શિંગણાપુર-શનૈશ્ચર : મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી આશરે 72 કિમી. જેટલા અંતરે અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલું નાનકડું ગામ. આ ગામ નાનું છે પરંતુ ભારતમાં તે શનિદેવની અસીમ કૃપાના ભંડાર સમું ચમત્કારપૂર્ણ બની રહેલું છે. અહીં મંદિરના આવરણ વિના માત્ર એક ચબૂતરા પર શનિદેવની પૂર્ણ કદની, 1.72 મીટર ઊંચી તથા 45 સેમી. પહોળી, કાળા પાષાણમાંથી બનાવેલી મૂર્તિ જોવા મળે છે. પરંપરા મુજબ આ મૂર્તિ સ્વયંભૂ હોવાનું કહેવાય છે. આ શનિદેવને કોઈ છત્રછાયાની જરૂર પડતી નથી, તેઓ આઠે પહોર, ગરમી હોય કે ઠંડી, આંધી હોય કે તોફાન, છત્ર ધારણ કર્યા સિવાય ઊભા છે; નજીકના વૃક્ષની ડાળી પણ તેની પર આવી જાય તો બળીને ખાખ થઈ જાય છે એવી એક લોકવાયકા પ્રવર્તે છે.
કહેવાય છે કે શનિદેવ અહીંના જાગ્રતદેવ છે. મૂર્તિનું મહત્વ વધારવા માટે પણ તેની આજુબાજુ મંદિર બાંધવામાં આવ્યું નથી, માત્ર ખુલ્લા ચબૂતરા પર સ્થિત છે. આ મૂર્તિનો ચમત્કાર એવો છે કે આ ગામના કોઈ પણ ઘરને બારણાં-દરવાજા નથી, લોકો પોતાના ઘરમાં ચીજવસ્તુઓને જાળવી રાખવા કબાટ-પેટી કે સૂટકેસ રાખતા નથી. વેપારીઓ દુકાનોમાં ગલ્લાને તાળું મારતા નથી. ગામ નાનું છે તેમ છતાં કેટલાક લોકોએ આધુનિક બાંધણીના આવાસો બનાવ્યા છે, પરંતુ તેને દરવાજા નથી, જેમણે દરવાજા મૂકવાનો પ્રયાસ કરેલો તેઓ તેમાં અસફળ રહ્યા છે. ગામમાં ચોરી થવાનો કોઈ ભય નથી; માન્યતા એવી પ્રવર્તે છે કે આ બધું શનિદેવના આદેશ અનુસાર થતું આવ્યું છે. આ અંગે કોઈ વૈજ્ઞાનિક તથ્ય હોય કે ન હોય, શિંગણાપુરમાં શનિદેવના ચમત્કાર આગળ લોકો નતમસ્તક બની રહે છે. અહીં યાત્રાર્થે-દર્શનાર્થે આવતા લોકો પોતાનાં વાહનોને પણ તાળું મારતા નથી; તેમની કીમતી ચીજવસ્તુઓ, ઘરેણાં, કપડાં વગેરે ખુલ્લાં રાખીને હરેફરે છે; જેઓ આ પરંપરાનો ભંગ કરે છે, તેમને તેનું ફળ ભોગવવું પડે છે.
શિંગણાપુરની વિશેષતા એ છે કે અહીં દેવ છે પણ મંદિર નથી, ઘર છે પણ દરવાજા નથી. અહીં શનિદેવના દર્શન માટેના કેટલાક નિયમો છે. સ્ત્રીઓ માટે ચબૂતરા પર જઈને દર્શન કરવાનો નિષેધ છે, પુરુષો માત્ર ભીનાં વસ્ત્રોમાં રહીને જ ચબૂતરા પર જઈને દર્શન કરી શકે છે. અહીં ચૈત્રી-ગુડી પડવાએ, શનિવારે અમાસ હોય ત્યારે, હનુમાન જયંતીએ વૈશાખ વદ ચૌદશે વિશેષ ઉત્સવનું આયોજન થાય છે.
શિંગણાપુરમાં આવેલાં અન્ય દેવસ્થાનોમાં ચબૂતરાથી પશ્ચિમ તરફ મહંત ઉદાસીબાબા, વિઠ્ઠલ-રુક્મિણી, શ્રીકૃષ્ણ, જ્ઞાનેશ્વર, સંત તુકારામ, નામદેવ, ગુરુદેવ દત્તની મૂર્તિઓનાં પૂર્ણમંદિરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામદેવી લક્ષ્મીમાતા, વિઘ્નહર્તા શ્રીગજાનન, કૈલાસપતિ ભગવાન શંકર તથા વૈકુંઠપતિ શ્રીવિષ્ણુનાં મંદિરો અને ઉદાસીબાબાની સમાધિ પણ આવેલાં છે. આ ગામ ‘શનિશિંગણાપુર’ નામથી પણ ઓળખાય છે.
ગિરીશભાઈ પંડ્યા