શિરામાર્ગી ઉપગમ (venous access)
January, 2006
શિરામાર્ગી ઉપગમ (venous access) : શિરા દ્વારા ઔષધો અને પ્રવાહી આપવા માટે કરાતી પ્રક્રિયાઓ. કેટલાક ઔષધો તથા પ્રવાહી નસ વાટે (શિરામાર્ગે) આપવાં પડે તેમ હોય છે. તેનું કારણ તે ઔષધનો પ્રકાર, પ્રવાહીનું કદ તથા દર્દીની શારીરિક સ્થિતિ હોય છે. તે માટે વિવિધ પ્રક્રિયાઓ કરી શકાય છે સોય દ્વારા, સોય તથા નિવેશિકા (catheter) દ્વારા, શિરાછેદન દ્વારા (vene section), નિવાસી નિવેશિકા (indevelling catheter) દ્વારા કે અંત:સ્થાપિત દ્વારક (implanted port) વગેરે દ્વારા. વળી ક્યારેક લોહીનો નમૂનો લેવા શિરાછિદ્રણ (vein puncture) કરાય છે તો દર્દીના શરીરમાંથી લોહી કાઢવા માટે શિરાછેદન કરાય છે.
લોહીનું દબાણ ઘટ્યું હોય ત્યારે અથવા તે વિના પણ નસ દ્વારા ઔષધો કે પ્રવાહી આપવા માટે સોયનો ઉપયોગ કરાય છે. તે માટે કોણી, અગ્રભુજા, કાંડા કે હથેળીનો પાછલો ભાગ, ખભા પાસે કે બાહ્ય ગ્રીવાસ્થ શિરા (external jugular vein) તથા કેટલાક કિસ્સામાં પગની ઘૂંટી પાસેની નસમાં સોય વડે છિદ્ર પાડીને ઔષધ અપાય છે. જો સોયનું પોલાણ મોટું હોય તો ચામડીમાં નિશ્ર્ચેતક(anaesthetic agent)નું ઇન્જેક્શન આપીને તે ભાગને બહેરો કરીને પછી સોયનો પ્રવેશ કરવાનું સૂચવાય છે. શિરા સુસ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે અંગના ધડ બાજુના ભાગમાં પટ્ટી વડે દબાણ અપાય છે અને અંગનું હલનચલન કરાય છે. જો તેમ છતાં શિરા ફૂલે નહિ તો શિરાછેદન કરાય છે. નાનાં બાળકોમાં શિરા ઘણી પાતળી હોય છે; તેથી તેમાં ઝીણા કાણાવાળી પતંગિયા જેવી સોય (butterfly needle) વપરાય છે. ઘણી વખત માથાની ચામડી(શિરચર્મ, scalp)માંની નસમાં ઇન્જેક્શન અપાય છે. તેથી તેને શિરચર્મ સૂચિકા (scalp vein needle) પણ કહે છે. કેન્દ્રીય શિરાદાબ (central veneus pressure, CVP) જાણવા માટે તથા ક્યારેક કેટલાંક ઔષધો સીધાં જ મોટી શિરાઓમાં આપવા માટે મોટી શિરાઓનું છિદ્રણ કરાય છે. આ માટે જરૂર પડ્યે હાંસડી નીચેની શિરા (subelavian vein) તથા જાંઘની શિરા (femoral vein) વપરાય છે. લાંબા સમય માટે પ્રવાહી કે ઔષધો આપવાના હોય તો સોયની સાથે નિવેશિકા જોડવામાં આવે છે અને પછી નિવેશિકાને શિરામાં રખાય છે અને તેનો બહારનો છેડો ખોલ-બંધ કરાય છે.
લોહીનું દબાણ ઘટી ગયું હોય ત્યારે શિરામાં છિદ્ર પાડીને સોય કે નિવેશિકા નાંખવામાં મુશ્કેલી પડે છે. તે સમયે બહેરી કરેલી ચામડીમાં કાપો મૂકીને શિરા શોધી કઢાય છે અને તેમાં કાપો મૂકીને તેમાં નિવેશિકાને પરોવાય છે. આવી જ રીતે લોહી કાઢવા માટે ક્યારેક આ પ્રક્રિયાની જરૂર પડે છે, તેને શિરાછેદન કહે છે.
નિવાસી નિવેશિકા (indevelling catheter) અને અંત:સ્થાપિત દ્વારક (implanted port) : તેમને સંયુક્તરૂપે કેન્દ્રીય શિરા નિવેશિકાઓ (central venous catheters) કહે છે. જે નિવેશિકાની ટોચ ઊર્ધ્વમહાશિરા(superior vena cava)માં હોય તેને કેન્દ્રીય શિરા નિવેશિકા કહે છે. હૃદયમાં શરીરના ઉપરના ભાગમાંથી લોહી લાવતી ધોરી નસને ઊર્ધ્વમહાશિરા કહે છે. સન 1949માં ડફી નામના વૈજ્ઞાનિકે જાંઘમાંની શિરામાંથી નિવેશિકા નાંખીને પ્રવાહી અને ક્ષારો આપ્યા હતા. સન 1969માં ડ્યુડ્રિક અને વિલ્મોરે પોલિવિનાયલ નિવેશિકાને શરીરમાં લાંબો સમય રાખી બતાવી હતી. સન 1973માં બ્રોબિએકે સિલિકોન રબરની નિવેશિકા વિકસાવી. સન 1975માં હોશેલે પરિઘીય પ્રવેશિત કેન્દ્રીય નિવેશિકા(peripherally inserted central catheter, PICC)નો પ્રથમ ઉપયોગ કરી બતાવ્યો. સન 1979માં હિકમેને તેમાં ફેરફાર કરીને મોટા વ્યાસવાળી નિવેશિકા વિકસાવી, જેમાંથી લોહીનો નમૂનો લઈ શકાય તથા જેમાંથી લોહી ચડાવી પણ શકાય. આ બધી સંયોજનાઓની રોજ સફાઈની જરૂર રહે છે અને તે અમુક અંશે કામકાજમાં નિયંત્રણ લાવે છે. સન 1982માં નિડેહુબરે (Neidehuber) ચામડીની નીચે સ્થાપન કરી શકાય તેવા દ્વારક(port)ની શોધ કરી. તેના સિલિકોનથી બનેલા પડદા પર સીધું ઇન્જેક્શન આપી શકાય તેવી વ્યવસ્થા રાખી છે. એક વખત અંત:સ્થાપન માટેનો ઘાવ રુઝાય પછી કોઈ વધારાની જાળવણીની જરૂર પડતી નથી. PICC તથા દ્વારક ઉપરાંત ચામડીની નીચે દર (tunnel) બનાવીને નાંખી શકાય તેવી પણ નિવેશિકાઓ વિકસાવાયેલી છે. આ પ્રકારની નિવેશિકાઓમાં ક્યારેક ચેપ લાગવો કે લોહી જામી જવું જેવી આનુષંગિક તકલીફો થાય છે. તેવે સમયે તેમને શરીરમાંથી કાઢી નાંખવી પડે છે.
શિલીન નં. શુક્લ