શિરા (vein) : કોઈ પણ ખનિજ કે ધાતુખનિજથી બનેલો, પ્રાદેશિક ખડકમાં જોવા મળતો, લંબાઈ અને ઊંડાઈના પ્રમાણમાં ઓછી પહોળાઈ ધરાવતો, ઊભો, આડો કે ત્રાંસો પટ. આર્થિક દૃષ્ટિએ તે ઉપયોગી કે બિનઉપયોગી હોઈ શકે. ખનિજથી બનેલી હોય તે ખનિજશિરા (vein), ધાતુખનિજથી બનેલી હોય તે ધાતુખનિજશિરા (lode) અને પાષાણથી બનેલી હોય તે પાષાણશિરા (veinstone) કહેવાય છે. આ બધાં સ્વરૂપોના વલણમાં કોઈ વિશેષ તફાવત હોતો નથી. ‘શિરા’ શબ્દ વૈજ્ઞાનિક (તકનિકી) અર્થ સૂચવે છે, જ્યારે ધાતુખનિજશિરા એ ખાણિયાઓ દ્વારા પ્રયોજાયેલો વ્યાવહારિક અર્થાત્ વ્યાવસાયિક પર્યાય છે. ખડકમાં ખડકની પટ્ટી હોય તેને પાષાણશિરા કહે છે.
શિરાઓ માટેની જગાઓ મોટેભાગે પ્રાદેશિક ખડકોમાં ઉદ્ભવતાં તણાવનાં પ્રતિબળો દ્વારા ફાટ, સાંધા (કે સાંધા-સંકુલો) અને સ્તરભંગ જેવા નબળા વિભાગોને સ્વરૂપે તૈયાર થતી હોય છે; તેમાં તે પછી ગમે ત્યારે ખનિજદ્રવ્યની પૂરણી થવાથી તૈયાર થતો પટ શિરાને નામે ઓળખાય છે. મોટાભાગની શિરાઓનું દ્રવ્યબંધારણ સીધી કે આડકતરી આગ્નેય ક્રિયાને આભારી હોય છે, જોકે કેટલાક દાખલાઓમાં જળકૃત પ્રક્રિયાઓને પરિણામે પણ પૂરણી થતી હોય છે; જેમ કે, ચૂનાખડકોમાં જોવા મળતી ફાટોમાં પૂરણી પામેલી કૅલ્સાઇટ શિરાઓ. આવી શિરાઓ આગ્નેય ડાઇકથી સ્પષ્ટપણે જુદી પડે છે. જોકે નાનકડી ડાઇક. ડાઇક કે અન્ય અંતર્ભેદકોની શાખા-પ્રશાખાઓ, જિહ્વાકાર સ્વરૂપો માટે પણ ક્યારેક ‘શિરા’ શબ્દ વપરાય છે ખરો, ફાટશિરાઓ (fissure-veins), સોપાન-શિરાઓ (ladder lodes), સૅડલ-રીફ્સ (saddle reefs), ફૅકોલિથ વગેરે વિવિધ પ્રકારની શિરાઓનાં ઉદાહરણો છે.
ગિરીશભાઈ પંડ્યા