શિલાજિત્યાદિવટી : આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : શુદ્ધ શિલાજિત 50 ગ્રામ; અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને બંગ ભસ્મ 10-10 ગ્રામ, અંબર 3 ગ્રામ લઈને આ બધાંને ખરલમાં એકત્ર કરી, તેને ત્રિજાત(તજ, તમાલપત્ર અને એલચી)ના ક્વાથ અથવા વડની જટાના સ્વરસમાં ઘૂંટી, તેની ભાવના આપી, 3 દિવસ ખરલ કરી, બે બે રતી(225થી 230 મિગ્રા.)ની ગોળીઓ વાળી લેવામાં આવે છે.
માત્રા તથા અનુપાન : 1થી 2 ગોળી ખુરાસાની અજમો અર્ધો ગ્રામ અને કપૂર બે રતી દૂધ સાથે સવાર-સાંજ બે વાર આપવામાં આવે છે.
ઉપયોગ : આ ઔષધિ પુરુષોને થતા વીર્યસ્રાવ, સ્વપ્નદોષ, પ્રમેહ (પેશાબમાં ધાતુ જવી) તેમજ મૂત્રની અલ્પતા, મૂત્રકૃચ્છ્ર, વીર્ય રોગો, પેશાબનાં દર્દો વગેરેમાં ખાસ લાભ કરે છે. આ દવા મધુપ્રમેહના દર્દીને લીમડાના પાનના સત્વ 1-1 ગ્રામ સાથે આપવી લાભપ્રદ બને છે. આ દવા હૃદયને બળવાન બનાવી રક્તધાતુ, શક્તિ, સ્મરણશક્તિ તથા પુદૃષ્ટિની વૃદ્ધિ કરે છે. તે પાંડુ, કફવૃદ્ધિ, સ્વપ્નદોષ, હૃદયની નબળાઈ, રક્તાલ્પતા વગેરે દર્દોમાં પણ સારો લાભ કરે છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા