શિરોડકર, તારાબાઈ (જ. 1889, શિરોડા, ગોવા; અ. 6 જુલાઈ 1949, મુંબઈ) : ભારતનાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયિકા. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે તત્કાલીન પ્રસિદ્ધ સંગીતકાર રામકૃષ્ણબુવા વઝે પાસેથી અને ત્યારબાદ ભાસ્કરબુવા બખલે પાસેથી મેળવ્યું. ભાસ્કરબુવા બખલે પાસેથી લગભગ એક વર્ષ સુધી તેમણે સઘન તાલીમ પ્રાપ્ત કરી. રિયાઝ અને પરિશ્રમથી તેમણે ટૂંકા ગાળામાં સંગીત ઉપર સારું પ્રભુત્વ મેળવ્યું.
1912માં તારાબાઈ ગોવા છોડીને પુણે આવીને વસ્યાં. અહીં પણ તેમને ભાસ્કરબુવાના માર્ગદર્શનનો લાભ મળ્યો. એકાદ વર્ષ પછી પુણે છોડીને તેઓ મુંબઈમાં સ્થાયી થયાં. પ્રથમ મહાયુદ્ધ (1914-18) વખતે બ્રિટિશ સરકારે ફાળો એકઠો કરવા માટે જુદી જુદી જાતના કાર્યક્રમો યોજ્યા હતા; જેમાં તારાબાઈના અનેક સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેના દ્વારા ઘણો ફાળો એકઠો થયો હતો. આ કાર્યક્રમોને લીધે તારાબાઈની ગાયિકા તરીકેની લોકપ્રિયતા ખૂબ વધી તથા તેમને ઘણા કાર્યક્રમો મળવા લાગ્યા.
તારાબાઈની ખ્યાતિ ઇન્દોર નરેશ મહારાજા તુકોજીરાવ હોળકર સુધી પહોંચી અને તેમણે તારાબાઈને રાજગાયિકાનું પદ આપ્યું. આ દરમિયાન તારાબાઈએ થોડો સમય નથ્થનખાંના મોટા પુત્ર મુહમ્મદખાં પાસે પણ તાલીમ લીધી.
1946માં ભાસ્કરબુવાના મૃત્યુદિન નિમિત્તે આકાશવાણી મુંબઈ પરથી પ્રથમ વાર તારાબાઈનું ગાયન પ્રસારિત થયું. તેમના અવાજ અને ગાયકીની ઘણી પ્રશંસા થઈ તથા રેડિયો પરથી તેમના બીજા કાર્યક્રમો પણ રજૂ થયા. તેમના ગાયનની રેકૉર્ડ પણ ઊતરી છે.
નીના જયેશ ઠાકોર