શિન્ડલર્સ લિસ્ટ (ચલચિત્ર)
January, 2006
શિન્ડલર્સ લિસ્ટ (ચલચિત્ર) : ભાષા : અંગ્રેજી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1993. નિર્માતા : ઇર્વિંગ ગ્લોવિન, કેથલીન કૅનેડી, બ્રાન્કો લસ્ટિગ, ગેરાલ્ડ આર. મોલેન, સ્ટિવન સ્પિલબર્ગ. દિગ્દર્શક : સ્ટિવન સ્પિલબર્ગ. પટકથા : સ્ટિવન ઝેઇલિયન. કથા : ટૉમસ કેનિયેલીની નવલકથા ‘શિન્ડલર્સ પાર્ક’ પર આધારિત. સંપાદક : માઇકલ કાહ્ન. છબિકલા : જાનુઝ કેમિન્સ્કી. સંગીત : બિલી હોલિડે, જૉન વિલિયમ્સ. કલા-નિર્દેશન : ઇવા સ્કોઝૉવ્સ્કા, મેસિયે વૉલ્ઝાક. મુખ્ય કલાકારો : લિયામ નીસન, બેન કિંગ્સલે, રાલ્ફ ફિન્સ, કેરોલિન ગુડોલ, જોનાથન સેગલ, સૅમ્યુઅલ લેવી.
બીજા વિશ્વયુદ્ધની અનેક ઘટનાઓ પર ચિત્રો બન્યાં છે, પણ તેમાંનાં જે કેટલાંક ચિત્રો દીર્ઘકાળની અસર પેદા કરી શકે તેવાં છે તેમાં ‘શિન્ડલર્સ લિસ્ટ’ પણ એક છે. ચલચિત્રના માધ્યમનો વ્યાવસાયિક ઉપયોગ કરવા માટે જાણીતા દિગ્દર્શક સ્ટિવન સ્પિલબર્ગ એક કલા તરીકે પણ આ માધ્યમનો કેવો પ્રભાવક ઉપયોગ કરી શકે તે આ ચિત્ર મારફત તેમણે પુરવાર કરી આપ્યું છે. નાઝીઓના અમાનવીય અત્યાચારોનો ભોગ બની રહેલા યહૂદીઓ પૈકી 1,133 જેટલા યહૂદીઓને ઉગારી લેનારા ઓસ્કર શિન્ડલરની માનવતાની ગાથા આ ચિત્રમાં રજૂ કરાઈ છે. પ્રારંભે શિન્ડલરનું એકમાત્ર લક્ષ્ય યુદ્ધની સ્થિતિનો લાભ લઈને વધુમાં વધુ નાણાં કમાવાનું છે. તે જર્મનીના આધિપત્યવાળા પોલૅન્ડના ક્રેકો શહેરમાં પહોંચે છે. નાઝી અધિકારીઓ સાથે તે એક સોદો કરે છે. તે મુજબ તેને પોતાના કારખાનામાં કામ કરવા માટે બંદી બનાવાયેલા યહૂદીઓ મળી રહે છે. આ સોદો તેણે નાઝી અધિકારી ગોથ સાથે કર્યો છે; પણ યાતનાશિબિરમાં રખાયેલા યહૂદીઓ પરના અત્યાચારો તે જોઈ શકતો નથી. તેની અંદરની માનવીય સંવેદનાઓ જાગી ઊઠે છે. અમાનવીય યાતનાઓ તેને ધ્રુજાવી દે છે. તે ઇચ્છે છે કે તેને ત્યાં જે યહૂદીઓ કામ કરી રહ્યા છે તેમના પર કોઈ અત્યાચાર ન થાય. એમાંયે જ્યારે તેને જાણવા મળે છે કે નાઝીઓ યાતનાશિબિરો ખતમ કરવા ઇચ્છે છે ત્યારે તે સમજી જાય છે કે હવે યહૂદીઓને ખતમ કરી નંખાશે. તેના કારખાનામાં 1,900 યહૂદીઓ કામ કરતા હતા, જેમાં 800 જેટલા પુરુષો ને બાકીનાં સ્ત્રીઓ તથા બાળકો હતાં. તેને પોતાના નવા કારખાના માટે 100 પુરુષો તો મળી જાય છે, પણ મહિલાઓ અને બાળકો ત્યાં નથી પહોંચતાં ત્યારે તે પોતે તેમને શોધીને પોતાના કારખાનામાં લઈ આવે છે. તેના કારખાનામાં કામ કરનારા 1,133 યહૂદીઓ બચી જાય છે. યહૂદીઓની આ યાદી જ ‘શિન્ડલરની યાદી’ તરીકે ઇતિહાસમાં નોંધાઈ છે. આ ચિત્રમાં રજૂ કરાયેલી માનવીય સંવેદનાઓ અને અમાનવીય યાતનાઓને વધુ વાસ્તવિક બનાવવા ચિત્ર શ્ર્વેત અને શ્યામ બનાવાયું છે. ચિત્રને અંતે દિગ્દર્શક પ્રેક્ષકોને જણાવે છે કે નાઝી ગોથને મૃત્યુદંડ અપાયો હતો અને શિન્ડલરને તેની માનવીય ભૂમિકા માટે ઘણાં માનસન્માન મળ્યાં હતાં. ચિત્રનું શૂટિંગ ક્રેકો શહેરમાં જ્યાં ઘટનાઓ બની હતી ત્યાં જ કરાયું હતું. ‘શિન્ડલર્સ લિસ્ટ’ ચિત્રને સાત ઓસ્કાર મળ્યા હતા; જેમાં શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ છબિકલા, શ્રેષ્ઠ સંગીતનિર્દેશન, શ્રેષ્ઠ કલાનિર્દેશન અને શ્રેષ્ઠ સંકલનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ વિશ્વના પ્રતિષ્ઠિત ચલચિત્ર-મહોત્સવોમાં આ ચિત્રને બિરદાવાયું છે અને અનેક પારિતોષિકો મળ્યાં છે.
હરસુખ થાનકી