી અહીં ઘણી લોકપ્રિય કલા હતી. પુસ્તકોનાં આવરણ માટેનાં પાટિયાં, મંજૂષા, અત્તર-પેટી, નાની પ્રતિમાઓમાં આ કલાનો ઉપયોગ થતો.
રોમનેસ્ક શિલ્પકલામાં ભાસ્કર્યોનું પ્રાધાન્ય છે. શિલ્પમાં આલેખિત પ્રસંગો, કથા કે સંતો માટે વિવિધ પ્રતીકો પ્રયોજાતાં. અરલેસના સેંટ ટ્રૉફાઇમના દેવળના મધ્યના પેડિમેન્ટ પર ‘લાસ્ટ જજમેન્ટ’ (છેલ્લો ન્યાય = કયામતનો દિવસ)નો વિષય સુંદર રીતે કંડારેલો છે. બર્ગન્ડીના આતુનના સેંટ લાઝારેના દેવળમાં પણ આવું દૃશ્ય કંડારેલું છે.
ગૉથિક કલા મધ્યકાલીન ખ્રિસ્તી કલાની વિભાવના અને કલાત્મક રૂપોનો સમન્વય છે. તેનું મુખ્ય કેન્દ્ર ફ્રાન્સ હતું. ત્યાંથી તે લગભગ સમગ્ર યુરોપમાં ફેલાઈ. તેનો સમય ઈ. સ. 1200થી 1273નો મનાય છે; પરંતુ લગભગ સોળમી સદીના મધ્ય અને તે પછી પણ તેનું અસ્તિત્વ રહ્યું. આ સમય દરમિયાન ફ્રાન્સના દેવળના મુખચોકી(porch)ના પ્રવેશને સુંદર રીતે શિલ્પોથી સજાવવામાં આવ્યા છે. શેટ્રેર્રસના કેથીડ્રલના પશ્ચિમના મુખભાગ(facade)ના ત્રણ દ્વાર પરનું શિલ્પકામ ગૉથિક શૈલીનું પ્રાચીનતમ સ્વરૂપ પ્રગટ કરે છે. તેરમી સદી દરમિયાન આ શૈલી તેના ચરમોત્કર્ષ પર પહોંચી. આ વિકસિત તબક્કાનાં ઉત્તમ શિલ્પો પૅરિસના નોત્રદેમમાં જોવા મળે છે. કેથીડ્રલના પ્રવેશ પાસે ઈસુના માનવકદનાં મોટાં પૂતળાં મૂકવામાં આવતાં. બૉ-ડ્યુના દેવળ આગળનું ઈસુનું પૂતળું ઘણું જ આકર્ષક અને ભાવવાહી છે. આ જ દેવળમાં બીજી આકર્ષક પ્રતિમા મૅરીની છે, જે લાવર્જે ડૉરે તરીકે પ્રસિદ્ધ છે. તેનો અર્થ થાય છે – સોનેરી રંગનાં મૅરી.
નવજાગૃતિ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર ઇટાલી હતું. કલાના ક્ષેત્રે બાયઝેન્ટાઇન પરંપરાનું જે આધિપત્ય હતું, તેની સામે ઇટાલીની કલામાં પુનરુદ્ધાર થયો. શિલ્પી દોનાટેલૉએ સેંટ જ્યૉર્જનું ભવ્ય શિલ્પ ઘડ્યું છે. ફ્લૉરેન્સના કેથીડ્રલની સંગીતની દીર્ઘા(ગૅલરી)માં તેનાં કેટલાંક સુશોભનાત્મક શિલ્પો (motifs) જોવા મળે છે. માટીનાં શિલ્પો(teracotta)ની બનાવટ માટે લ્યુકા ડેલા રૉબિયાનું નામ જાણીતું છે. માઇકલૅન્જેલો ચિત્રકાર અને શિલ્પી હતો. ફ્લૉરેન્સમાંનું તેનું ડેવિડનું ભવ્ય શિલ્પ શરીરરચનાશાસ્ત્રની દૃષ્ટિએ અદ્ભુત છે. મોઝિસનું કદાવર શિલ્પ તેણે પૉપ જુલિયસ બીજા માટે બનાવ્યું હતું. સફેદ આરસમાં તેણે સર્જેલું ‘પિયેટા’ શિલ્પ ભાવવાહી છે. માતા મૅરી મૃત ઈસુને પોતાના ખોળામાં લઈને બેઠાં છે તે આ શિલ્પનો વિષય છે. પુત્રના મૃત્યુથી ઊંડા શોકમાં ડૂબેલા મૅરીની માનસિક વ્યથાના યથાર્થ આલેખનમાં માઇકલૅન્જેલોની સિદ્ધહસ્તતાનાં દર્શન થાય છે.
વિશ્વની આધુનિક શિલ્પકલાનાં પગરણ ઓગણીસમી સદીથી શરૂ થાય છે. વિશ્વની આધુનિક શિલ્પકલાના ઇતિહાસમાં પ્રથમ નામ ફ્રાન્સના શિલ્પી રૉદાંનું મૂકી શકાય. આ જગપ્રસિદ્ધ શિલ્પીનાં શિલ્પોમાં પ્રભાવવાદી તકનીકનાં દર્શન થાય છે. વૅક્સ મ્યુઝિયમોનાં શિલ્પોના જેવી અણીશુદ્ધ વાસ્તવિકતાનો તેણે ઇનકાર કર્યો હતો. તેનું પ્રથમ શિલ્પ ‘ધી એજ ઑવ્ બ્રૉન્ઝ’ 1877માં પ્રદર્શિત થયું હતું. ‘ચિંતક’ (Thinker) અને ‘ચૌદ વર્ષની નાની નર્તકી’ (The little dancer of fourteen) એ તેનાં અન્ય પ્રસિદ્ધ શિલ્પો છે.
એ. મેઇલ્લોલ, એ. હિલ્ડેબ્રાન્ડ, ડબ્લ્યૂ. લેહમ્બ્રુક વગેરે આ સમયના શિલ્પીઓ હતા. પિકાસો ચિત્રકાર અને શિલ્પી હતો. તેના ‘સ્ત્રી-મસ્તક’ નામના ધાતુશિલ્પમાં પ્રથમ જ વાર ઘનવાદ(cubism)ની અસર શિલ્પકલા પર જોવા મળે છે. 1920થી પિકાસોએ રશિયન કન્સ્ટ્રક્ટિવિઝમને પ્રચલિત કર્યો. લોખંડમાં ઢાળેલાં તેનાં શિલ્પોમાં ઍનિમિસ્ટિક વલણ જોવા મળે છે. આ ઍનિમિસ્ટિક વલણ અથવા વાઇટાલિઝમ આધુનિક શિલ્પકલાનું મુખ્ય લક્ષણ બની ગયું. લોખંડના સળિયા-વાયરથી ચોક્કસ આકારની બહિર્રેખા બનાવીને તેની વચ્ચે અવકાશ રાખી શિલ્પો બનાવવાની નવી પદ્ધતિ પિકાસોએ 1930માં શરૂ કરી. રશિયાના વી. ટેટલિને શિલ્પમાં એન્જિનિયરિંગ તકનીકનો પ્રયોગ કર્યો. આમ તેણે પ્રથમ જ વાર ઍબ્સ્ટ્રેક્ટ શિલ્પનું સર્જન કર્યું. તે ‘કન્સ્ટ્રક્શન’ તરીકે ઓળખાય છે અને ત્યારથી શિલ્પના ક્ષેત્રે કન્સ્ટ્રક્ટિવિસ્ટ કે સુપ્રિમેટિસ્ટ ચળવળ શરૂ થઈ. એ. પેવ્ઝનર અને એન. ગેબોએ ઔદ્યોગિક સંસ્કૃતિને વધુ પ્રસ્તુત એવી સામગ્રી જેવી કે પ્લાસ્ટિક અને નાયલૉનનો ઉપયોગ શિલ્પની બનાવટમાં કર્યો. હંગેરીના એલ. મૉહૉલિ-નૅગીએ 1943માં પ્રથમ પ્લેક્સિગ્લાસ અને ક્રોમિયમ-શિલ્પ બનાવ્યું. પૅરિસના સી. બ્રાન્કુસીનાં શિલ્પોમાં આકારની પૂરી સ્પષ્ટતા જોવા મળે છે. તેનાં શિલ્પોમાં જણાતું જીવંતપણું (‘વાઇટાલિટી’) બાળસહજ ગુણોથી આવ્યું છે. તે જણાવે છે કે ‘આપણે જ્યારે બાળક થતાં અટકી જઈએ છીએ ત્યારે આપણે મૃત્યુ પામીએ છીએ.’ આધુનિક શિલ્પકલાના એક વિશિષ્ટ લક્ષણ (સામગ્રીના ગુણો પ્રત્યે સન્માનની ભાવના)ને તેણે પ્રસ્થાપિત કર્યું. આના લીધે શિલ્પમાં ઘાટની શુદ્ધતા તથા વિષયવસ્તુ અને આકાર વચ્ચેની સંપૂર્ણ સંવાદિતા લાવી શકાઈ છે. વૈશ્વિક સંવાદિતતા એ તેનો આદર્શ હતો. ‘સ્લિપિંગ મ્યૂઝ’ એ તેનું પ્રસિદ્ધ શિલ્પ છે.
અભિવ્યક્તિવાદી શિલ્પીઓમાં ઇ. બાલાર્કનું નામ મૂકી શકાય. ‘વૉર મેમૉરિયલ ફૉર ગુસ્ટ્રૉવ કેથીડ્રલ’ તેનું જાણીતું કલાસર્જન છે. જી. માર્ક્સ અને કે. કોલ્વિત્ઝ પણ જાણીતા અભિવ્યક્તિવાદી શિલ્પીઓ હતા. એચ. મૂરનાં શિલ્પોમાં છિદ્રોનું પ્રાધાન્ય જોવા મળે છે. તેનાં શિલ્પો જોતાં લાગે કે જાણે કુદરતી તાકાતથી, વિશેષે કરીને આબોહવાની તાકાતથી શિલ્પોનું સર્જન થયું હોય. ‘મધર ઍન્ડ ચાઇલ્ડ’ તથા ‘મેડૉના ઍન્ડ ચાઇલ્ડ’ તેની પ્રસિદ્ધ કૃતિઓ છે.
આધુનિક શિલ્પોમાં દાદાવાદ અને સર્રિયાલિઝમની અભિવ્યક્તિ પણ જોવા મળે છે. સ્વિસ શિલ્પી એ. ગિયા કૉમેટ્ટીનાં શિલ્પોમાં સર્રિયાલિઝમ અને ક્યૂબિઝમ(ઘનવાદ)ની અસર જણાય છે. ‘સિટી સ્ક્વૅર’ના પ્રસિદ્ધ ધાતુશિલ્પમાં માનવસમૂહ દર્શાવ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછીનો યુગ ‘નવ્ય લોહયુગ’ તરીકે ઓળખાય છે; કારણ કે આધુનિક સભ્યતામાં યંત્રો માટે લોખંડનો વપરાશ વધતો ગયો; તેથી શિલ્પીઓ પણ ધાતુનાં શિલ્પોની કલા (મેટલવર્ક) તરફ ઢળ્યા. જે ગોન્ઝાલેઝે પિકાસોના પ્રોત્સાહનથી આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી. ડી. સ્મિથે સ્ટેઇનલેસ સ્ટીલને શિલ્પના માધ્યમ તરીકે અપનાવ્યું. આમ આધુનિક શિલ્પકલામાં પરંપરાગત માધ્યમોને બદલે નવાં નવાં માધ્યમોનો ઉપયોગ થવા લાગ્યો. પ્લાસ્ટર ઑવ્ પૅરિસમાંથી પણ હવે તો શિલ્પોનું સર્જન થાય છે. આ સાથે પ્રાચીન અને મધ્યકાલીન પરંપરાઓમાંથી મુક્ત થઈને આધુનિક શિલ્પીઓએ પણ સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે પ્રયોજાયેલા જુદા જુદા કલાવાદોને ઝીલીને શિલ્પોનું સર્જન કર્યું છે.
થૉમસ પરમાર