શિરુરકર, વિભાવરી (. 1904; ?) : મરાઠી નવલકથાકાર. મૂળ નામ માલતી બેડેકર. લગ્ન પહેલાં તેઓ કુમારી બાળુતાઈ ખરે તરીકે ઓળખાતાં. 1923માં તેમણે એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા લખવાની શરૂઆત કરતાં પહેલાં તેમણે કે. એન. કેળકરના સહયોગમાં ‘અલંકારમંજૂષા’ (1931) અને ‘હિંદુ વ્યવહાર ધર્મશાસ્ત્ર’ (1932) નામના બે ગ્રંથો આપેલા.

ત્યારબાદ વિભાવરી શિરુરકરના ઉપનામથી ‘કળ્યાંચે નિસાસે’ નામક વાર્તાસંગ્રહ 1933માં આપ્યો. આ કૃતિએ તેની સાહિત્યિક ગુણવત્તા તેમજ વિષયવસ્તુના કારણે સાહિત્યિક વર્તુળોમાં સંવેદના જગાડી. આ વાર્તાઓમાં પહેલી વાર મધ્યમ વર્ગની શિક્ષિત સ્ત્રીઓના તે સમયના વિશિષ્ટ સામાજિક પ્રશ્ર્નો વણી લેવામાં આવ્યા છે. આ પુસ્તકનું શીર્ષક ‘કળ્યાંચે નિસાસે’ પણ સૂચક છે. યુવાન અને કિશોરવયની છોકરીઓનાં દુ:ખો અને પ્રસવવેદના; અંધ દેશભક્તો દ્વારા તેમને પ્રેમને નામે ભોગ આપવા કહેવું અને તેમના પર અમાનવીય વ્યવહારો લાદવા – આ બધાંનું વાસ્તવિક ચિત્રાંકન એમાં કરવામાં આવ્યું છે.

‘હિંડોળ્યાવર’ (1934) તેમની નવલકથા છે. તેમાં ભારતીય શિક્ષિત સ્ત્રીનો સમાજ સામે વધુ કુતૂહલ પેદા કરતો પડકાર છે. પછી તેમણે ‘વિરલેલે સ્વપ્ન’ (1935) નામની નવલકથા ડાયરી સ્વરૂપમાં આપી છે. આઝાદી મળ્યા પછી તેમણે ‘બળિ’ (‘ધ વિક્ટિમ’ 1950) નામની અસામાન્ય નવલકથા આપીને ભારે તરખાટ મચાવ્યો. ‘બળિ’ રચના અને શૈલીની દૃષ્ટિએ વિશ્રામ બેડેકરની કૃતિ ‘રણાંગણ’ દ્વારા પ્રભાવિત હોય તેમ જણાય છે. ‘બળિ’માં તેમણે સોલાપુર નજીક આવેલ ગુનેગાર જાતિની વસાહતની શિબિરમાં તારની વાડથી ઘેરાયેલ કમનસીબ ‘માછલીઓ’ની નિયતિ વિશેનું ચિત્રાંકન કર્યું છે. તેમાં રહેતા પુખ્તો સાથે કેદીઓ જેવો વ્યવહાર કરાય છે અને દૂરની ખાણોમાં આખો દિવસ જૂજ વેતને વેઠ કરાવાય છે. બહારની દુનિયાથી તદ્દન અલિપ્ત રહેતા, અનેક દિવસ ભૂખમરો વેઠતા માનવીઓનું ચિત્ર ખડું કરતી આ નવલકથા મહાન નવલકથાઓ પૈકીની એક ગણાય છે.

આમ આ મહિલા કથાસર્જકે તેમની કૃતિઓમાં મહિલાજગતનું, નિખાલસ રીતે, હિંમતપૂર્વક નિરૂપણ કર્યું છે અને તેમણે મરાઠી સાહિત્યિક વર્તુળમાં ધ્યાનપાત્ર વિક્ષોભ પણ જગાવેલો. બે પેઢીઓ વચ્ચેનું અંતર; પુત્ર કે પુત્રી તરફથી મળવી જોઈતી ધર્મનિષ્ઠાનો બદલાતો ઢાંચો; આંતરજ્ઞાતીય લગ્નોની જરૂરિયાત; કાકા, ફોઈ, મામા, માસીનાં સંતાનો વચ્ચેના સંબંધોમાં તીવ્ર કામવાસના અને પ્રેમની છાયા, પતિત સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ જેવા વિષયોને આવરી લેવાતા તેમના અભિગમનું મૂલ્ય અને પ્રભાવ અનેરાં છે.

આમ તેઓ પ્રખ્યાત સામાજિક કાર્યકર, વિચારક અને લેખિકા ગણાય. પતિત લોકોના જીવનની તેમની પ્રત્યક્ષ જાણકારી તથા ઊંડા અભ્યાસને લીધે તેમની નવલકથા કલાત્મક હોવા સાથે પ્રમાણભૂત પણ બની છે.

‘કાંહીં મ્હાતારે આણિ એક મ્હાતારી’ શીર્ષક હેઠળ તેમણે કેટલાંક રેખાચિત્રો આપ્યાં છે જે ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા