શિંગમાખી : તુવેર ઉપરાંત સોયાબીન અને ચોળામાં ઉપદ્રવ કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ મેલાનાગ્રૉમાય્ઝા ઑબ્ટુસા (Melanagromyza obtusa, Malloch) છે, જેનો દ્વિપક્ષ (Diptera) શ્રેણીના ઍગ્રોમાયઝિડી (Agromyzidae) કુળમાં સમાવેશ થયેલ છે. આ જીવાતનો ઉપદ્રવ ભારતભરમાં જોવા મળે છે. માખી ચળકતા કાળા રંગની હોય, જે ઘરમાખી કરતાં સહેજ નાની હોય છે. માદા માખી તુવેરની કુમળી શિંગોની છાલમાં અંડનિક્ષેપન અંગની મદદથી છેદ કરી એકલદોકલ ઈંડાં મૂકે છે. ઘણી વખત તે કળી અને શિંગો પર પણ ઈંડાં મૂકે છે. આ ઈંડાં સોયાકાર હોય છે. એક શિંગમાં એકથી પાંચ જેટલાં ઈંડાં જોવા મળે છે. એક માદા માખી પોતાના જીવનક્રમ  દરમિયાન 38થી 79 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાં 3 થી 4 દિવસમાં સેવાતાં  તેમાંથી નીકળેલ કીડા દાણાની ત્વચા કોચીને અંદર ઊતરે છે, અને દાણાને કોરી ખાય છે. પરિણામે આવા દાણા અવિકસિત રહી કોકડાઈ, કોહવાઈ જાય છે, જેને ખેડૂતો ‘કવા આવ્યો’ તેમ કહે છે. આ પ્રકારના દાણા ખાવાલાયક રહેતા નથી.

આ કીડાની વૃદ્ધિ 5થી 6 દિવસમાં પૂર્ણ થતાં શિંગમાં જ કોશેટામાં પરિણમે છે. આવા કોશેટા શરૂઆતમાં ઝાંખા સફેદ રંગના અને પાછળથી રતાશ પડતા રંગના બનતા હોય છે. બજારમાંથી શાકભાજી માટે ખરીદ કરેલ તુવેરની શિંગોમાંથી દાણા છૂટા પાડતી વખતે આવા કીડા તેમજ કોશેટા મળી આવે છે. શિયાળાની ઠંડી ઋતુમાં કીટક-અવસ્થા ઘણી વખત 20 દિવસ સુધી લંબાતી હોય છે. કોશેટા-અવસ્થા 8થી 9 દિવસમાં પૂર્ણ થતાં શિંગમાં નાનું કાણું પાડી પુખ્ત માખી બહાર નીકળી આવે છે. જે લગભગ 3થી 6 દિવસનું આયુષ્ય ભોગવે છે. મોડી પાકતી તુવેરની જાતો અને મોડા વાવેતરમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મોડા વાવેતરમાં લગભગ 60 %થી 80 % જેટલું નુકસાન થતું હોય છે. વહેલું વાવેતર કરવાથી અને વિસ્તારને અનુરૂપ વહેલી પાકતી જાતની પસંદગી કરી વાવેતર કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. તુવેરના ખેતરમાં 50 % છોડ પર શિંગો બેસે ત્યારે મૉનોકોટોફૉસ 0.04 % અથવા ક્વિનાલફૉસ 0.05 % અથવા ડાયમિથોએટ 0.03 % અથવા ફેનવલરેટ 0.02 % અથવા ફેનવલરેટ 0.4 % ભૂકો 25 કિગ્રા./હે. મુજબ છાંટવાથી અસરકારક નિયંત્રણ મળે છે. જરૂર જણાય તો બીજો છંટકાવ 20 દિવસે કરવામાં આવે છે. જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીના અર્ક(5 %)નો છંટકાવ કરવાથી જીવાતને પાકમાં ઈંડાં મૂકતી અટકાવી શકાય. આ જીવાતના કોશેટા પહેલાંની અવસ્થા(પ્રીપ્યુપા)નું યુડેરસ ઍગ્રોમાયઝી (Euderus agromyzae, Gang.), જ્યારે કોશેટાનું યુડેરસ લિવિડસ (Euderus lividus, Ashm.) અને યુરિટોમા સ્પી.(Eurytoma sp.)થી પરજીવીકરણ થતું હોય છે.

ડૉ. પરબતભાઈ ખીમજીભાઈ બોરડ

ડૉ. ધીરુભાઈ મનજીભાઈ કોરાટ